રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને જવાબ આપતાં કહ્યું, 'કૃષિ કાયદાનો સંગ્રહખોરીને લાઇસન્સ આપવાનો હેતુ' - BBC Top News

By BBC News ગુજરાતી
|

Click here to see the BBC interactive

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સંસદમાં મોદી સરકાર દ્વારા લવાયેલા કૃષિકાયદાઓ પર આકરી ટિપ્પણી કરી હતી.

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'સારું થયું હોત જો કૉંગ્રેસ પાર્ટીએ નવા કૃષિકાયદાઓના રંગના બદલે ઇન્ટેન્ટ અને કન્ટેન્ટ પર ચર્ચા કરી હોત.'

નરેન્દ્ર મોદીની આ ટિપ્પણીનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે "ગઈકાલે સદનમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે અમારે કાયદાના કન્ટેન્ટ અને ઇન્ટેન્ટ પર વાત કરવી જોઈતી હતી. એટલે આજે હું તેમને ખુશ કરવા ઇન્ટેન્ટ અને કન્ટેન્ટ પર વાત કરીશ."

તેમણે કહ્યું, "પ્રથમ કાયદાનું કન્ટેન્ટ છે કે કોઈ પણ વ્યક્તિ દેશમાં ક્યાંય પણ, ગમે તેટલાં પ્રમાણમાં અનાજ, ફળ અને શાકભાજી ખરીદી શકે છે. જો અમલિમિટેડ ખરીદીની પરવાનગી હશે તો બજારમાં કોણ આવશે? તો પ્રથમ કાયદાનું કન્ટેન્ટ અને એનું લક્ષ્ય બજાર ખતમ કરવાનું છે."

"બીજા કાયદાનું કન્ટેન્ટ ભારતમાં સંગ્રહખોરીને લાઇસન્સ આપવાનું છે. મોટા ઉદ્યોગપતિઓ જેટલાં પણ અનાજ, ફલ, શાકભાજી જમા કરવા ઇચ્છે, તે કરી શકે."

"ત્રીજા કાયદાનું કન્ટેન્ટ છે કે જ્યારે ખેડૂત તેમનાં અનાજ, શાકાભાજી અને ફળો માટે યોગ્ય કિંમત માગે તો તેમને અદાલતમાં જવા ન દેવાય."


જય શ્રીરામ બંગાળમાં નહીં તો શું પાકિસ્તાનમાં બોલીશું - અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં એક રેલીને સંબોધતાં કહ્યું કે મમતા બેનરજીએ બંગાળની અંદર એવું કરી દીધું છે કે જાણે જય શ્રીરામ બોલવું ગુનો થઈ ગયો હોય.

અમિત શાહે જનમેદનીને સંબોધતાં કહ્યું, "મમતા દીદી બંગાળમાં જય શ્રીરામ નહીં બોલાય તો શું પાકિસ્તાનમાં બોલાશે?"

"મને જણાવો ભાઈઓ-બહેનો, જય શ્રીરામ બોલવું જોઈએ કે ન બોલવું જોઈએ... મમતા દીદીને આ અપમાન લાગે છે પણ અમે લોકો આ બોલતાં ગૌરવ અનુભવીએ છીએ."


પેંગોંગ લેકના ઉત્તર અને પશ્ચિમી કિનારેથી બંને પક્ષ સૈન્યને હઠાવવા તૈયાર : રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં કહ્યું છે કે પેંગોગ લેક વિસ્તારમાં બંને પક્ષ સૈન્ય હઠાવવા માટે તૈયાર થઈ ગયા છે. આ પહેલાં ચીને બુધવારે તેની જાહેરાત કરી હતી.

રાજનાથ સિંહે કહ્યું, "મને સંસદને એ કહેતા ખુશી થઈ રહી છે કે અમારા દૃઢ ઇરાદા અને મજબૂત વાતચીતના ફળસ્વરૂપે ચીનની સાથે પેંગોંગ લેકના ઉત્તર અને પશ્ચિમ કિનારે સૈન્યને પાછળ હઠાવવાને લઈને કરાર થઈ ગયો છે."

રાજનાથ સિંહે કહ્યું, "પેંગોંગ લેક વિસ્તારમાં ચીનની સાથે સૈનિકોને પાછળ હઠાવવા માટે જે કરાર થયો છે તેના મુજબ બંને પક્ષ આગળની તહેનાતીને તબક્કાવાર રીતે, સમન્વયથી અને પ્રામાણિક રીતે હઠાવશે."

રાજનાથ સિંહે કહ્યું, "હું સંસદને આશ્વસ્ત કરાવવા માગું છું કે આ વાચતીમાં આપણે કાંઈ ગુમાવ્યું નથી. સંસદને આ જાણકારી આપવા માગુ છું કે હાલ એલએસી પર તહેનાત અને પેટ્રોલિંગ વિશે કેટલાંક વિવાદ બચ્યા છે."

"આગળની વાતચીતમાં તેના પર અમારું ધ્યાન રહેશે. બંને પક્ષ એ વાત પણ સહમત છે કે દ્વિપક્ષીય કરાર અને નિયમો હેઠળ સૈનિકોને પરત બોલાવવાની પ્રક્રિયાને જલ્દીથી જલ્દી નિપટાવી દેવામાં આવે. ચીન પણ દેશની સંપ્રભુતાની રક્ષા માટે અમારા સંકલ્પને જાણે છે. અપેક્ષા છે કે ચીન દ્વારા આપણી સાથે મળીને આ મુદ્દાઓના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવશે."

રાજનાથ સિંહ કહ્યું, "હું સંસદને આગ્રહ કરું છું કે મારી સાથે સંપૂર્ણ સંસદ અમારા સૈન્યની આ વિષમ અને ભીષણ હિમવર્ષાની પરિસ્થિતિઓમાં પણ શૌર્ય અને વીરતાના પ્રદર્શનની પ્રશંસા કરે.

રાજનાથ સિંહે કહ્યું કે ચીન પોતાના સૈન્યની ટુકડીઓને ઉત્તરના ભાગે ફિંગર આઠની પૂર્વ દિશાની તરફ રાખશે અને આજ પ્રકારે ભારત સૈન્યની ટુકડીઓને ફિંગર ત્રણની પાસે પોતાની સ્થાયી ચોકી ધનસિંહ થાપા પોસ્ટ સુધી રાખશે. દક્ષિણના કિનારે બંને પક્ષ આ કાર્યવાહી કરશે. બંને પક્ષે જે પણ બાંધકામ કર્યું છે તેને એપ્રિલ 2020થી ઉત્તર અને દક્ષિણ કિનારે કરવામાં આવશે તેમને હઠાવી દેવામાં આવશે અને જૂની સ્થિતિ બનાવી દેવાશે.


આસામના સીએએ વિરોધ પ્રદર્શનમાં સામેલ અખિલ ગોગોઈના જામીન સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યા

આસામમાં સીએએ વિરોધી આંદોલનમાં યુએપીએના કાયદા હેઠળ પકડાયેલા ખેડૂતોના અધિકાર કાર્યકર્તા અખિલ ગોગોઈની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

જસ્ટિસ એનવી રમાનાએ જામીન અરજી રદ્દ કરતા કહ્યું છે, "આક્ષેપોને ધ્યાનમાં રાખીને હમણાં સુધી જામીન પર વિચારણા કરી શકાશે નહીં. પછી તમે અરજી દાખલ કરી શકો છો. સુનાવણી આગળ વધવા દો. અદાલતોએ હવે કામગીરી શરૂ કરી દીધી છે."

આસામમાં સીએએ વિરોધી પ્રદર્શનમાં તેમની ભૂમિકા માટે એનઆઈએ કેસ દાખલ કર્યો હતો તેમાં ગોગોઈ ડિસેમ્બર 2019થી જેલમાં છે.

આસામની હાઇકોર્ટે ગોગોઈની જામીન અરજી રદ્દ કરતા તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

હાઇકોર્ટે આઈપીસી અને યુએપીએની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા કેસને ધ્યાનમાં રાખીને ગોગોઈની જામીન અરજી નામંજૂર કરી હતી.

તેમની પર નોંધાયેલા ગુનાઓ ષડયંત્ર રચવા અને આતંકવાદી સંગઠનને ટેકા આપવા સંબંધિત છે.

સુનાવણી દરમિયાન, ગોગોઈ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સીએએના વિરોધમાં મોટા પાયે આંદોલન કરવામાં આવ્યું હતું. "તેને આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી. કેટલાક એવા કિસ્સાઓ છે કે જ્યાં કેટલાક સ્થળોએ હિંસા થઈ હતી પરંતુ એવા કોઈ પુરાવા નથી કે તેના માટે ગોગોઈ જ જવાબદાર છે. તે પ્રથમ પક્ષના આધારે આતંકવાદના કૃત્ય જેટલું નથી."

ચાર્જશીટ મુજબ, ગોગોઈએ સીએએ વિરોધી આંદોલન દરમિયાન હિંસક દેખાવો કર્યા હતા, જેનો હેતુ ભારતના તમામ વર્ગના લોકોમાં આતંક મચાવવાનો હતો અને તેમણે ભડકાઉ ભાષણો આપ્યા હતા. તેમની પર આક્ષેપ છે કે તેમણે લોકોના જુદા જુદા વર્ગો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપ્યું, કાયદા દ્વારા સ્થપાયેલી સરકાર પ્રત્યે વ્યાપક અણગમો અને નારાજગી પેદા કરી, અસમ રાજ્યમાં વ્યાપક નાકાબંધીનું ષડયંત્ર રચ્યું અને લોકોને મિલકતને નુકસાન પહોંચાડવા અને સરકારી ફરજ પર હાજર અધિકારીઓને ગંભીર ઈજા પહોંચાડવા ઉશ્કેર્યા.


ખેડૂત આંદોલન : ખેડૂતો 18 ફેબ્રુઆરીએ દેશભરમાં 'રેલ રોકો' આંદોલન કરશે

ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ રેલવે રોકવાનો કૉલ આપ્યો છે.

ઇન્ડિયના ટૂડેના અહેવાલ મુજબ સંયુક્ત કિસાન મોરચાએ બુધવારે જાહેરાત કરી હતી કે પ્રદર્શનકારીઓએ 18 ફેબ્રુઆરીએ બપોરના 12 થી 4 વાગ્યા સુધી રેલ રોકોનો કૉલ આપ્યો છે.

સંયુક્ત મોરચાએ પોતાની પ્રેસ નોટમાં લખ્યું છે કે 14મી ફેબ્રુઆરીએ પુલવામા અટેકમાં મૃત્યુ પામેલા સૈનિકોના બલિદાનને સમ્માન આપવા કૅન્ડલ માર્ચ અને મશાલ જુલૂસ કાઢવામાં આવશે.

આ ઉપરાંત પ્રદર્શન કરી રહેલાં ખેડૂતોએ એમ પણ નક્કી કર્યું છે કે તેઓ જાટ નેતા સર છોટુ રામના જન્મદિન 16 ફેબ્રુઆરીએ પણ કાર્યક્રમનું આયોજન કરશે.


18 વર્ષથી ઓછી ઉંમરની મુસ્લિમ છોકરી લગ્ન કરી શકે છે : હાઇકોર્ટ

ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે, મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર મુસ્લિમ યુવતી કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે પરંતુ તે પિરિયડ્સની અવસ્થામાં પ્રવેશી ચૂકી હોય, તો તે પોતાની મરજીની વ્યક્તિ સાથે લગ્ન કરવા સ્વતંત્ર છે.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અલકા સરીનની ખંડપીઠે વિવિધ કોર્ટના ચુકાદાઓ અને મુસ્લિમ પર્સનલ લૉ પર સર દિનશાહ ફરદુનજી મુલ્લાએ બનાવેલા કાયદાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઑફ મોહમ્મદન લૉને ધ્યાનમાં રાખીને ચુકાદો આપ્યો છે.

કોર્ટે આ પુસ્તકના 195માં આર્ટિકલને ટાંકીને કહ્યું કે જ્યારે મુસ્લિમ છોકરીની ઉંમરના પુરાવા ન હોય ત્યારે 15 વર્ષ પૂર્ણ થાય પછી પુખ્ત અવસ્થા પ્રાપ્ત થઈ હોય તેમ માનવામાં આવે છે.

બેંચે વધુમાં જણાવ્યું કે, "પાગલ અને સગીર વયના બાળકોને તેમના સંબંધિત વાલીઓ દ્વારા લગ્નમાં યોગ્ય રીતે કરાર કરવામાં આવશે."

એક મુસ્લિમ યુગલે જાન્યુઆરી 25ના રોજ પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં તેમના જીવને રક્ષણ આપવાની અને તેમના પરિવારથી આઝાદીની માગ કરી હતી.

વાત એમ હતી કે છોકરીએ 17 વર્ષની ઉંમરે લગ્ન કરી લેતા પરિવાર નારાજ થયો હતો. ઉપરાંત છોકરાની ઉંમર 36 વર્ષ અને છોકરીની ઉંમર 17 વર્ષ હતી. પરિવારને બંનેની ઉંમરમાં તફાવતને લઈને પણ વાંધો હતો.

કોર્ટે મુસ્લિમ કાયદા પ્રમાણે આ બંનેના લગ્નને ગ્રાહ્ય રાખ્યા હતા અને મોહાલીના એસએસપીને યોગ્ય પગલાં લેવા કહ્યું હતું.


સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના મુખ્ય સાક્ષી સામે પાંચમો કેસ દાખલ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર સોહરાબુદ્દીન શેખના કથિત એન્કાઉન્ટર કેસના મુખ્ય સાક્ષી રમણ પટેલ સામે પાંચમો કેસ નોંધાયો છે.

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સામે કેસ નોંધવામાં આવ્યો છે. એક વર્ષના સમયગાળામાં તેમની સામે પાંચ કેસ નોંધાયા છે.

પોલીસના કહેવા પ્રમાણે પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ અને તેમના દિકરાઓ સામે નવી ફરિયાદ નોંધવામાં આવ્યો છે.

થલતેજના સંદીપ પ્રજાપતિએ ફરિયાદ કરી હતી કે આરોપીએ 2017થી તેમનો પગાર આપ્યો નથી અને તેમની પાસેથી સંદીપને 12.3 લાખ રૂપિયા લેવાના નીકળે છે.

પ્રજાપતિએ દાવો કર્યો હતો કે પોપ્યુલર બિલ્ડર દ્વારા ચલાવવામાં આવતા એસબીઆર સોશિયલ ફૂડ કોર્ટમાં તેમને કામે રાખવામાં આવ્યા હતા.

રમણ પટેલ અને તેમના બે દીકરાઓ પર આઇપીસીની કલમ 406, છેતરપિંડીની કલમ 420 અને 506(2) મુજબ કેસ નોંધવામાં આવ્યો છે.


ફાસ્ટેગ વૉલેટમાં મિનિમમ રકમ રાખવાના નિર્ણયને નેશનલ હાઇવે ઑથોરિટીએ રદ્દ કર્યો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર નેશનલ હાઇવે ઑથોરિટીએ ફાસ્ટેગ વૉલેટમાં મિનિમમ રકમ રાખવાની જોગવાઈને હઠાવવાની જાહેરાત કરી છે.

આ નિર્ણય લેવાનો હેતુ ઇલેક્ટ્રિક ટોલ પ્લાઝા બની રહે તેને સુનિશ્ચિત કરવાનો છે.

નેશનલ હાઇવે ઑથોરિટીએ પોતાના નિવેદનમાં કહ્યું, "ફાસ્ટૅગ એકાઉન્ટ અથવા વૉલેટમાં ફરજિયાત રકમ રાખવાની વાત કરવામાં આવી છે જેને પેસેન્જર સેગમેન્ટમાં વપરાશકર્તા સિક્યુરિટી ડિપૉઝિટ માટે યુઝ કરે છે તેને બંધ કરવામાં આવી છે."

વધુમાં કહ્યું કે "ફાસ્ટેગનો વપરાશ વધે, ટ્રાફિક ઝડપથી પાસ થઈ શકે અને ટોલ પ્લાઝા પર લાગતી વાર ઘટે તે માટે આ નિર્ણય લેવાય છે."


ચીને કહ્યું, પેંગોગ ત્સો સરોવર પરથી ભારત અને ચીનના સૈનિકોએ પરત ફરવાનું શરૂ કર્યું

બીબીસી હિન્દીના અહેવાલ અનુસાર ચીનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને ચીનની વચ્ચે થયેલી નવમા તબક્કાની સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીતમાં બનેલી સહમતિ પ્રમાણે, બુધવારે પેંગોગ ત્સો સરોવરના દક્ષિણ અને ઉત્તર કિનારે ચીન અને ભારતીય સૈનિકોએ ડિસઍન્ગેજમેન્ટ પ્રોસેસની શરૂઆત કરી છે.

એક પ્રેસ કૉન્ફરન્સમાં એક સવાલના જવાબમાં સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "બંને દેશોની વચ્ચે મૉસ્કોમાં વિદેશી મંત્રીઓ અને બંને દેશની વચ્ચે નવમા તબક્કાની સૈન્ય સ્તરની વાર્તામાં બનેલી સહમતિ અનુસાર સરહદ પર તહેનાત ચીન અને અમેરિકાના ભારતીય સૈનિકોએ 10 ફેબ્રુઆરીએ પ્લાન પ્રમાણે ડિસઍન્ગેજમેન્ટ શરૂ કર્યું. અમને આશા છે કે ભારત બંને દેશોની વચ્ચે થયેલી સહમતિ પ્રમાણે આ પ્રક્રિયાને યોગ્ય રીતે લાગૂ કરશે.

આ મુદ્દે ભારત તરફથી કાંઈપણ નિવેદન આવ્યું નથી.



https://www.youtube.com/watch?v=RcmR3n2H0ko

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો