કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલું ખેડૂત આંદોલન માત્ર દિલ્હીની સરહદ સુધી સીમિત નથી પરંતુ હરિયાણાના જિંદ, રોહતક, ઉત્તરાખંડ, રુડકી અને ઉત્તર પ્રદેશના મથુરામાં પણ શરૂ થઈ ગયું છે.
અહીં મોટી સંખ્યામાં ખેડૂતોની મહાપંચાયતોનું આયોજન થઈ રહ્યું છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જિંદની મહાપંચાયતમાં 'દિલ્હી ચલો'નું આહ્વાહન કર્યું હતું.
જિંદના કંડેલામાં થયેલી ખેડૂતોની મહાપંચાયતમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હરિયાણાના ગામેગામથી ખેડૂત આંદોલન માટે સમર્થન એકઠું કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખેડૂત સંગઠનો સક્રિય થઈ ગયા છે. મુઝફ્ફરનગર, બાગપત, બિજનૌર અને મથુરામાં મહાપંચાયતો થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણાની ખેડૂત મહાપંચાયતોમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ.
મથુરાની મહાપંચાયતમાં રાષ્ટ્રીય લોક દળ અને અન્ય રાજકીય પક્ષો જોડાઈ રહ્યા છે. જોકે, પશ્ચિમ ઉત્તર પ્રદેશની મહાપંચાયતોમાં વિપક્ષના નેતાઓ જોડાઈ રહ્યા છે પરંતુ તેમને સ્ટેજથી દૂર રાખવામાં આવી રહ્યા છે.
આ પંચાયતોમાં આંદોલનની રણનીતિ અને દિલ્હી સરહદે ચાલતાં આંદોલનને મજબૂત કરવા મુદ્દે ચર્ચા થઈ.
26 જાન્યુઆરીના ઘટનાક્રમ બાદ દિલ્હી-ઉત્તર પ્રદેશની ગાઝીપુર બૉર્ડરથી ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ભાવુક અપીલ બાદ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને હરિયાણાનાં ગામોમાં ખેડૂતો સક્રિય થઈ ગયા છે અને આંદોલનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
બુધવારે ઉત્તરાખંડના રુડકીના મંગલૌરમાં થયેલી ખેડૂત મહપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. બીજી તરફ મથુરાના બલદેવમાં આવી પંચાયતો યોજાઈ રહી છે.
https://www.youtube.com/watch?v=8CaN_uBzuJU
મથુરાના બલદેવમાં થયેલી ખેડૂત મહાપંચાયતમાં રાષ્ટ્રીય લોકદળના સ્થાનિક નેતાઓ પણ સામેલ થયા હતા.
આ પંચાયતમાં 6 ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત દેશવ્યાપી ચક્કાજામને સફળ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી.
તો આ તરફ રાજસ્થાનના દૌસા જિલ્લામાં મીન ભગવાન મંદિર મેંહદીપુર બાલાજીમાં એક ફેબ્રુઆરીએ થયેલી મહાપંચાયતમાં પાંચ ફેબ્રુઆરીએ એક મોટી ખેડૂત મહાપંચાયત કરવાનો નિર્ણય કરાયો છે.
આ દરમિયાન પાંચ હજાર ટ્રૅક્ટરની માર્ચ કાઢવાની પણ જાહેરાત કરાઈ હતી.
આ મહાપંચાયતમાં મીણા સમુદાય અને અન્ય જાતિઓના લોકો પણ સામેલ થયા હતા.
રાજસ્થાનની મહાપંચાયતમાં ખેડૂતોને દરેક ઘરેથી એક ખેડૂતને દિલ્હીની સીમાઓ પર મોકલવાની જાહેરાત પણ કરાઈ છે.
સાત ફેબ્રુઆરીએ શાહજહાંપુર બૉર્ડર પર કૂચ કરવાનું એલાન પણ કરવામાં આવ્યું હતું.
તો રાજસ્થાનના અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂત મહાપંચાયતો યોજવાની વાત કરવામાં આવી છે.
આવનારા દિવસોમાં રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશનાં ઘણા જિલ્લા અને ગામોમાં પણ ખેડૂત મહાપંચાયતો થવા જઈ રહી છે, તેનાથી ખબર પડે છે કે ખેડૂત આંદોલન હવે યુપી અને રાજસ્થાનનાં ગામોમાં પણ ફેલાઈ રહ્યું છે.
આ મહાપંચાયતોને કારણે હવે મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે.
ગાઝીપુર બૉર્ડર પર યુપીના બુલંદશહરથી આવેલા ખેડૂત સંજીવ ગુર્જર કહે છે, "યુપીમાં આ કાયદાઓ વિરુદ્ધ જાટ-ગુર્જર બધા એક થઈ ગયા છે. જ્યાં સુધી કાયદા પાછા નહીં ખેંચે ત્યાં સુધી ધરણાં વધુ મજબૂત થશે."
તો બુલંદશહરના હામિદ અલી કહે છે, "આ આંદોલન ધર્મ અને જાતિથી ઉપર થઈ ગયું છે. અહીં કોઈ હિન્દુ કે મુસલમાન કે જાટ કે ગુર્જર નથી. બધા ખેડૂતો છે. ખેડૂતો હવે પોતાનો અવાજ ઉઠાવતા શીખી ગયા છે. જ્યાં સુધી માગ નહીં સ્વીકારાય, ત્યાં સુધી આંદોલન ચાલશે."
સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હામિદ અલી અનુસાર, તેમના જિલ્લામાં આંદોલનને મજબૂત કરવા માટે ગામેગામ લોકો નાનીનાની પંચાયતો કરી રહ્યા છે.
મેરઠથી આવેલા ધર્મેન્દ્ર મલિક કહે છે, "આ ખેડૂત આંદોલનની હવે ઉત્તર પ્રદેશની રાજનીતિ પર પણ અસર થશે. ગત કેટલીક ચૂંટણીઓમાં જાટોએ ભાજપને ખુલ્લીને મત આપ્યા હતા. હવે પ્રદર્શનમાં મોટા ભાગે જાટ જ સામેલ છે, એવામાં આ લોકો સરકારની વિરુદ્ધ પણ મત આપી શકે છે."
મલિક કહે છે, "આ આંદોલન ગામેગામ મજબૂત થયું છે, લોકો હવે ખેતી-ખેડૂતોના મુદ્દા પર વાત કરી રહ્યા છે. ખેડૂતોને લાગે છે કે તેમની ધરતીમાતા પર હુમલો થઈ રહ્યો છે. ખેડૂતોને જે સમજવું હતું એ સમજી લીધું છે, હવે કાયદાઓ પાછા લેવડાવીને જ હઠશે."
મેરઠના જ એક ડબ્બુ પ્રધાન કહે છે, "ઉત્તર પ્રદેશમાં 1987માં બાબા મહેન્દ્રસિંહ ટિકૈતે કૉંગ્રેસની વીર બહાદુરસિંહની સરકાર સામે આંદોલન કર્યું હતું. ત્યારબાદ યુપીમાં કૉંગ્રેસની સરકાર આવી નથી. જો આ આંદોલન આગળ વધશે તો તેની રાજકીય અસર જોવા મળશે."
ગાઝીપુર પ્રદર્શનસ્થળ પર મેરઠથી આવેલા વધુ એક વડીલ ખેડૂત કહે છે, "અમે બધા ખેડૂતપુત્રો છીએ. ખેડૂતો હવે પોતાની સાથે થતો અન્યાય સમજી રહ્યા છે. અમે સાચી-ખોટી વાતોમાં આવી ગયા હતા. 15 લાખની લાલચમાં ફસાઈ ગયા હતા. પણ હવે સમજાઈ રહ્યું છે. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ખેડૂતો પર સીધો હુમલો થઈ રહ્યો છે."
https://www.youtube.com/watch?v=8CaN_uBzuJU
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો