રિયો દ જાનેરોના એક અખબારે 16 સપ્ટેમ્બર, 1918ના રોજ અહેવાલ આપ્યો હતો કે ડેમેરારા જહાજની ટ્રીપ નકામી રહી હતી. વાત ખોટી પણ નહોતી, કેમ કે ઇંગ્લૅન્ડના તે જહાજના કૅપ્ટન જે.જી.કે. ચેરેટને કલ્પના પણ નહોતી કે 15 ઑગસ્ટ, 1918ના રોજ તે લીવરપૂલથી સફરે નીકળશે પછી કેવી આપત્તિઓ આવશે.
બીજા દિવસે 16 ઑગસ્ટે જ આફત આવી પહોંચી હતી. સવારે 8 વાગ્યે બે જર્મન સબમરીને તેના પર હુમલો કર્યો. અખબારના અહેવાલ અનુસાર એક સબમરીનનો ટોર્પિડો બૉથી માત્ર એક મીટર દૂરથી જ પસાર થઈ ગયો હતો.
પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું એટલે મુસાફરો ગભરાયા અને લાઇફજૅકેટ શોધવા લાગ્યા. જહાજ પર 562 મુસાફરો હતા અને 170 ક્રૂ મેમ્બર્સ હતા. બધાનો ભોગ લેવાઈ ગયો હોત, પરંતુ ઇંગ્લૅન્ડનું જહાજ અને અમેરિકાની છ ટોર્પિડો બોટ વહારે આવી. એક સબમરીનને ડૂબાડી દેવાઈ, જ્યારે બીજી નાસી ગઈ.
અહેવાલ લખનાર પત્રકાર અને લેખક વેગનર જી. બેરેરા જણાવે છે કે ઇંગ્લૅન્ડના આ જહાજનો જર્મન સબમરીનનો પનારો પડ્યો હોય તેવું આ પ્રથમ વાર નહોતું.
"ડેમેરારા એવું બ્રિટિશ મર્ચન્ટ નેવીનું જહાજ હતું જેણે એક સબમરીનને ભૂતકાળમાં ડૂબાડી દીધી હતી. તેના કૅપ્ટનને તેના માટે ઍવૉર્ડ પણ મળ્યો હતો. હવે જર્મન નેવી તેની પાછળ પડી હતી," એમ બેરેરા કહે છે.
ડેમેરારા જહાજ નિયમિત બ્રાઝિલ આવતું હતું અને વેગનર બેરેરાના દાદા આ જહાજમાં જ મુસાફરી કરીને એક સદી પહેલાં બ્રાઝિલ પહોંચ્યા હતા. દાદાની વાતોમાંથી પ્રેરણા લઈને જ પૌત્ર વેગનરે એક સદી પછી 2020માં 'ડેમેરારા' નામે ઐતિહાસિક નવલકથા લખી છે.
સબમરીનના હુમલાને ખાળીને ડેમેરારા આગળ વધ્યું. તેની માલિકી યુકેના પોસ્ટવિભાગ રૉયલ મેઇલની હતી. તે લીવરપૂલથી બ્યૂનોસ એરિસ વચ્ચે સફર કરતું અને ટપાલો ઉપરાંત મુસાફરો અને ખાંડ સહિતનો માલસામાન પણ લઈને ચાલતું.
યુરોપ તરફ વળતા પ્રવાસમાં માંસ અને કૉફી જેવો સામાન ભરીને લઈ જવાતો.
વેગનર કહે છે, "સ્પેનના વીગો પોર્ટ ઑથૉરિટીના જણાવ્યા અનુસાર પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જહાજોની આવનજાવન ઓછી થઈ હતી, કેમ કે જર્મન સબમરીનો ખતરો રહેતો હતો. બીજું કે યુવાનોને સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા એટલે અમેરિકા ખંડની મુસાફરી કરનારા પણ બહુ નહોતા."
લિસ્બન પસાર કરીને જહાજ બ્રાઝિલ તરફ ઍટલાન્ટિક મહાસાગરમાં આગળ વધવા લાગ્યું. 25 દિવસની મુસાફરી પછી 9 સપ્ટેમ્બરે ડેમેરારા રેસાઇફ બંદરે પહોંચ્યું. બ્રાઝિલનાં ચાર બંદરો પર જહાજ લાંગરવામાં આવતું - રેસાઇફ, સાલ્વાડોર, રિયો અને સેન્ટોસ.
