Click here to see the BBC interactive
કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓના પ્રચાર પાછળ 7.95 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ પ્રમાણે છેલ્લા પાંચ માસ દરમિયાન કેન્દ્ર સરકારે કૃષિ કાયદાના પ્રચાર પાછળ આ ખર્ચ કર્યો છે.
કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે સંસદમાં આ માહિતી આપી હતી. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે 7.95 કરોડ રૂપિયામાંથી સૂચના અને પ્રસારણ મંત્રાલયે 7.25 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
તેમણે સપ્ટેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધીમાં ઍગ્રિ ઍન્ડ ફાર્મર્સ વૅલ્ફેર પર આ નાણાં ખર્ચ્યાં છે.
તોમરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે પ્રિન્ટ મીડિયામાં પણ જાહેરાતના રૂપમાં ખર્ચ કરવામાં આવ્યો છે.
નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે 67.99 લાખ રૂપિયાનો ખર્ચ ત્રણ પ્રમોશનલ અને બે ઍજ્યુકેશનલ ફિલ્મ પર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત 1.50 લાખ રૂપિયા પ્રિન્ટ ઍડના ક્રિએટિવ પર ખર્ચવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે કૃષિ કાયદા પર ત્રણ કાયદાને લઈને છેલ્લા અઢી માસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. હજુ પણ ખેડૂતો આંદોલનને આગળ વધારી રહ્યા છે.
વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું 23મી ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન
અમદાવાદ ખાતે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24મી ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય મૅચ રમાશે.
આ પૂર્વે 23મી ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સમારોહમાં હાજર રહે તેવી સંભાવના છે.
મોટેરા સ્ટેડિયમમાં એક લાખ લોકોના બેસવાની ક્ષમતા છે પરંતુ કોરોના સંબંધી ગાઇડલાઇન્સને ધ્યાને રાખીને માત્ર 50 હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસીને મૅચનો રોમાંચ માણી શકશે.
ટીમ ઇન્ડિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 2 ટેસ્ટ મૅચ, પાંચ ટી20 મૅચ રમાશે. ટી20 સિરીઝની પ્રથમ મૅચ 12 માર્ચે રમાશે.
ગુજરાતમાં સતત ચાર દિવસથી 250થી વધુ કેસ
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ ફરી એખ વખત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 279 કેસ નોંધાયા, જોકે છેલ્લા ચાર દિવસથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.
રાજ્યના આરોગ્યવિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 264851 થઈ છે અને અત્યાર સુધી કુલ 4540 મૃત્યુ થયાં છે.
છેલ્લા 24 કલાકમાં 283 દર્દીઓ સાજા થતાં કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 258843 થઈ છે. ગુજરાતમાં હાલ 1470 કેસ ઍક્ટિવ છે.
કહેવાઈ રહ્યું છે કે ચૂંટણીઓના પ્રચારને પગલે કોરોનાની ગાઇડલાઇનના કથિત ભંગ અને બેદરકારીને કારણે રાજ્યમાં ફરી કેસો વધવાનું શરૂ થયું છે.
ખેડૂત આંદોલન : કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતના વખાણ કર્યાં
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હવે ખેડૂત આંદોલનને સારી રીતે હૅન્ડલ કરવા બદલ ભારત સરકારનાં વખાણ કર્યાં છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદનમાં એવુ જણાવાયું છે કે કૅનેડાના પીએમ ટ્રુડોએ આંદોલનને હૅન્ડલ કરવા બદલ અને ખેડૂતો સાથે મંત્રણાનો રસ્તો અપનાવવા બદલ મોદી સરકારનાં વખાણ કર્યાં છે.
આ પહેલાં ખેડૂત આંદોલનને લઈને જસ્ટિન ટ્રુડોની દખલગીરી પર ભારતે કડક વલણ અપનાવતાં નારજગી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું હતું કે આંતરિક બાબતોમાં દખલગીરી નહીં સ્વીકારે.
ગુજરાતમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે
ધોરણ 9થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.
શિક્ષણવિભાગે જાહેરાત કરી છે કે, 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે.
આ દરમિયાન શાળાઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. જોકે, ઑનલાઈન શિક્ષણની વ્યવસ્થા યથાવત્ રહેશે, તેવું પણ શિક્ષણવિભાગે કહ્યું હતું.
https://www.youtube.com/watch?v=4CKkg8Hzobs&t=5s
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો