ખેડૂત આંદોલન : ભગતસિંહના કાકાએ ત્રણ કૃષિકાયદાઓ સામે આંદોલન છેડ્યું અને અંગ્રેજ સરકારને ઝૂકવું પડ્યું

By BBC News ગુજરાતી
|

પોતાના લેખ 'સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પંજાબમાં પહેલો જુવાળ'માં ભગત સિંહે લખ્યું છે કે, લોકમાન્ય પ્રત્યે ખાસ લાગણી ઘરાવતા યુવાનોમાં કેટલાક પંજાબી યુવાનો પણ હતા. આવા બે પંજાબી યુવાનો હતા કિશનસિંહ અને મારા આદરણીય કાકા સરદાર અજિત સિંહજી.

અજિત સિંહનો જન્મ 23 ફેબ્રુઆરી 1881ના રોજ જલંધર જિલ્લાના ખટકડ કાલાં ગામમાં થયો હતો. ભગતસિંહના પિતા કિશન સિંહ તેમના મોટા ભાઈ હતા. સ્વર્ણસિંહ નાના ભાઈ હતા જેમનું 23 વર્ષની ઉંમરે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જેલમાં ક્ષય રોગમાંથી મૃત્યુ થયું હતું.

ત્રણેયના પિતા અરજણ સિંહ તે દિવસોમાં સ્વતંત્રતા સંગ્રામની વાહક કૉંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા અને ત્રણેય ભાઈઓ પણ તેમની સાથે જોડાઈ ગયા.

ત્રણેય ભાઈઓએ સાંઈ દાસ ઍંગ્લો સંસ્કૃત સ્કૂલ જાલંધરથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી અને અજિત સિંહે 1903-04માં બરેલી કૉલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1903માં તેમના લગ્ન કસુરના સૂફી વિચારધારા ધરાવતા ધનપત રાયની પુત્રી હરનમ કૌર સાથે થયાં હતાં.

1906માં દાદાભાઈ નવરોજીની અધ્યક્ષતામાં કલકત્તા કૉંગ્રેસ યોજાઈ હતી, જ્યાં તેઓ બાલ ગંગાધર તિલકથી ખૂબ પ્રભાવિત થયા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ બંને ભાઈઓ કિશન સિંહ અને અજિત સિંહે 'ભારત માતા સોસાયટી' કે 'અંજુમન-મુહબ્બને વતન'ની સ્થાપના કરી અને અંગ્રેજવિરોધી પુસ્તકો છાપવાનું શરૂ કર્યું.


અંગ્રેજ સરકાર લાવી હતી કાયદો

1907માં બ્રિટિશ સરકાર ત્રણ ખેડૂત વિરોધી કાયદા લઈ આવી, જેની સામે પંજાબના ખેડૂતોમાં ભારે રોષની લાગણી ઉભી થઈ ગઈ.

અજિત સિંહે આગળ વધીને ખેડૂતોને સંગઠિત કર્યા અને સમગ્ર પંજાબમાં બેઠકો કરી, જેમાં પંજાબના વરિષ્ઠ કૉંગ્રેસ નેતા લાલા લજપત રાયને આમંત્રિત કરવામાં આવતા.

આ ત્રણેય કાયદા વિશે ભગતસિંહે પોતાના ઉપર જણાવેલ લેખમાં ઉલ્લેખ કર્યો છે - નવા કૉલોની ઍક્ટ, જે અંતર્ગત ખેડૂતોની જમીન જપ્ત થઈ શકી શકે તેવી જોગવાઈ હતી, વધેલી મહેસૂલ (માલિયા) અને બારી દોબઆબ નહેરના પાણીના દરમાં વધારો.

માર્ચ 1907માં લાયલપુરની એક મોટી સભામાં 'ઝાંગ સ્યાલ' પત્રિકાના સંપાદક લાલા બાંકે દયાલે, (જેઓ પોલીસની નોકરી છોડીને આંદોલનમાં સામેલ થયા હતા) એક માર્મિક કવિતા - 'પગડી સંભાળ જટ્ટા...' વાંચી; જેમાં ખેડૂતોના શોષણની વેદનાનું વર્ણન કરવામાં આવ્યું હતું.


ચાલીસ ભાષાના જાણકાર

એ કવિતા એટલી લોકપ્રિય થઈ કે ખેડૂતો પ્રતિકારનું નામ કવિતાના નામ પરથી 'પગડી સંભાલ જટ્ટા...' આંદોલન પડી ગયું, જેની અસર 113 વર્ષ પછી 2020-21ના ખેડૂત આંદોલનમાં પણ જોઈ શકાય છે, જ્યારે ખેડૂતોમાં ફરીથી તેમની જમીન ગુમાવવાનો ભય ઊભો થયો છે.

21 એપ્રિલ 1907ના રોજ રાવલપિંડીમાં આટલી મોટી સભામાં અજિત સિંહે જે ભાષણ આપ્યું તેને બ્રિટિશ સરકારે ખૂબ જ બળવાખોર અને દેશદ્રોહી ભાષણ ઠેરવ્યું હતું અને વર્તમાન સમયની જેમ તેમની વિરુદ્ધ 124-એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પંજાબમાં આવી 33 બેઠકો થઈ હતી, જેમાંથી 19માં અજિત સિંહ મુખ્ય વક્તા હતા.

ભારતમાં બ્રિટિશ આર્મીના કમાન્ડર લૉર્ડ કિચનરે ભય વ્યક્ત કર્યો હતો કે આ આંદોલનથી સેના અને પોલીસમાં ફરજ બજાવતા ખેડૂત પરિવારના પુત્રો બળવો કરી શકે છે અને પંજાબના લેફ્ટનન્ટ ગવર્નરે પણ પોતાના અહેવાલમાં આવી જ આશંકા વ્યક્ત કરી હતી.

બ્રિટિશ સરકારે મે, 1907માં આ કાયદા રદ કરી દીધા, પરંતુ ચળવળના નેતાઓ - લાલા લાજપત રાય અને અજિત સિંહને 1818ના રેગ્યુલેશન -3 મુજબ છ મહિના માટે બર્માના (જે તે દિવસોમાં ભારતનો ભાગ હતો) માંડલે જેલમાં મોકલી દીધા જ્યાંથી તેમને 11 નવેમ્બર 1907ના રોજ છોડવામાં આવ્યા.

માંડલેથી પરત ફર્યા બાદ અજિત સિંહે સૂફી અંબાપ્રસાદ સાથે ડિસેમ્બર 1907માં સુરત કૉંગ્રેસમાં હાજરી આપી હતી, જ્યાં લોકમાન્ય તિલકે અજિત સિંહને 'ખેડૂતના રાજા' તરીકે ઓળખાવીને એક તાજ આપ્યો હતો, જે આજે પણ બંગાના ભગતસિંહ સંગ્રહાલયની પ્રદર્શનીમાં જોઈ શકાય છે. સુરતથી પાછા ફરીને અજિત સિંહે પંજાબમાં તિલક આશ્રમની સ્થાપના કરી, જે તેમના વિચારોને ફેલાવતું હતું.


તેમના બળવાખોર વિચારોને લીધે બ્રિટિશ સરકાર અજિતસિંહ સામે કેટલીક મોટી કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને ઑગસ્ટ-સપ્ટેમ્બર 1909માં અજીત સિંહે સૂફી અંબા પ્રસાદ સાથે કરાચીથી જહાજમાં બેસીને ઈરાન પહોંચી ગયા. અહીં તેમણે મિર્ઝા હસન ખાન નામ ધારણ કર્યું. આ નામથી તેનો બ્રાઝિલિયન પાસપૉર્ટ પણ બનાવવામાં આવ્યો.

1914 સુધીમાં ઈરાન, તુર્કી, પેરિસ, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડમાં રહીને, જ્યાં તેઓ કમાલ પાશા, લેનિન, ટ્રોત્સ્કી જેવા વિદેશી ક્રાંતિકારીઓ અને લાલા હરદયાલ, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય અને ચંપક રમણ પિલાઈ જેવા ભારતીય ક્રાંતિકારીઓને મળ્યા. તેઓ ત્યાં મુસોલિનીને પણ મળ્યા હતા.

1914માં તેઓ બ્રાઝિલ ગયા અને ત્યાં 18 વર્ષ રહ્યા. ત્યાં પણ તેઓ ગદર પાર્ટીના સંપર્કમાં રહ્યા. તેઓ ગદર પાર્ટીના ક્રાંતિકારીઓ રત્ન સિંહ અને બાબા ભગતસિંહ બિલ્ગાના સંપર્કમાં હતા.

સ્વાસ્થ્યનાં કારણોસર તેઓ થોડા સમય માટે આર્જેન્ટિનામાં પણ રહ્યા. તેઓ વિદેશીઓને જીવનનિર્વાહ માટે ભારતીય ભાષાઓ શીખવતા હતા અને ભાષા અધ્યાપકના પદ પર પણ રહ્યા હતા. તેઓ ચાલીસ ભાષાઓના જાણકાર બની ગયા હતા.

1912માં તેમણે પરિવારને પહેલો પત્ર પોતાના સસરા ધનપત રાયને લખ્યો. ભગતસિંહ તેમના કાકાના સમાચાર માટે પોતાના મિત્રોને પત્રો લખતા હતા. તેના જવાબમાં પ્રખ્યાત લેખક અને ભારતીય ક્રાંતિકારીઓના હમદર્દ એગ્નેસ સ્માડલેએ માર્ચ 1928માં બી. એસ. સંધુ લાહોરના નામે લખેલા પત્રમાં બ્રાઝિલમાં અજિતસિંહનું સરનામું મોકલ્યું હતું.

અજિત સિંહ ભત્રીજા ભગતસિંહને બોલાવવા માગતા હતા અને ભગતસિંહને ચિંતા હતી કે તેમના કાકાનું મૃત્યુ પરદેશમાં ન થઈ જાય.

1932થી 1938 દરમિયાન અજિતસિંહ યુરોપના ઘણા દેશોમાં રહ્યા, પરંતુ મોટે ભાગે સ્વિટ્ઝર્લૅન્ડમાં ગાળ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ ઇટાલી સ્થળાંતરિત થયા. ઇટાલીમાં તેઓ નેતાજી સુભાષ બોઝને મળ્યા અને ત્યાં 11000 સૈનિકોનું સ્વતંત્ર ભારતીય લશ્કર બનાવ્યું.

મુસોલિનીના નજીકના સાંસદ ગ્રે, જેઓ ફ્રેન્ડ્સ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ હતા, અજિતસિંહ તેમના સંગઠન મહામંત્રી હતા અને ઇકબાલ શાયદાઈ તેના ઉપપ્રમુખ હતા.


વિશ્વયુદ્ધના અંતે, તેમની તબિયત નબળી હોવા છતાં તેમને જર્મન જેલમાં કેદ કરવામાં આવ્યા હતા અને તેમને મુક્ત કરાવવા વચગાળાના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને દખલ કરવી પડી હતી. છૂટ્યા પછી બે મહિના લંડનમાં રહીને તેમણે રિકવરી પર ધ્યાન આપ્યું અને 7 માર્ચ, 1947ના રોજ તેઓ 38 વર્ષ પછી ભારત પાછા ફર્યા.

દિલ્હીમાં તેઓ વડા પ્રધાન નહેરુના અંગત મહેમાન હતા અને 9 એપ્રિલે તેઓ લાહોર પહોંચ્યા ત્યારે તેમનું મોટું સ્વાગત કરવામાં આવ્યું હતું.


તબિયત નબળી હોવાને કારણે, તેઓ ગામમાં જઈ શક્યા નહીં અને સ્વાસ્થ્યલાભ માટે જુલાઈ 1947માં ડેલહાઉસી જવું પડ્યું.

તે જ સમયે 14-15 ઑગસ્ટ 1947ના મધ્યમાં ભારતમાં બ્રિટિશ શાસનના અંત પછી, વડા પ્રધાન નહેરુનું ભાષણ સાંભળીને સવારે લગભગ 3.30 વાગ્યે 'જય હિન્દ' કહીને કાયમ માટે પોતાની આંખો મીંચી લીધી.

તેમનું સ્મારક ડેલહાઉસીમાં જ પાંજપુલા ખાતે બનાવવામાં આવ્યું છે, જ્યાં હજારો લોકો હવે તેમને શ્રદ્ધાંજલિ આપે છે. દેશભક્તિની આ અગ્નિની જ્યોત આઝાદીની તાજી હવાથી બુઝાઈ.

(ચમન લાલ ભારતીય ભાષા કેન્દ્ર, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હીના નિવૃત્ત પ્રાધ્યાપક તથા ભગતસિંહ આર્કાઇવ્સ અને રિસૉર્સ સેન્ટરના માનદ્ સલાહકાર છે.)


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો