સોમવારે ઉદ્યોગસાહસિક જૅક ડૉર્સીનું એક ટ્વીટ 2.9 મિલિયન ડૉલર (21,06,85,000 રૂપિયા - 24 માર્ચ 202ની કિંમત પ્રમાણે)ની કિંમતનું હતું.
ના, તમારા વાંચવામાં કોઈ ભૂલ નથી થઈ. એક ઑનલાઇન હરાજીમાં જૅક ડૉર્સીના ટ્વીટ માટે મલેશિયાના એક બિઝનેસમૅન સીના એસ્તાવીએ આટલી કિંમત ચૂકવી છે.
આ ટ્વીટની ખાસ વાત એ હતી કે તે જૅક ડૉર્સીનું પ્રથમ ટ્વીટ હતું. આ ટ્વીટ ખરીદનાર એસ્તાવીએ તેની સરખામણી મોનાલિસાના ચિત્ર સાથે કરી છે.
https://twitter.com/sinaEstavi/status/1374063984396136450
નોંધનીય છે કે જૅક ડૉર્સીએ આ ટ્વીટ 21 માર્ચ, 2006ના રોજ કર્યું હતું.
જૅક ડૉર્સીનું ટ્વીટ ખરીદનાર સીના એસ્તાવીને આ ટ્વીટની ખરીદી અંગેનું ડૉર્સી દ્વારા પ્રમાણિત અને સહી કરેલ પ્રમાણપત્ર મળશે.
આ સિવાય તેમને ઑરિજિનલ ટ્વીટના મેટાડેટા પણ આપવામાં આવશે. જેમાં ટ્વીટ કર્યાનો સમય ને તેના ટેક્સ્ટ કન્ટેન્ટને લગતી માહિતી હશે.
જોકે, આ ટ્વીટ ટ્વિટર પર પણ જોઈ શકાશે.
https://twitter.com/jack/status/20
આ સમાચાર વિશે જાણીને એ વાત અંગે કુતૂહલ પેદા થવું સ્વાભાવિક છે કે જે વ્યક્તિના એક ટ્વિટની આટલી કિંમત આંકવામાં આવી છે આખરે તે છે કોણ?
અમેરિકાના મિસોરીના સેઇન્ટ લુઇસમાં 19 નવેમ્બર, 1976માં જન્મેલા જૅક ડૉર્સી મૂળે એક વેબ ડેવલપર અને ઉદ્યોગસાહસિક છે.
'ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા'માં દર્શાવાયેલી વિગતો અનુસાર તેમણે વર્ષ 2006માં ઇવાન વિલિયમ્સ અને ક્રિસ્ટોફર સ્ટોન સાથે મળીને ઑનલાઇન માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરની સ્થાપના કરી હતી.
તરુણાવસ્થામાં જ ડૉર્સીએ એક ટૅક્સી ડિસ્પેચિંગ સોફ્ટવૅર બનાવ્યું હતું. જે ટૅક્સીકૅબ કંપની દ્વારા અડોપ્ટ કરાયું હતું.
https://www.youtube.com/watch?v=LT3S6Skod0M&t=52s
વર્ષ 1999માં સાન ફ્રાન્સિસ્કો જતા પહેલાં તેમણે ન્યુયૉર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. સાનફ્રાન્સિસ્કોમાં તેમણે ઇન્ટરનેટની મદદથી કુરિયર, ઇમર્જન્સી વ્હિકલ અને ટૅક્સી ડિસ્પેચ કરવાનું કામ શરૂ કર્યું.
વર્ષ 2000માં તેમણે મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે ટેક્સ્ટ અને ઇન્સ્ટન્ટ મૅસેજિંગ તકનીકનો ઉપયોગ કરવાનું વિચાર્યું. તેઓ આ વિચાર લઈને વિલિયમ્સ અને સ્ટોનને મળ્યા.
આ ત્રણેય યુવાનોએ આ વિચાર આધારે એક સાથે મળીને એક નવીન પ્રોટોટાઇપ બનાવ્યું જે આગળ જઈને ટ્વિટર તરીકે ઓળખાયું.
તેઓ વર્ષ 2008 સુધી ટ્વિટરના CEO તરીકે રહ્યા, ત્યાર બાદ તેઓ ફરી વાર 2015માં ટ્વિટરના CEO બન્યા.
'ફોર્બ્સ'ના એક અહેવાલ પ્રમાણે ડૉર્સીએ વર્ષ 2009માં જિમ મૅકકેલ્વી સાથે મળીને મોબાઇલ પેમેન્ટ વેન્ચર 'સ્ક્વેર'ની સ્થાપના કરી.
તેઓ વર્ષ 2009માં 'સ્ક્વેર'ના પણ CEO બન્યા. આ વેન્ચર એટલું બધું સફળ રહ્યું કે વર્ષ 2012 સુધી તેના 20 લાખ યુઝર થઈ ગયા.
ત્યાર બાદ તેઓ વર્ષ 2013માં ડિઝની કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટરના સભ્ય પણ બન્યા.
વર્ષ 2016માં તેમણે ટ્વિટરના પોતાના ભાગમાંથી એક તૃતિયાંશ ભાગના શૅર કંપનીના કર્મચારીઓને આપી દીધા હતા.
અહેવાલ પ્રમાણે તેમણે એપ્રિલ, 2020માં પોતાની સંપત્તિમાંથી કોરોનાના રાહતકાર્ય અને અન્ય હેતુઓ માટે એક બિલિયન ડૉલર આપવાનું વચન આપ્યું હતું. નોંધનીય છે કે આ રકમ તે સમયની તેમની કુલ સંપત્તિના 28 ટકા બરોબર હતી.
હાલમાં તેમની નેટ વર્થ 12.8 બિલિયન ડૉલર છે.
ટ્વિટર એ એક માઇક્રોબ્લોગિંગ સાઇટ છે. જેનો ઉપયોગ પર્સનલ કૉમ્પ્યુટર કે મોબાઇલ ફોન વડે ટૂંકા સંદેશા મોકલવા માટે થાય છે.
તે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ 'માયસ્પેસ' અને 'ફેસબુક'ના મિશ્રણ જેવું પ્લૅટફૉર્મ છે.
ટ્વિટરનો ઉપયોગ એવા યુઝરોનું નેટવર્ક તૈયાર કરવા માટે થાય છે જેઓ એકબીજા સાથે ટૂંકા સંદેશા કે ટ્વીટ મારફતે સતત જોડાયેલા રહે છે.
આ સિવાય ટ્વિટર પર તેના યુઝરો મારફતે કેટલાક હૅશટૅગ કે ટ્રેન્ડ શરૂ કરવામાં આવે છે, જે તે વિષય પરના ટ્રેન્ડ અંગે યુઝરો પોતપોતાના અંગત વિચારો મૂકતા ટ્વિટ કરી શકે છે.
આજ કાલ આમથી માંડીને ખાસ સુધી તમામ લોકો આ માઇક્રોબ્લોગિંગ પ્લૅટફૉર્મનો સતત અપડૅટ રહેવા કે પોતાના વિચારો રજૂ કરવા માટે ઉપયોગ કરે છે.
જાણીતી હસ્તીઓ માટે ટ્વિટરનું પ્લૅટફૉર્મ પોતાના પ્રશંસકો સાથે જોડાવાનું એક માધ્યમ બની ગયું છે.
ઘણી વાર કેટલાક સમાજોપયોગી હેતુઓ માટે પણ ટ્વિટરના પ્લૅટફૉર્મનો તેના યુઝર દ્વારા ઉપયોગ કરાય છે.
આજકાલ સરકારી વિભાગો, સંસ્થાઓ સાથે જોડાવા, પોતાની ફરિયાદો કે વાત જાહેર જનતા સમક્ષ રજૂ કરવા માટે પણ ટ્વિટરનું પ્લૅટફૉર્મ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે.
પરંતુ ટ્વિટર પર યુઝરે પોતાનું ટ્વિટ કે સંદેશો 140 શબ્દોની મર્યાદામાં જ લખવો પડે છે. ટેક્સ્ટની સાથોસાથ યુઝર વીડિયો, ફોટો અને અન્ય ડિજિટલ મલ્ટીમીડિયાનો પણ ઉપયોગ ટ્વીટ સાથે કરી શકે છે.
ભારતમાં રાજકીય હસ્તીઓ, સમાચાર સંસ્થાઓ, અભિનેતાઓ અન્ય ક્ષેત્રોના પ્રખ્યાત લોકો પોતાના લાખો-કરોડો પ્રશંસકો સાથે જોડાવા તેમની સાથે સંવાદ સ્થાપવા માટે ટ્વિટરનો ઉપયોગ કરે છે.
'સ્ટેટિસ્ટા'ના એક અહેવાલ પ્રમાણે વર્ષ 2021માં ટ્વિટરના કુલ 18 કરોડ 70 લાખ ડેઇલી ઍક્ટિવ યુઝર છે.
ટ્વિટરનો સૌથી વધુ ઉપયોગ કરતા દેશોની વાત કરીએ તો એ યાદીમાં છ કરોડ 93 લાખ યુઝર સાથે અમેરિકા પ્રથમ ક્રમે છે.
જ્યારે બીજા ક્રમે પાંચ કરોડ નવ લાખ ટ્વિટર યુઝર સાથે જાપાન છે. તેમજ ત્રીજા ક્રમે એક કરોડ પાંચ લાખ ઍક્ટિવ યુઝર સાથે ભારત છે.
હવે ટ્વિટર પર સૌથી લોકપ્રિય વ્યક્તિની વાત કરીએ તો આ યાદીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 12 કરોડ નવ લાખ ફોલોઅર સાથે પ્રથમ ક્રમે છે.
જ્યારે ભારતમાં સૌથી વધુ ફોલોઅર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર ટ્વિટર પર વડા પ્રધાન મોદીને છ કરોડ 54 લાખ લોકો અનુસરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો