પંજાબના અબોહરમાં ભાજપના ધારાસભ્ય અરુણ નારંગ ખેડૂતોના ગુસ્સાનો ભોગ બન્યા છે.
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓથી નારાજ ખેડૂતોએ મલોટ વિસ્તારમાં ધારાસભ્ય નારંગ પર હુમલો કર્યો. આ હુમલામાં ધારાસભ્યના કપડાં પૂરી રીતે ફાટી ગયાં અને પોલીસે માંડ એમનો બચાવ કર્યો.
રાજ્યમાં કૉંગ્રેસની સરકારનાં ચાર વર્ષ પૂરાં થવાને લઈને ભાજપે કૉંગ્રેસ સરકાર વિરુદ્ધ એક પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. અબોહરના ધારાસભ્ય સહિત અનેક નેતાઓ મલોટ કાર્યાલય તરફ જઈ રહ્યા હતા.
તેઓ પોતાની ગાડીમાંથી ઊતર્યા કે ખેડૂતોએ એમને ઘેરી લીધા અને હુમલો કર્યો. ખેડૂતોનો ગુસ્સો જોઈને ભાજપે પત્રકારપરિષદ પણ રદ કરી દીધી.
સંયુક્ત કિસાન મોરચાએ આ ઘટના પર ખેદ પ્રગટ કર્યો છે.
સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદનમાં કહ્યું, "ખેડૂતોનું આંદોલન હિંસક થયું અને ધારાસભ્યને શારીરિક ઈજા પહોંચાડવામાં આવી તે અફસોસની વાત છે. એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે આવી હરકતોને અમે પ્રોત્સાહન નથી આપતા. અમે આની નિંદા કરીએ છીએ."
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ હિંસા માટે ભાજપ અને એમના સમર્થક દળ જવાબદાર છે.
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે જો ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ યુદ્ધવીર સિંહને મુક્ત નહીં કરવામાં આવે તો ખેડૂતો દરેક નેતાઓને નજરબંધ કરશે.
યુદ્ધવીર સિંહને શુક્રવારે અમદાવાદમાં એક પત્રકારપરિષદ દરમિયાન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા.
ટિકૈતે ભાજપ પર હુમલો કરતાં કહ્યું કે આ જ અસલી 'ગુજરાત મોડલ' છે, જે અમે લોકોને દેખાડવા માગીએ છીએ. ગુજરાતમાં લોકો પૂરી રીતે બંધક છે.
આંદોલનકારી ખેડૂતોએ હોળી નિમિત્તે કૃષિકાયદાઓ બાળવાનો અને માટીના તિલકથી હોળી મનાવવાનો નિર્ણય કર્યો છે.
અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવાસ કરતી વખતે 1 એપ્રિલથી ફરજિયાત કોવિડ-19નો RT-PCR કઢાવવાનો રહેશે, આ અંગે રાજ્ય સરકારે શનિવારે જાહેરાત કરી હતી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે રાજ્યમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસોને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શનિવારે જ્યારે આ જાહેરાત કરાઈ ત્યારે રાજ્યમાં કોરોનાના નવા 2,276 કેસ નોંધાયા છે.
પહેલી એપ્રિલથી ગુજરાતમાં પ્રવેશતી વખતે 72 કલાકની અંદર કઢાવેલો કોવિડ-19નો નૅગેટિવ RT-PCR રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.
તૃણમૂલ કૉંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતાનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે.
ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે તેમનો આક્ષેપ છે કે આસામ અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે નરેન્દ્ર મોદી બાંગ્લાદેશમાં લોકોને સંબોધીને આચારસંહિતાનો ભંગ કરતા હતા.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું, "ચૂંટણી ચાલી રહી છે અને તેઓ (નરેન્દ્ર મોદી) બાંગ્લાદેશ જઈને બંગાળ પર ભાષણ આપે છે."
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચેના સંઘર્ષમાં નવો વળાંક આવ્યો છે, હવે બંને તરફથી ફોન રેકર્ડિંગ લિક કરાઈ રહ્યાં છે.
ધ એનડીટીવી ઇંડિયાના અહેવાલ પ્રમાણે પહેલાં ભાજપે એક રેકર્ડિંગ જાહેર કર્યું, જેમાં મમતા બેનરજી કથિત રીતે પાર્ટીના પૂર્વ નેતા પ્રલૉય પાલને તૃણમૂલમાં પરત આવવા વાત કરી રહ્યાં છે.
પ્રલૉય શુભેન્દુ અધિકારીના નજીકના હોવાનું મનાય છે.
જવાબમાં ટીએમસીએ બે ભાજપના નેતાઓ વચ્ચેની વાતચીત જાહેર કરી છે, જેનાથી બંગાળના વિરોધી પક્ષોને નુકસાન થઈ શકે છે અને આ રેકર્ડિંગ ચૂંટણીપંચની નિષ્પક્ષતાની ભૂમિકા પર પણ પ્રહાર કરનારું છે.
ટીએમસી પ્રમાણે ભાજપ નેતા શિશિર બાજોરિયા મુકુલ રૉય સાથે ચૂંટણીપંચ સામે ઉઠાવવાના મુદ્દાઓ અંગે વાત કરી રહ્યા છે.
આ બંને રેકર્ડિંગની પ્રામાણિકતા અંગે ખરાઈ થઈ નથી, જોકે રેકર્ડિંગને પગલે બંગાળનું રાજકારણ ગરમાયું છે.
https://www.youtube.com/watch?v=BMePMYJWbfI&t=
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો