‘મુંબઈના પૂર્વ કમિશ્નર પરમવીર સિંહની ચિઠ્ઠી ખતરનાક’, રાજ ઠેકરેએ અનિલ દેશમુખનું રાજીનામું માંગ્યું

|

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહ દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠી બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં હંગામો મચી ગયો છે. થોડા દિવસ પહેલાં મુંબઈના પોલીસ કમિશ્નર પદેથી હટાવવામાં આવેલ પરમવીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સસ્પેન્ડ પોલીસકર્મી સચિન વાજેને ગૃહમંત્રી અનિલ દેશમુખે હર મહિને 100 કરોડની વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો. હવે આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ ગૃહમંત્રી અનિલ દેશમુખ પાસે રાજીનામું માંગી લીધું છે. રાજ ઠાકરેએ કહ્યું કે મુંબઈના પૂર્વ કમિશ્નર પરમવીર સિંહની લેખિત ચિઠ્ઠી વિસ્ફોટક છે, કોઈપણ વિલંબ વીના તત્કાલ પ્રભાવથી અનિલ દેશમુખે રાજ્યના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપવું જોઈએ. રાજ ઠાકરે પહેલાં ભાજપે અનિલ દેશમુખના રાજીનામાંની માંગ કરી છે.

શનિવારે રાજ ઠાકરેએ પરમવીર સિંહ દ્વારા લખવામાં આવેલી ચિઠ્ઠીને લઈ મરાઠીમાં ટ્વિટ કર્યું. ટ્વીટમાં રાજ ઠાકરેએ લખ્યું, "મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહની મુખ્યમંત્રીને લખવામાં આવેલી ચિઠ્ઠી વિસ્ફોટક છે. જેના કારણે મહારાષ્ટ્રની છબી ખરાબ થઈ રહી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખે તાત્કાલીક પોતાના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ અને આ મામલાની તપાસ થવી જોઈએ."

અનિલ દેશમુખે પોતાના પર લાગેલા આરોપો અંગે શું કહ્યું?

અનિલ દેશમુખે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, પરમવીર સિંહે મારા પર લગાવેલા બધા આરોપો સાબિત કરવા પડશે. તેમના પર હું માનહાનીનો કેસ કરીશ. અનિલ દેશમુખે કહ્યું કે, આ બધું તેમને બદનામ કરવા માટે કરાઈ રહ્યું છે. સચિન વાજેની ધરપકડ બાદ કેટલાય દિવસ સુધી પરમવીર સિંહ ચૂપ કેમ હતા? તેમણે પહેલાં આ આરોપો કેમ નહોતા લગાવ્યા? તેમણે કહ્યું કે મુકેશ અંબાણી વિસ્ફોટક કેસ અને મનસુખ હિરેનના મોતની તપાસને ભટકાવવા માટે પરમવીર સિંહે આ ડ્રામા કર્યો છે. તેમણે પરમવીર સિંહ પર ઉદ્ધવ ઠાકરે પાસે એક નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે.

More RAJ THACKERAY News