ભાવનગરની સ્થાનિક કોર્ટે પૂર્વ ધારાસભ્ય અને કૉંગ્રેસના નેતા કનુભાઈ કળસરિયા સહિત છ અન્યોને છ મહિનાની સાદી કેદ તથા રૂ. 500-500નો દંડ ફટકાર્યો છે.
નવેમ્બર-2018માં ભાવનગરના તળાજા વિસ્તારમાં ખાનગી સિમેન્ટ કંપની દ્વારા જમીન અધિગ્રહણ વિરુદ્ધના દેખાવો દરમિયાન કંપનીની સંપત્તિને રૂ. પાંચ લાખનું નુકસાન પહોંચાડવાના કેસમાં ગુનો સાબિત થતા આ સજા થઈ છે.
ઔદ્યોગિક હેતુ માટે કૃષિ જમીનના અધિગ્રહણ વિરુદ્ધ કળસરિયા અવાજ ઉઠાવતાં રહે છે. આ પહેલાં તેમના પ્રયાસોને કારણે મોદીનું સમર્થન હોવા છતાં ભાવનગરના મહુવામાં નિરમાનો સિમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ શક્યો ન હતો.
Click here to see the BBC interactive
એક સમયે ભાજપના ધારાસભ્ય કનુભાઈ હાલ કૉંગ્રેસમાં છે અને ભાવનગર જિલ્લાની મહુવા તથા આજુબાજુની બેઠક પ્રભુત્વ ધરાવે છે.
ફેબ્રુઆરી-2010માં કનુભાઈ કળસરિયા 11 હજાર કરતાં વધુ ખેડૂતોના લોહીથી સહી કરાયેલું આવેદનપત્ર લઈને સિમેન્ટપ્લાન્ટ વિરુદ્ધ ગાંધીનગર પહોંચ્યા હતા
કનુભાઈ કળસરિયા 1998માં ભાવનગરની મહુવા (તત્કાલીન બેઠક નંબર 54) ઉપરથી ચૂંટાયા અને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાના પગથિયા ચડ્યા.
તેઓ કૉંગ્રેસના દિગ્ગજ નેતા તથા પૂર્વ મુખ્ય મંત્રી છબીલદાસ મહેતાને બમણાં કરતાં વધુ મતોથી પરાજય આપીને જાયન્ટ કિલર તરીકે પ્રસ્થાપિત થયા. એ ચૂંટણીમાં છબીલદાસ મહેતાને 19 હજાર 108 (28.53 ટકા), જ્યારે ડૉ. કનુભાઈને 37 હજાર 686 (56.27 ટકા) મત મળ્યા.
ગોધરાકાંડ અને તે પછીના હુલ્લડોના ઓછાયાની વચ્ચે 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની સહમતીથી કનુભાઈને ફરી એક વખત મહુવાની ટિકિટ મળી. આ ચૂંટણીમાં ડૉ. કનુભાઈને 38 હજાર 900 (51.63 ટકા) મત મળ્યા. એ વખતે કૉંગ્રેસના ઉમેદવાર જેઠવા બાબુભાઈને 28 હજાર (37.17 %) ટકા મત મળ્યા હતા.
2007માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી એક વખત ચૂંટણીજંગમાં ઉતર્યો. કૉંગ્રેસ તથા શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી મળીને ચૂંટણી લડ્યા. સમજૂતીના ભાગરુપે મહુવાની બેઠક એન.સી.પીને ફાળે ગઈ.
https://www.youtube.com/watch?v=f-JKnW2v7QQ
ડૉ. કળસરિયાને 48 હજાર 500 કરતાં વધુ મત મળ્યા, જ્યારે એન.સી.પી.ના ઉમેદવારને લગભગ 22 હજાર 300 મત મળ્યા. આમ ડૉ. કળસરિયાએ નજીકના ઉમેદવારને ડબલ કરતાં વધુ મતની લીડથી પરાજય આપ્યો.
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાના કહેવા પ્રમાણે, "ડૉ. કનુભાઈ કળસરિયા મૂળતઃ વ્યવસાયે ડૉક્ટર છે. તેમણે પોતાના મતવિસ્તારમાં ટ્રસ્ટ મારફત તબીબીસેવાના અનેક કામો કર્યાં છે. તેમની સેવાભાવનાને કારણે આજુબાજુના લોકોમાં આગવી છાપ ઊભી કરી છે."
"તેઓ ભાવનગર જિલ્લામાં પર્યાવરણ કે કૃષિજમીનને નુકસાન કરતાં પ્રૉજેટક્સની સામે અવાજ ઉઠાવે છે, જેના કારણે તેમને ખેડૂતોનું પણ સમર્થન મળી રહે છે, જેથી તેઓ મહુવા જ નહીં, પરંતુ આજુબાજુની ચાર-પાંચ બેઠક ઉપર અસર ઊભી કરી શકે છે."
2007ની વિધાનસભા ચૂંટણી પછી ભાવનગર જિલ્લામાં એક સિમેન્ટ પ્લાન્ટ મુદ્દે ડૉ. કનુભાઈ કળસરિયા તથા તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની વચ્ચે મતભેદ ઊભા થયા અને બંનેના રાજકીય રસ્તા ફંટાઈ ગયા.
એ ઘટનાક્રમ અંગે વરિષ્ઠ પત્રકાર કિંગશૂક નાગ પોતાના પુસ્તક 'ધ નમો સ્ટૉરી: અ પૉલિટિકલ લાઇફ'માં લખે છે: "કરસન પટેલનું નિરમા જૂથ ગુજરાતમાં ભાવનગરના દરિયાકિનારે સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માગતું હતું. નિરમાને નવ ગામની 4415 ઍકર જમીન જોઈતી હતી."
"જો કંપનીને લીઝ મળી ગઈ હોત તો સાત ગામના લોકોને હિજરત કરવી પડી હોત અને તેમની જમીન ડૂબમાં ગઈ હોત. ત્રણ વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા ડૉ. કનુભાઈ કળસરિયાએ નરેન્દ્ર મોદીને રજૂઆતો અને અપીલ કરી, પરંતુ કંઈ થયું નહીં."
અંતે ડૉ. કળસરિયાએ 'સદ્દભાવના મંચ'ના નેજાં હેઠળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા. સુપ્રીમ કોર્ટે પર્યાવરણને થનારી અસરનું મૂલ્યાંકન કરવા માટે નવેસરથી કમિટી બનાવવાના આદેશ આપ્યા. કેન્દ્રમાં તત્કાલીન યુપીએ સરકારે સર્વોચ્ચ અદાલતમાં પ્લાન્ટની વિરુદ્ધ અભિપ્રાય આપ્યો.
અંતે એ પ્રૉજેક્ટને અભેરાઈએ ચડાવી દેવાયો. બે ઈંટને જોડવાનું કામ કરતી સિમેન્ટના પ્લાન્ટે મોદી અને ડૉ. કળસરિયા વચ્ચે તિરાડ ઊભી કરી દીધી.
જોકે, પાર્ટીલાઇનની વિરુદ્ધ જઈને કામગીરી કરી હોવા છતાં અને ડૉ. કળસરિયાએ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ જાહેરમાં નિવેદન કર્યાં હોવા છતાં પાર્ટી કે મોદીએ બળવાખોર ધારાસભ્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી.
અંતે 2012માં કનુભાઈએ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો અને 'સદ્દભાવના મંચ'ના નેજા હેઠળ ચૂંટણી લડી, જેણે ભાજપ માટેનો માર્ગ મુશ્કેલ કરવાને બદલે સરળ કરી આપ્યો.
મહેતા માને છે, 'લોકસમર્થન ઉપરાંત અણિશુદ્ધ વ્યક્તિત્વ એ ડૉ. કળસરિયાનું જમા પાસું છે.' છતાં તે રાજકીયદૃષ્ટિએ પૂરતું નથી નિવડ્યું.
2008ના પુનઃસીમાંકન બાદ 2012માં યોજાઈ રહેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં ડૉ. કળસરિયાએ 'સદ્દભાવના મંચ'ના નેજા હેઠળ ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠક ઉપરથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું અને આજુબાજુની બેઠક ઉપર છ ઉમેદવાર ઊભા રાખ્યા.
ખુદ કનુભાઈનો ગારિયાધાર બેઠક ઉપરથી પરાજય થયો, તેઓ કૉંગ્રેસના ઉમેદવાર બાદ ત્રીજા ક્રમે રહ્યા. તેમની પરંપરાગત મહુવા બેઠક (નવો ક્રમ 99) ઉપરથી પણ 'સદ્દભાવના મંચ'નો ઉમેદવાર હારી ગયો અને બીજા ક્રમે રહ્યો.
20014માં તેઓ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સાથે જોડાયા. જોકે, 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આપ સાથે છેડો ફાડ્યો અને ડૉ. કળસરિયાએ ફરી અપક્ષ ઉમેદવાર તરીકે મહુવાની બેઠક ઉપરથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું.
મહેતા ઉમેરે છે, "પહેલાં 'સદ્દભાવના મંચ' બાદમાં આમ આદમી પાર્ટી અને હવે કૉંગ્રેસ પાર્ટી. એમ એક પછી એક રાજકીય પરિવર્તન એ તેમની રાજકીય ભૂલ જણાય છે. છતાં આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ મહુવા અને આજુબાજુની બેઠક ઉપર ચોક્કસથી અસર ઊભી કરી શકે છે."
https://twitter.com/satavrajeev/status/1017066158565011457
કાયદાકીય દૃષ્ટિએ જોતાં તાજેતરની સજામાં કૉંગ્રેસના નેતા ડૉ. કનુભાઈ કળસરિયાને જામીન મળી ગયા છે અને તેઓ આ સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. વળી, આ કેસમાં તેમને માત્ર છ માસની સજા થઈ હોય તેઓ ચૂંટણી લડી શકે છે અને તેમાં કોઈ અવરોધ ઊભો નહીં થાય.
2017ની વિધાનસભા ચૂંટણી મહુવાની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર રાઘવ મકવાણાને (44 હજાર 157 મત) મળ્યા હતા. જ્યારે 39 હજાર 401 મત સાથે ડૉ. કળસરિયા બીજાક્રમે રહ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવારને 30 હજાર 576 મત મળ્યા હતા.
આ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે અત્યારસુધીનું સૌથી નબળું પ્રદર્શન કર્યું હતું અને પાર્ટીને કુલ માત્ર 99 બેઠક મળી હતી.
જુલાઈ-2018માં ડૉ. કળસરિયા કૉંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મહુવા તથા આજુબાજુની બેઠક ઉપર ભાજપવિરોધી મતો ડૉ. કળસરિયા તથા કૉંગ્રેસની વચ્ચે વહેંચાઈ ગયા હતા, પરંતુ આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન અલગ ચિત્ર ઊભું થઈ શકે છે.
જો નક્કર આંકડાકીય વિશ્લેષણ કરવામાં આવે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મહુવાની બેઠક ગુમાવી શકે છે અને આજુબાજુની બેઠક ઉપર પણ ડૉ. કળસરિયા ફૅક્ટરને કારણે ભાજપને નુકસાન થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ વિધાનસભાની મહુવા (ક્રમાંક 137) બેઠક છે, જે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
2013માં ઔદ્યોગિક હેતુસર જમીન અધિગ્રહણ વિરુદ્ધ ડૉ. કળસરિયા અને નરેન્દ્ર મોદી આમને-સામને થઈ ગયા. રાજ્યની તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારે માંડલ-બેચરાજી ખાતે 44 ગામમાં ફેલાયેલ સ્પેશિયલ ઇકૉનૉમિક રિજન બનાવવાની જાહેરાત કરી હતી.
જેની સામે આ વિસ્તારના ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો હતો. ડૉ. કળસરિયાએ આ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું.
હાલ જેમ ખેડૂતો ટ્રૅક્ટર રેલી મારફત દેશની રાજધાની દિલ્હી ધસી ગયા છે, એવી રીતે જૂન-2013માં અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ ગુજરાતના પાટનગર ખાતે વિરોધ નોંધાવવા પહોંચી ગયા હતા.
હાલમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ એ સમયે રાજ્યના મહેસૂલ મંત્રી હતાં. ખેડૂતોએ તેમને માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇકૉનૉમિક રિજનને રદ કરવા આવેદનપત્ર આપ્યું. એ પછી નાના-મોટા દેખાવો થતા રહ્યા.
અંતે ઑગસ્ટ મહિનામાં ગુજરાત સરકારના તત્કાલીન પ્રવક્તા પ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી કે SIRમાં સમાવિષ્ટ 44માંથી 36 ગામને પડતા મૂકવામાં આવ્યા છે. જોકે, ઇન્ડિયન એક્સપ્રેસના 2019ના એક અહેવાલ મુજબ 36 ગામો પૈકી 7 ગામો આંદોલનના છ વર્ષ બાદ સરમાં જોડવા માટે સહમતી જાહેર કરી હતી.
ખુદને રાષ્ટ્રીયસ્તરે પ્રૉજેક્ટ કરવા માગતા મોદીની આ 2014ની લોકસભા ચૂંટણી પૂર્વે આ એક 'વ્યૂહાત્મક પીછેહઠ' હતી.
ત્યારબાદ સિમેન્ટ કંપનીઓના માઇનિંગ સામે ડૉ. કળસરિયા અવાજ ઉઠાવતા રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓનો કૉંગ્રેસના નેતા ડૉ. કળસરિયાએ વિરોધ કર્યો છે.
બીબીસી સાથે વાત કરતા ડૉ. કળસરિયાએ જણાવ્યું હતું:
"ખેડૂતોને સરકારે વિશ્વાસમાં લીધા નથી. બિલ લાવવા માટે એવી કોઈ ઉતાવળ નહોતી કે વટહુકમ કરીને તેને લાવી શકાય. શાંતિથી ચર્ચામાંથી પસાર કરીને લાવ્યા હોત, તો સરકારને આટલી તકલીફનો સામનો ન કરવો પડ્યો હોત. ચર્ચામાં સારા-ખરાબ મુદ્દાઓની વાત થઈ હોત અને જે કંઈ પણ સુધારા હોત એ સ્વીકાર્યા હોત અને થઈ શક્યા હોત."
કળસરિયા આ કાયદાઓને ખેડૂતોને ફરી 'ગુલામી તરફી લઈ જનારા' ગણાવ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું, "આ કાયદાથી ખેડૂતોની દશા વધુ ખરાબ થશે, એપીએમસી ધીરેધીરે નામશેષ થઈ જશે, ખરેખર તો માર્કેટિંગ યાર્ડને સુધારવાની જરૂર છે. તેમાં જે રાજકારણ ઘૂસી ગયું એ બંધ થવું જોઈએ. જ્યાં-જ્યાં માર્કેટિંગ યાર્ડ સારી રીતે ચાલે છે, ત્યાં ખેડૂતોને સારા ભાવ મળે છે, વેપારીઓ પણ અંકુશમાં રહે છે અને ખેડૂતોને છેતરી શકતા નથી."
https://www.youtube.com/watch?v=Bq7OtjcVYbM&t=58s
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો