શું લાલ કિલ્લા પર ક્યારેય ભગવો ઝંડો ફરકાવાયો છે?

By BBC News ગુજરાતી
|

26 જાન્યુઆરી 2021ના રોજ દિલ્હીમાં ખેડૂતોની ટ્રૅક્ટર રેલી દરમિયાન ઘણા લોકો લાલ કિલ્લા પર એકઠા થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ લાલ કિલ્લા પર શીખ ધર્મનો ઝંડો 'નિશાન સાહેબ' લહેરાવ્યો હતો. સમગ્ર દેશમાં તેની ટીકા થઈ હતી.

સ્વતંત્રતાદિવસ નિમિત્તે વડા પ્રધાન દર વર્ષે લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે અને લોકોને સંબોધન કરે છે. એવામાં પ્રજાસત્તાકદિવસે લાલ કિલ્લામાં એક ચોક્કસ ધર્મના ધ્વજ ફરકાવવા અંગે વિવાદ વકર્યો છે.

લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે પણ સોશિયલ મીડિયામાં એક એવો સવાલ પૂછવામાં આવ્યો છે કે શું લાલ કિલ્લા પર ક્યારેય ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો છે? શું મરાઠાઓએ લાલ કિલ્લા પર પોતાનો ભગવો ધ્વજ ફરકાવ્યો હતો?

26 જાન્યુઆરીએ જે રીતે લાલ કિલ્લામાં નિશાન સાહેબનો ધ્વજ ફરકાવવામાં આવ્યો તે પ્રતીકાત્મક હતું. પણ આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આવી ઘટનાઓનો ઐતિહાસિક સંદર્ભ પણ રહ્યો છે.

1783માં શાહ આલમ બીજા દિલ્હીમાં શાસન કરતા હતા. જસ્સા સિંહ રામગાદિયાના વડપણ હેઠળ ખાલસા પંથે દિલ્હીના સિંહાસનને પડકાર ફેંક્યો હતો.

આ યુદ્ધમાં ખાલસાઓએ જીત મેળવી હતી. તે વખતે આ જીતને દિલ્હી ફતેહનું નામ આપવામાં આવ્યું હતું.

https://www.youtube.com/watch?v=pWG6QlrpI5M

ઘટનાનાં પાંચ વર્ષ બાદ એટલે કે 1788માં મરાઠાઓ દ્વારા લાલ કિલ્લા પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

જોકે, મરાઠા મહાદિજે શિંદેએ દિલ્હીના મુઘલ બાદશાહને સુરક્ષા આપી હતી. તે વખતે થોડા સમય માટે લાલ કિલ્લા પર મુઘલો અને મરાઠા બંનેના ધ્વજ ફરકાવવામાં આવતા હતા.

હકીકતમાં લડાઈ વખતે કોઈ પણ જગ્યા પર ધ્વજ ફરકાવવાનું એક વ્યૂહાત્મક મહત્ત્વ હોય છે. જેનો ધ્વજ જ્યાં ફરકાવવામાં આવે એ વિસ્તારમાં રહેતા લોકો પર ધ્વજ ફરકાવનાર પ્રભુત્ત્વ ધરાવે છે.

પરંતુ ઇતિહાસકાર ઇન્દ્રજીત સાવંત મુજબ મરાઠાઓ દ્વારા જ્યારે લાલ કિલ્લા પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો, ત્યારે એ દિલ્હીમાં સત્તા માટે નહીં પણ મિત્રતા માટે ફરકાવવામાં આવ્યો હતો.

આ સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે 18મી સદીમાં મરાઠાઓ ઘણા પ્રભાવશાળી હતા તેમ છતાં તેમને દિલ્હી પર પોતાનો દાવો કેમ ન કર્યો?

મુઘલોને માત્ર નામ પૂરતા શાસક માનનારા મરાઠાઓ ત્યારે સત્તા પર આવ્યા હતા, જ્યારે મુઘલોનો શક્તિશાળી યુગ વીતી ગયો હતો.

ઔરંગઝેબના સમયમાં મુઘલ સામ્રાજ્ય એ ટોચ પર હતું, જેની કલ્પના પણ કરવી મુશ્કેલ હતી. પણ ઔરંગઝેબના મૃત્યુ બાદ મુઘલ સામ્રાજ્ય વિખેરાઈ ગયું અને માત્ર દિલ્હી અને આજુબાજુના વિસ્તારો પૂરતું રહી ગયું હતું.

આ એ સમય હતો જ્યારે જાટ, રાજપૂત, શીખ અને મરાઠા ઘણા પ્રભાવશાળી બની ગયા હતા.

ઔરંગઝેબ બાદ તેમના 65 વર્ષના દીકરા બહાદુર શાહ (પ્રથમ) દિલ્હીની ગાદી પર બેઠા, બહાદુર શાહે ન તો શાહૂ મહારાજ અને ન તો તારાબાઈનું શાસન સ્વીકાર્યું.

બાલાજી વિશ્વનાથ શાહૂ મહારાજના પેશ્વા બન્યા તો 1711માં તેમણે ચૌઠાઈ અને સરદેશમુખનો વિસ્તાર મુઘલો પાસેથી છીનવી લીધો હતો.

બહાદુર શાહે (પ્રથમ) એક રીતે શાહુ મહારાજ સાથે ઉદારતા દાખવી હતી અને તેના બદલામાં શાહુ મહારાજ પોતાની સેના થકી દિલ્હીની રક્ષા કરવા માટે તૈયાર થઈ ગયા હતા. છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુનાં 39 વર્ષ બાદ મુઘલો અને મરાઠાઓ વચ્ચેનો સંઘર્ષ અટકી ગયો હતો.

બહાદુર શાહ બાદ દિલ્હીની ગાદી પર મોહમ્મદ શાહ બેઠા. તેઓ ઘણાં વર્ષો સુધી દિલ્હીના સુલતાન રહ્યા પણ ઈરાનથી આવેલા નાદિર શાહે તેમને પડકાર ફેંક્યો હતો.

વર્ષ 1739માં નાદિર શાહે દિલ્હી પર હુમલો કર્યો. નાદિર શાહ અને મોહમ્મદ શાહની સેના વચ્ચે કરનાલમાં યુદ્ધ થયું હતું.

નાદિર શાહે મોહમ્મદ શાહને યુદ્ધમાં હરાવી દીધા. તે બાદ નાદિર શાહે દિલ્હીમાં લૂંટ ચલાવી. તે સમયે નાદિર શાહે આશરે 70 કરોડની સંપત્તિ લૂંટીને પોતાની સાથે ઈરાન લઈ ગયા હતા.

તેઓ પોતાની સાથે કોહિનૂર હીરો પણ લઈ ગયા. જોકે તેમને મોહમ્મદ શાહને સિંધુ નદીના સરહદ સુધી શાસન કરવા માટે છોડી દીધા હતા.

આ ઘટના બાદ મરાઠા સરદારો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને લાગ્યું કે દિલ્હીની સલ્તનત ઘણી નબળી પડી ગઈ છે.

સાલ 1748માં મોહમ્મદ શાહનું અવસાન થયું. તેમના મૃત્યુ બાદ મુઘલ સામ્રાજ્યમાં વારસદાર માટે લડાઈ શરૂ થઈ ગઈ અને તેનાથી વિરોધીઓને લાભ થયો.

તે બાદ નાદિર શાહના સેનાપતિ અહમદ શાહ અબ્દાલીએ દિલ્હી સામ્રાજ્યમાં ઘણી વખત લૂંટ ચલાવી હતી.


પાણીપતે ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો

પાણીપતની લડાઈ વિશે એક રસપ્રદ વાત કહેવામાં આવે છે. આ લડાઈ ભારત પર કોણ રાજ કરશે તે માટે નહોતી પરંતુ કોણ રાજ નહીં કરે તે માટે હતી. કારણ કે આ લડાઈમાં સામેલ બંને તરફનાં દળોને આ લડાઈથી પ્રત્યક્ષ કોઈ લાભ થવાનો નહોતો.

અબ્દાલી અને મરાઠા દિલ્હી પર રાજ કરી શકવાની સ્થિતિમાં નહોતા કારણ કે બંને સેનાઓને આ લડાઈમાં મોટી ખુવારી થઈ હતી અને બંનેની સરહદ ઘટી ગઈ હતી. આ જ કારણ છે કે બંને ફરીથી લડાઈની તૈયારીમાં જોતરાઈ ગયા.

વર્ષ 1761માં માધવરાવ પેશ્વા બન્યા. પોતાની 11 વર્ષની કારકિર્દીમાં, તેમણે મરાઠા તાકાતના સુવર્ણ તબક્કાને ફરીથી મેળવવાના પ્રયાસો કર્યા.

માધવરાવે નિઝામને હરાવ્યા. મૈસૂરમાં ટીપુ સુલતાને ખંડણી આપવા માટે મજબૂર કર્યા. આ સિવાય તેમણે જાટ અને રાજપૂત શાસકો સાથે સંબંધો સુધાર્યા અને ઉત્તર ભારતમાં પોતાના પ્રભુત્વમાં વધારો કર્યો.

માધવરાવના શાસન દરમિયાન પેશ્વા માત્ર શાહ આલમ બીજાને પેન્શન આપતા હતા. તેમની અવેજમાં મરાઠા શાસકોનું ઉત્તર ભારતના એક ચતુર્થાંશ ભાગ પર શાસન હતું.

એક સમય એવો હતો જ્યારે મરાઠાઓ પોતાના રાજ્યના એક ચતુર્થાંશ ભાગ પર પણ કબજો ધરવાતા નહોતા, પણ એવો સમય આવ્યો જ્યારે એક ચતુર્થાંશ જેટલા ભારત પર તેઓ રાજ કરતા હતા.

આ સમયગાળો એવો હતો કે જો મરાઠાઓએ દિલ્હી પર પોતાનો દાવો કર્યો હોત તો મુઘલો ભાગ્યે જ તેમને પડકાર આપી શક્યા હોત. જોકે, દિલ્હીની આજુબાજુના રાજાઓએ ચોક્કસપણે મરાઠાઓ સામે યુદ્ધ કર્યું હોત.

કદાચ આ જ કારણ હોઈ શકે કે મરાઠાઓએ દિલ્હી પર પોતાનો દાવો કર્યો ન હતો કારણ કે તેમને ડર હતો કે જો લડાઈ શરૂ થઈ જાય તો આજુબાજુના રાજાઓ વિરોધ કરશે અને તેનાથી મરાઠાઓની આવક ઘટી જશે.

1772માં માધવરાવ મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ બાદ નારાયણરાવ પેશ્વા બન્યા.

સાલ 1773માં તેમની હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારે માતાના ગર્ભમાં ઉછરી રહેલા સવાઈ માધવરાવ પેશ્વા બન્યા હતા. 1795માં એક અકસ્માતમાં મૃત્યુ થયું, ત્યાં સુધી તેઓ પેશ્વા રહ્યા.


મહાદજી શિંદેની વ્યૂહરચના

મહાદજી શિંદે ઉત્તર ભારતમાં રાજ કરનાર સૌથી શક્તિશાળી મરાઠા શાસક હતા. સાલ 1788માં રોહિલ્લા સરદાર ગુલામ કાદિરે મુઘલ શાસક શાહ આલમને બંધક બનાવ્યા.

શાહ આલમ ભાગ્યા અને મહાદજી શિંદે પાસે મદદ માગી. શિંદેએ ગુલામ કાદિરને હરાવી મૃત્યુદંડની સજા ફટકારી હતી.

શાહ આલમની રક્ષા કરવા બદલ મહાદજી શિંદેને નાયબ-એ-મુનાબનું બિરુદ મળ્યું હતું. મહાદજી શિંદે બહુ શક્તિશાળી હતા, પરંતુ તેમનો મોટા ભાગનો સમય નાના ફડણવીસ સાથેના મતભેદોમાં ગયો હતો.

ઇંદૌરની હોલકર સિયાસત સાથે પણ તેમનું બનતું નહોતું. નાના ફડણવીસ અને શિંદે બાદ મરાઠાઓની શક્તિ ઘટવા લાગી હતી.

https://www.youtube.com/watch?v=bKZK8ARrBdc


મરાઠાઓએ દિલ્હીમાં શાસન કેમ ન કર્યું?

ઇતિહાસકાર ઇન્દ્રજીત સાવંત આ પ્રશ્નના જવાબમાં કહે છે, "છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ અને મહારાણી તારાબાઈ પછી કોઈ પણ મરાઠા શાસક દિલ્હીમાં રસ ધરાવતા નહોતા."

"તેઓ સીધી રીતે દિલ્હી પર રાજ કરવા માટે ઉત્સુક નહોતા. તેઓ દિલ્હી સલ્તનતનો વિરોધ ન કરી શક્યા. સદાશિવરાવ ભાઉ પેશવા અને મહાદજી શિંદે ખૂબ શક્તિશાળી હતા, તેઓ દિલ્હી પર દાવો કરી શક્યા હોત, પરંતુ તેમને દિલ્હી સલ્તનત સામે વિરોધ કર્યો નહોતો."

દિલ્હી ઉપર મરાઠાઓના વર્ચસ્વ અંગે દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક ડૉ. અનિરુદ્ધ દેશપાંડેએ કહે છે, "18મી સદીમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં મરાઠાઓનું શાસન હતું. તેમને ત્રણ તબક્કામાં જોઈ શકો. પ્રથમ તબક્કો, બાજીરાવ પેશવાનો સમયગાળો હતો. તેમણે દિલ્હીની સલ્તનતને પોતાની શક્તિનો અહેસાસ કરાવ્યો હતો."

"બીજો તબક્કો એટલે સદાશિવરાવ ભાઉ પેશ્વાનો સમયગાળો હતો. 1760ના પાણીપત યુદ્ધમાં મરાઠાઓએ આક્રમતા દેખાડી હતી. 1818માં દિલ્હી, આગ્રા અને અલીગઢમાં મરાઠાઓનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું જ્યારે અંગ્રેજોએ મરાઠાઓને હરાવી દીધા હતા."

ડૉ. અનિરુદ્ધ દેશપાંડે ઉમેરે છે, "મરાઠા શાસકોએ ક્યારેય પણ દિલ્હીની સલ્તનત પર કબજો કરવાનો અથવા મુઘલોને સત્તાથી હઠાવવા વિશે વિચાર પણ કર્યો નથી. મરાઠા કાયમ તેમના રક્ષક બની રહ્યા. લોકોની નજરમાં મુઘલ રાજ કરી રહ્યા હતા અને મરાઠાઓ તેમના નામે પોતાનું કામ કરતા રહ્યા હતા."

(આ લેખ માટેના સંદર્ભ એનસીઆરટી દ્વારા પ્રકાશિત બીપિનચંદ્રના પુસ્તક 'આધુનિક ભારત' અને બ્લૂમ્સબરી પબ્લિકેશનથી પ્રકાશિત વિલિયમ ડેલરિમ્પલના પુસ્તક 'ધ અનાર્કી' માંથી લેવામાં આવ્યા છે.)



https://www.youtube.com/watch?v=edVhleGc88g

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો