અનિતા દેવી: ગુનેગાર અને મેડલ બંને ‘નિશાન’ સાધી શકતા શૂટિંગ ચૅમ્પિયન

By BBC News ગુજરાતી
|

એક સામાન્ય લક્ષ્ય પણ કેટલીક વખત વ્યક્તિમાં રહેલી છુપી પ્રતિભાને બહાર લાવવાનું કામ કરે છે. શૂટર અને હરિયાણાના પોલીસ કર્મચારી અનિતા દેવીના કિસ્સામાં આ વાત પુરવાર થયેલી છે. અનિતા દેવી પિસ્તોલ શૂટિંગમાં રાષ્ટ્રીય ચૅમ્પિયન રહી ચૂક્યાં છે.

અનિતા દેવી 2008માં કૉન્સ્ટેબલ તરીકે હરિયાણા પોલીસમાં જોડાયાં હતા. ત્યારબાદ પ્રમોશનની તક મળે તે માટે તેમણે શૂટિંગ શીખવાની શરૂઆત કરી.

આ લક્ષ્યમાં તેમના પતિ ધરમવીર ગુલિયા તરફથી તેમને પૂરેપૂરો ટેકો મળ્યો. જોકે, તેમણે સપનામાં વિચાર્યું ન હતું કે રમતગમત ક્ષેત્રે આગળ વધવાનો તેમનો નિર્ણય એક દિવસ તેમને રાષ્ટ્રીય ચૅમ્પિયન બનાવશે.

દેવીએ એવું જોરદાર પ્રદર્શન કર્યું કે 2011થી 2019 સુધી તેઓ દર વર્ષે રાષ્ટ્રીય સ્તરે મેડલ જીતતા રહ્યા.

જોકે, તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ સુધી ન રમી શકવાનો અફસોસ છે. તેઓ કહે છે કે જાગૃતિ અને માર્ગદર્શનના અભાવે તેઓ પોતાની કારકિર્દીની ટોચ પર હતા ત્યારે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF)નું એફિલિયેશન મેળવી શક્યા ન હતા. એક સમયે તેઓ ભારતમાં ત્રીજા ક્રમે હતા.

ભારત સરકારે પોતાના ઍથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવા અને સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવા હોય તો ISSFના કાર્ડની જરૂર પડે છે.

જોકે, તેમણે 2016માં હેન્વર ખાતે ખાનગી ખેલાડી તરીકે આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ISSFના એફિલિયેશનની જરૂર હોતી નથી. તેઓ તેમાં 10 મીટર ઍર પિસ્તોલમાં સિલ્વર મેડલ અને 25 મીટર ઍર પિસ્તોલ ટીમ ઇવન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યાં હતાં.

36 વર્ષીય અનિતા દેવી હજુ પણ શૂટિંગની પ્રૅક્ટિસ કરે છે. જોકે, હવે તેઓ પોતાના 14 વર્ષીય પુત્રને ચૅમ્પિયન શૂટર બનાવવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે.


શૂટિંગમાં પ્રવેશ

હરિયાણાના પલવાલ જિલ્લાના લાલપરા ગામે જન્મેલા અનિતા દેવીના નસીબ સારા કહેવાય કે તેમના માતાપિતાએ તેમને રમતગમતમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું. અનિતા દેવીના પિતા સ્વયં એક કુસ્તીબાજ હતા અને દેવી પણ કુસ્તીમાં આગળ વધે તેવી તેમની ઇચ્છા હતી. દેવીએ એમ કહીને કુસ્તી રમવાનો ઇનકાર કરી દીધો કે તેમાં ખેલાડીના કાનને નુકસાન થાય છે.

દેવીને શરૂઆતમાં તો શૂટિંગ વિશે ખાસ જાણકારી ન હતી. હરિયાણા પોલીસમાં જોડાયાં પછી તેમણે ડિપાર્ટમેન્ટ પાસેથી ખાસ પરવાનગી લીધી અને કુરુક્ષેત્રની ગુરુકુળ રેન્જમાં તાલીમ લેવાનું શરૂ કર્યું. તે સમયે તેઓ સોનિપત રહેતા હતા અને ત્યાંથી તાલીમ માટે જવામાં બે કલાકનો સમય લાગતો હતો. એક જ મહિનાની અંદર તેઓ હરિયાણા સ્ટેટ ચૅમ્પિયનશીપ ખાતે ગોલ્ડ મેડલ વિજેતા બન્યાં હતાં.

દેવીના પતિએ તેમને ટેકો આપવાની માત્ર વાતો નહોતી કરી, પરંતુ જરૂરી ખર્ચ પણ કર્યો હતો.

તેમણે શૂટિંગ શીખવાનું શરૂ કર્યું ત્યારે તેમનો માસિક પગાર માત્ર 7200 રૂપિયા હતો, પરંતુ તેમના પતિએ તેમને 90,000 રૂપિયાની પિસ્તોલ ખરીદી આપી હતી.

પોલીસ વિભાગે પણ અનિતા દેવીને જરૂરી ટેકો આપ્યો અને આ સ્પોર્ટ માટે જ્યારે જરૂર પડતી ત્યારે સમય આપવા દીધો હતો.

ધીમે ધીમે દેવી આ રમતમાં વ્યસ્ત રહેવા લાગ્યા ત્યારે પોલીસ વિભાગને લાગ્યું કે તેઓ પોતાની જોબ કરતા શૂટિંગ માટે વધુ સમય ફાળવી રહ્યા છે. આ સમયે તેમની કસોટી થઈ હતી.

અનિતા દેવીને નોકરી અથવા શૂટિંગ બેમાંથી એકની પસંદગી કરવા જણાવાયું ત્યારે તેમણે શૂટિંગ પર પસંદગી ઉતારી હતી. જોકે, ડિપાર્ટમેન્ટે તેમનું રાજીનામું ન સ્વીકાર્યું અને તેઓ આજે પણ હરિયાણા પોલીસમાં હેડ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (એએસઆઈ) બનવાની તૈયારીમાં છે.


સખત મહેનતથી સફળતા મળી

અનિતા દેવી માટે 2013 કદાચ સૌથી વધુ સફળ વર્ષ હતું જ્યારે તેઓ નેશનલ ચૅમ્પિયન બન્યાં હતાં. તેઓ 2013માં ઓલ ઇન્ડિયા પોલીસ ચૅમ્પિયનશિપ ખાતે પણ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યાં હતાં અને તેમને બેસ્ટ શૂટરનો એવોર્ડ મળ્યો હતો.

દેવીએ 2015માં દર ચાર વર્ષે યોજાતી નેશનલ ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. 2015 પછી આ ટુર્નામેન્ટ યોજાઈ નથી.

હવે તેઓ પોતાના પુત્રની સાથે રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું સ્વપ્ન ધરાવે છે. તેમને આશા છે કે તેમનો પુત્ર એક દિવસ ભારત માટે ઑલિમ્પિક્સ મેડલ જીતશે.

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા દેવી કહે છે કે રમતગમતમાં સફળતા મેળવવા માટે બલિદાન આપવું પડે છે. 2013માં તેમણે એક ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો હોવાથી તેઓ પોતાના પિતાની અંતિમવિધિમાં પણ હાજર રહી શક્યાં ન હતાં.

તેઓ કહે છે કે, તેમના પિતા, પતિ અને બીજા પરિવારજનોના ટેકા વગર તેઓ સફળ શૂટર બની શક્યાં ન હોત. હવે તેઓ પોતાના પુત્રને પણ આવું જ પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવા માંગે છે.

(આ પ્રોફાઈલ બીબીસી દ્વારા અનિતા દેવીને મોકલવામાં આવેલી પ્રશ્નાવલિના જવાબો પર આધારિત છે.)



https://www.youtube.com/watch?v=ZVMGriXmpHY&t=4s

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો