પૂર્વ કાયદા મંત્રી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને દિલ્હીની સેશન કોર્ટે ઝાટકો આપ્યો છે. દિલ્હીની સેશન કોર્ટે એમ્સમાં તહેનાત ગાર્ડ સાથે મારપીટના મામલે ધારાસભ્યને બે વર્ષની કેદની સજાને યથાવત રાખી છે, અને સોમનાથ ભારતીની અપીલને આંશિક રૂપે ફગાવી દીધી છે. કોર્ટના આ ફેસલા બાદ સોમનાથ ભારતીને તરત જ્યૂડિશિયલ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટની મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતીને બે વર્ષની કેદ અને એક લાખના દંડની સજા સંભળાવી હતી. ધારાસભ્યએ આ ફેસલાને સેશન કોર્ટમાં પડકાર આપ્યો હતો, જેની આજે સુનાવણી થઈ.
જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2016ના રોજ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીએ સેંકડો લોકો સાથે મળી એમ્સની એક દિવાલને જેસીબીથી ધ્વસ્ત કરી દીધી હતી. આવું કરવાથી રોકવા પર સોમનાથ ભારતી અને તેના સમર્થકોએ સુરક્ષાકર્મીઓ સાથે મારપીટ કરી હતી. આ હાથાપાઈમાં કેટલાય ગાર્ડ ઘાયલ થયા હતા. કોર્ટે ધારાસભ્યને કલમ 323, 353 અને 147 અંતર્ગત દોષી ગણ્યા છે. આ સમગ્ર મામલે એમ્સના મુખ્ય સુરક્ષા અધિકારી આરએસ રાવતે 10 સપ્ટેમ્બર 2016ના રોજ સોમનાથ ભારતી સામે એફઆઈઆર નોંધાવી હતી.