વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં જળ સંરક્ષણનો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે ઉનાળો શરૂ થવા જઈ રહ્યો છે, માટે જળ સંરક્ષણનો આ યોગ્ય અવસર છે. પીએમ મોદીએ કહ્યું કે, જળ આપણા જીવન, આસ્થા અને વિકાસની ધારા છે. પાણી એક પ્રકારે પારસથી પણ વધુ મહત્વપૂર્ણ છે. પાણીના સંરક્ષણ માટે આપણે અત્યારથી જ પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ, 22 માર્ચે વિશ્વ જળ દિવસ પણ છે.
તેમણે કહ્યું કે, "માઘે નિમગ્નઃ સલિલે સુશીતે, વિમુક્તપાપાઃ ત્રિદિવમ્ પ્રયાન્તિ, અર્થાત, માઘ મહિનામાં કોઈપણ પવિત્ર જળાશયમાં સ્નાનને પવિત્ર માનવામાં આવે છે. દુનિયાના હરેક સમાજમાં નદી સાથે જોડાયેલ કોઈને કોઈ પરમ્પરા હોય છે. નદી તટ પર અનેક સભ્યતાઓ પણ વિકસિત થઈ છે. આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે, માટે તે આપણે ત્યાં વધુ મળે છે."
સંત રવિદાસનો ઉલ્લેખ કરી પીએમ મોદીએ કહ્યું કે, "યુવા કોઈપણ કામ કરવા માટે જૂની રીતોમાં ના બંધાય." તેમણે કહ્યું, આજે પણ સંત રવિદાસ જીના શબ્દ, તેમનું જ્ઞાન, આપણું પથપ્રદર્શન કરે છે. તેમણે કહ્યું કે સંત રવિદાસે કહ્યું હતું કે આપણે બધા એક જ માટીના વાસણ છીએ, આપણને બધાને એકે જ ઘડ્યા છે. પીએમ મોદીએ કહ્યું, "મારું સૌભાગ્ય છે કે હું સંત રવિદાસજીના જન્મસ્થળ વારાણસી સાથે જોડાયેલો છું. સંત રવિદાસ જીના જીવનની આધ્યાત્મિક ઉંચાઈને અને તેમની ઉર્જાને મેં એવા તીર્થ સ્થળોમાં અનુભવ કર્યો છે."