ફ્લુમિનન્સ ફેડરલ યુનિવર્સિટીના ડૉ. ડિલિન રેમુન્ડો દો નાસિમેન્તો કહે છે, "યુદ્ધના સમાચારો સાથેના પત્રો અને ખબરો લઈને આવેલું પ્રથમ જહાજ ડેમેરારા હતું. બંદર પર જહાજ પહોંચતું ત્યારે તેની પાસેથી લડાઈમાં ગયેલા સૈનિકોનું શું થયું તે જાણવાની ઉત્સુકતા સાથે લોકોનાં ટોળાં રાહ જોઈને જ ઊભા હોય."
તેઓ ફિયોક્રૂઝ ફાઉન્ડેશનમાં રોગચાળાના ઇતિહાસ વિશે પણ સંશોધન કરે છે.
તે વખતે રેસાઇફ બંદરનું બાંધકામ હજી ચાલતું હતું એટલે માલસામાન અને મુસાફરોને બાસ્કેટમાં બેસાડી ક્રેનથી ઉતારવામાં આવ્યા હતા.
"આ જહાજ પર સ્પેનિશ ફ્લૂનો ચેપ કેવી રીતે પહોંચ્યો હતો તે સ્પષ્ટ નથી. જહાજ ઇંગ્લૅન્ડમાં હતું ત્યારે જ ચેપ લાગી ગયો હતો કે લિસ્બનમાં તે નક્કી નહોતું", એમ ફેડરલ દે મિનાસ ગેરેસ યુનિવર્સિટીના પ્રોફેસર હિલોઇસા મુર્ગેલ સ્ટાલિંગ જણાવે છે.
તેમના જણાવ્યા અનુસાર "જે હોય તે, પણ જહાજ બ્રાઝિલ પહોંચ્યું તે પછી રેસાઇપથી રિયો દે જાનેરો સુધી ઝડપથી સ્પેનિશ ફ્લૂ ફેલાયો અને બાદમાં બંદર પરથી રેલવે પ્રવાસીઓ દ્વારા અંતરિયાળ વિસ્તાર સુધી રોગચાળો ફેલાયો."
રેસાઇફથી ડેમેરારા સાલ્વાડોર બંદરે 11 સપ્ટેમ્બરે પહોંચ્યું. કૅપ્ટને જહાજને જંતુમુક્ત કરવા માટે પ્રયાસો કર્યા હતા, પણ તેનો કોઈ ફાયદો થયો નહોતો.
અધિકારીઓએ પણ બેદરકારી દાખવી હતી અને જહાજમાંથી ઊતરેલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની આરોગ્ય અધિકારીઓ તપાસ કરી નહોતી.
બે અઠવાડિયાં પછી એક અખબારમાં અહેવાલ છપાયો હતો કે સાતસોથી વધુ લોકોને ચેપ લાગી ચૂક્યો છે. બેરેક અને હૉસ્પિટલ, શાળા અને ચર્ચ એમ બધે ચેપ ફેલાઈ ગયો હતો.
હેલોઇસા જણાવે છે, "જોકે રેસાઇફ અને સાલ્વાડોરના ગવર્નરોએ સ્પેનિશ ફ્લૂનો ચેપ ફેલાયોનો ઇન્કાર જ કર્યો. જો જહાજમાંથી ચેપ આવ્યો છે તેવું સાબિત થાય તો બંદરનું કામકાજ બંધ કરવું પડે. આર્થિક રીતે નુકસાન ટાળવા ખાતર તે લોકોએ જાણે કશું થયું નથી એમ ડેમેરારા જહાજને આગળ જવા દીધું."
જહાજ હવે રિયો દ જાનેરો પહોંચવાનું હતું. અહીં હવે અધિકારીઓ સાવધ થઈ ગયા. માસ્ટ પર રોગચાળાની ચેતવણી માટેનો યલો ફ્લેગ લગાવાયો હતો.
પૉર્ટના સૅનેટરી ઇન્સ્પેક્ટર રામોસે કેટલાક મુસાફરોની તપાસ કરી. તેમાંથી બે બહુ બીમાર થયેલા જણાતા હતા. તેમને ખ્યાલ આવી ગયો કે જહાજમાં રોગચાળો ફેલાયો છે.
આમ છતાં ડેમેરારાને બંદર પર લાંગરવા માટેની મંજૂરી અપાઈ. તે દિવસ હતો 15 સપ્ટેમ્બર, 1918. બ્રાઝિલની રાજધાનીમાં જહાજ પરથી ઊતરેલા 367 મુસાફરોએ પ્રવેશ મેળવી લીધો.
કેટલાક મુસાફરોને ઠંડી લાગી રહી હતી. કેટલાકનાં શરીરમાં દુખાવો હતો. બીજા મુસાફરો વધારે બીમાર જણાતા હતા અને તેમનાં નાક, કાનમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું. ગંભીર દર્દીઓને દવાખાને દાખલ કરવા પડ્યા હતા.
આ મુસાફરોને અહીં ઉતારીને ડેમેરારા આગળ વધી ગયું. સૅનેટરી ઇન્સ્પેક્ટરે એવું કહ્યું હતું કે "બીમારી ગંભીર જણાય છે, પણ તે ચેપી નથી." તેમની વાત ખોટી હતી, કેમ કે આ બહુ જ ચેપી રોગ હતો.
ત્યાં સુધીમાં સ્પેનિશ ફ્લૂને અનેક નામથી બદનામી મળવા લાગી હતી, રશિયન ગળફો, લશ્કરી ખાઈની ખરાબી અને ત્રણ દિવસિયો તાવ વગેરે...
રિયોમાં તેનું નવું નામ પડ્યું ઘરડાઓનો રોગ... એટલા માટે કે આ રોગ માત્ર વૃદ્ધોને થાય છે એવું માની લેવાયું હતું.
રોગચાળા વિશે પુસ્તક લખનારા સ્ટિફન કુન્હા ઉવેરી જણાવે છે, "કેટલાક લોકો તેને સામાન્ય ફ્લૂ ગણાવી રહ્યા હતા. તેમને કલ્પના પણ નહોતી કે બધી જ ઉંમરના લોકોનો ભોગ આ રોગ લઈ લેશે."
પરિવારમાં સભ્યો ટપોટપ મરવા લાગ્યા હતા અને લોકો તે મૃતદેહોને ઘરની બહાર ખુલ્લામાં છોડી દેવા લાગ્યા, જેથી કબ્રસ્તાનના લોકો આવીને તેને લઈ જાય.
રોગચાળો ફેલાવા લાગ્યો હતો અને દવાખાનામાં પથારીઓ ખૂટી પડી હતી અને આટલી મોટી સંખ્યામાં દફન કરવા માટે કબર ખોદનારા પણ પૂરતા નહોતા.
"રોજેરોજ લોકો મરવા લાગ્યા. પ્રથમ વાર મરણ થતું ત્યારે પરિવારમાં રોકકળ પણ થતી હતી, અને તેમના પર ફૂલો ચડાવીને અંતિમવિધિઓ વગેરે થતું હતું. પણ પછી લાગ્યું કે આ તો પ્લેગ જેવું છે, પછી કોઈનામાં શોક કરવાનાય હોશ નહોતા. મૃતદેહો પર હવે ફૂલો ચડાવનારા પણ નહોતા. ચારે બાજુ જાણે મોતનું નૃત્યુ ચાલી રહ્યું હતું. 1918ની હવામાં જાણે મોત ગૂંજતું હતું... ", આવું ગમગીન વર્ણન એક પત્રકાર નેલ્સન રોડ્રિગે તેના અહેવાલમાં કર્યું હતું.
આ બાજુ ડેમેરારા આગળ વધતું જ રહ્યું. 23 સપ્ટેમ્બરે તે મોન્ટેવિડિયો ખાતે પહોંચ્યું.
હવે તો ડેમેરારા જહાજ ઉપર જ મુસાફરોનાં મોત થવા લાગ્યાં હતાં. બ્યૂનોસ એરિસમાં તે પહોંચ્યું ત્યારે છ લોકોનાં મોત થયાં હતાં અને 22 બીમાર હતા.
બ્રાઝિલનાં અખબારોમાં ચેપી જહાજ વિશે અહેવાલો છપાયા હતા અને ઉરુગ્વેના સત્તાધીશોને ચેતવણી આપી હતી, પરંતુ તે દેશના સત્તાધીશોએ કોઈ પરવા કરી નહોતી.
તે પછી આખરે જહાજ બ્યૂનોસ એરિસમાં પહોંચ્યું ત્યારે જ આર્જેન્ટિનાના સત્તાધીશો જાગ્યા હતા. અહીં ડેમેરારા જહાજની સ્થિતિ વિશે પૂરી તપાસ કરવામાં આવી હતી.
હેલોઇસા કહે છે કે બ્રાઝિલના સત્તાધીશોએ જે કરવાની પરવા કરી નહોતી તે આખરે આર્જેન્ટિનાના સત્તાધીશોએ કર્યું. જહાજનો કબજો લેવામાં આવ્યો અને તેની સંપૂર્ણ સફાઈ કરીને જંતુમુક્ત કરાયું હતું.
જહાજ પર મુસાફરી દરમિયાન જ પાંચેકનાં મોત થયાં હતાં અને તેમાં એક ક્રૂ મેમ્બરનો પણ સમાવેશ થતો હતો. જોકે તેમાંથી એકનું જ ઇન્ફ્લૂએન્ઝા માટે નિદાન થયું હતું.
બેરેરાના જણાવ્યા અનુસાર જહાજ પર કેટલાક લોકોને ચેપ લાગ્યો હતો તેના આંકડા સ્રોત પ્રમાણે જુદાજુદા મળે છે.
"પણ તમે કલ્પના કરી શકો છો કે થર્ડ ક્લાસમાં ખીચોખીચ મુસાફરો ભરેલા હોય છે અને જહાજમાં બંધિયાર વાતાવરણમાં કેટલી હદે વાઇરસ ફેલાયો હશે."
"ફ્લૂનો પ્રથમ રોગચાળો એટલો ઘાતક નહોતો. તેનાથી બીમારી થતી હતી, પણ મોત થતું નહોતું. પરંતુ સેકન્ડ વેવ વધારે ઘાતક નીવડ્યું હતું અને તેના કારણે જ દુનિયામાં અનેક લોકોનો ભોગ લેવાયો. ડેમેરારા જહાજ પર આ સેકન્ડ વેવ વખતનો ચેપ ફેલાયેલો હતો."
ડેમેરારા જહાજે રોગચાળો ફેલાવ્યો તે વિશેનો પ્રથમ અહેવાલ કદાચ સાઓ પાઓલોના એક અખબારે પ્રગટ કર્યો હતો. 27 સપ્ટેમ્બર, 1918ના રોજ પ્રથમ પાને અખબારે લખ્યું હતું : "સ્પેનિશ ફ્લૂ બ્રાઝિલમાં આવી ગયો છે."
ડેમેરારા જહાજને હવે 'મોતના જહાજ' તરીકે સૌ ઓળખવા લાગ્યા હતા.
એક અંદાજ અનુસાર માત્ર બ્રાઝિલમાં જ સ્પેનિશ ફ્લૂના કારણે 35,000 લોકોનાં મોત થયાં હતાં. સમગ્ર વિશ્વમાં 3 કરોડથી વધુ લોકો તેનો ભોગ બન્યા હતા તેવો અંદાજ મુકાતો રહ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ કરતાંય ચાર ગણા વધુ લોકો રોગચાળામાં માર્યા ગયા હતા.
તે વખતના આરોગ્ય ખાતાના પ્રધાન કાર્લોસ સેઇડલે 10 ઑક્ટોબર, 1918ના રોજ પત્રકારપરિષદ બોલાવી હતી. પત્રકારો અને ડૉક્ટરોની હાજરીમાં હજી પણ આ પ્રધાન રોગચાળો ખાસ કંઈ જોખમી નથી તેવી વાતો કરતાં રહ્યા હતા. તેમણે મોતનાં આંકડા સામે શંકા ઉઠાવી હતી અને અખબારો પર બેજવાબદાર રીતે સનસનાટી ફેલાવાનો આક્ષેપ કર્યો હતો.
જોકે તેનો ભારે ઊહાપોહ થયો અને એક અઠવાડિયા પછી બ્રાઝિલના પ્રમુખે તેમની પ્રધાનપદેથી હકાલપટ્ટી કરી હતી.
તેમની જગ્યાએ ડૉક્ટર થિયોફિલો દે અલ્મેડા ટોરેસને મૂકવામાં આવ્યા. તેમણે સ્પેનિશ ફ્લૂનો સામનો કરવા માટે વર્કિંગ ગ્રૂપ બનાવ્યું અને તેનો હવાલો કાર્લોસ ચેગાસને સોંપ્યો હતો.
રોગચાળાને કાબૂમાં લેવા માટે ઔષધીઓ સહિત દરેક પ્રકારના ઉપાયો કરવામાં આવ્યા હતા. જોકે કોઈ ઉપચાર બહુ કારગત સાબિત થતા નહોતા.
ડેમેરારા જહાજે તેની છેલ્લી મુસાફરી 1930ના દાયકાના છેલ્લાં વર્ષોમાં કરી હતી. ગુયાનામાં ઊગતી એક પ્રકારની શેરડીના નામ પરથી ડેમેરારા નામ પાડવામાં આવ્યું હતું.
ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર ડેમેરારા નામનાં બીજાં પણ જહાજો હતાં.
1872માં ડેમેરારા નામનું એક જહાજ તેની પ્રથમ મુસાફરીમાં જ ડૂબી ગયું હતું. બીજું ડેમેરારા નામનું જહાજ એકાદ મહિનાની મુસાફરી પછી ડૂબી ગયું હતું.
"ડેમેરારા નામની એક સેઇલ બોટને હું પણ જાણું છું, જેને દરેક મુસાફરીમાં કંઈક ને કંઈક મુશ્કેલી નડતી હતી અને આખરે તે પણ ડૂબી ગઈ હતી," એમ બેરેરા કહે છે.
https://www.youtube.com/watch?v=A5yjJtbT-4E
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો