પ્રવીણ કુમાર સ્કૂટર પર તેમની કાંખઘોડી સાથે એક હાથમાં પીંછી લઈ  આસપાસના લોકો સાથે વાત કરતા બેઠા છે તેની નજીકમાં એક મોટું - 18 ફૂટ લાંબુ - કેનવાસ છે. તેના પર તેમણે સિંઘુમાં વિરોધ કરી રહેલા ખેડૂતોના ચિત્રો દોર્યા છે.

પ્રવીણે લુધિયાણાથી સિંઘુની લગભગ 300 કિલોમીટરની મુસાફરી કરી છે. તેઓ લુધિયાણામાં એક કલા શિક્ષક અને કલાકાર છે. તેમનું કહેવું છે કે ખેડૂત આંદોલનમાં યોગદાન આપવાની પોતાની ફરજ છે એમ જણાતા તેઓ 10 મી જાન્યુઆરીએ હરિયાણા-દિલ્હી સરહદ પર વિરોધ સ્થળે પહોંચી ગયા હતા.

તેઓ કહે છે, “હું પ્રસિદ્ધિનો ભૂખ્યો નથી, ઈશ્વરે મને ઘણું આપ્યું છે, મને એ બાબતે કોઈ ચિંતા નથી. હવે હું આ આંદોલનનો ભાગ છું એ વાતની મને ખુશી છે.”

તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે પોલિયોને કારણે લકવાગ્રસ્ત થઈ ગયેલા તેમના પગ તરફ ઈશારો કરતા તેઓ કહે છે, "હું 70 ટકા વિકલાંગ છું." ન તો તેમની વિકલાંગતા કે ન તો તેમના પરિવારની શરૂઆતની નારાજગી તેમને સિંઘુ સુધીની મુસાફરી કરતા રોકી શકી.

43 વર્ષના પ્રવીણે લુધિયાણામાં મોટા કેનવાસ પર પેઇન્ટિંગ શરૂ કર્યું અને તેને સિંઘુ લઈ આવ્યા. ત્યાં આંદોલનકારીઓની વચ્ચે રસ્તા પર બેસીને - જ્યાં સુધી પેઇન્ટિંગ તૈયાર ન થયું ત્યાં સુધી - તેઓ તેના પર કામ કરતા રહ્યા.
PHOTO • Anustup Roy
PHOTO • Anustup Roy

પ્રવીણ કુમારનું પેઇન્ટિંગ વિરોધ પ્રદર્શનોના વિવિધ તબક્કાઓને આવરી લે છે. તેઓ કહે છે, 'હવે હું આ આંદોલનનો ભાગ છું એ વાતની મને ખુશી છે'

લાખો ખેડૂતો રાજધાનીની સરહદે સિંઘુ અને અન્ય વિરોધ સ્થળોએ ત્રણ કૃષિ કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કાયદાઓ અગાઉ  5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા.

વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે આ કાયદાઓ વ્યાપક વિનાશ નોતરશે - કૃષિક ઉપજ  વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; કૃષિક  (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ  32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.

પ્રવીણના પેઇન્ટિંગ્સ આ કાયદાઓને પગલે થયેલા વિરોધના તબક્કાઓ આવરી લે છે. કેનવાસ આ આંદોલનનું પ્રાસંગિક કથાત્મક ચિત્રાંકન  છે - જે દિવસથી ખેડુતોએ રેલવેના પાટાઓ અવરોધવાનું શરૂ કર્યું હતું ત્યારથી માંડીને તેમણે અશ્રુ-ગેસ અને પાણીની તોપોનો સામનો કરતા હતા ત્યારથી આજ સુધીનું જ્યારે તેઓ દિલ્હીની સરહદે અડગ છે.

તેમણે ખૂબ મહેનત કરીને કેનવાસ પર કામ કર્યું છે, પરંતુ ભવિષ્યમાં તેઓ તેને વધુ વિસ્તૃત કરવા માંગે છે, અને તેઓ કહે છે, “હું આ પેઇન્ટિંગને તેના અંતિમ નિષ્કર્ષ - વિરોધની સફળતા અને કૃષિ કાયદાઓ રદ - સુધી લઈ જવા માગું છું.”

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Anustup Roy

Anustup Roy is a Kolkata-based software engineer. When he is not writing code, he travels across India with his camera.

Other stories by Anustup Roy