મોદી સરકાર અને ભારતીય મીડિયા વચ્ચે નેક્સસ છે : ઇમરાન ખાન
અર્ણવ ગોસ્વામીની કથિત વૉટ્સઍપ ચૅટ્સ મામલે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટિપ્પણી કરી છે.
તેમણે મોદી સરકાર વિરુદ્ધ બાલાકોટ હુમલાનો રાજકીય ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂક્યો.
સોશિયલ મીડિયામાં તેમણે લખ્યું, "મેં સંયુક્ત રાષ્ટ્રના ભાષણમાં કહ્યું હતું કે કેવી રીતે મોદી સરકારે બાલાકોટ હુમલાનો ઉપયોગ ચૂંટણીમાં કર્યો. ભારતીય પત્રકારની લિક થયેલી ચૅટ્સ જણાવે છે કે મોદી સરકાર અને ભારતીય મીડિયા વચ્ચે એક નેક્સસ કામ કરી રહ્યું છે.
લિક થયેલી કથિત ચૅટ્સ અનુસાર અર્ણવ ગોસ્વામીને બાલાકોટ હુમલાની જાણકારી ત્રણ દિવસ અગાઉ હતી. મુંબઈ પોલીસની ચાર્જશીટ અનુસાર બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના પૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા અને અર્ણવ ગોસ્વામી વચ્ચે 23 જાન્યુઆરી, 2019ના રોજ થયેલી વાતચીતમાં લખ્યું છે કે 'કંઈક મોટું થવાનું છે.
ચૅટમાં દાસગુપ્તાએ જ્યારે કહ્યું કે શું દાઉદને લઈને કંઈ થવાનું છે ત્યારે અર્ણવે કહ્યું, 'ના, પાકિસ્તાન. આ વખતે. આ સામાન્ય સ્ટ્રાઇક કરતાં મોટી થવાની છે."
- કોરોના વૅક્સિન : પાકિસ્તાન ચીન અને રશિયાના ભરોસે, પણ રસી મળશે ખરી?
- પાકિસ્તાનના આ શહેર પર હિન્દુ રાજાઓનું શાસન હતું?
કૉંગ્રેસે શું કહ્યું?
વિપક્ષ કૉંગ્રેસે રિપબ્લિક ટીવીના અર્ણવ ગોસ્વામી અને વ્યૂઅરશિપ રેટિંગ એજન્સી બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)ના પૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે થયેલી કથિત વાતચીતને લઈને સવાલ ઉઠાવ્યા હતા.
રવિવારે વિપક્ષનેતાઓએ કહ્યું કે આ વાતચીતથી ઘણી ચિંતાઓ સામે આવી છે અને તેની વિસ્તૃત તપાસ થવી જોઈએ.
રવિવારે કૉંગ્રેસ પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું, "મુંબઈ પોલીસની ચાર્જશીટમાં જે વૉટ્સઍપ ચેટ સામે આવી છે, તેમાં રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ગંભીર સવાલ પેદા થાય છે."
"કેવા પ્રકારની નાણાકીય ગેરરીતિ થઈ, તેમાં દેશનાં મોટાં પદો પર બેસેલા કોણ લોકો સામેલ હતા, કેવી રીતે જજોને ખરીદવાની વાત થઈ અને મંત્રીમંડળમાં કયું પદું કોને મળશે એનો નિર્ણય પત્રકારો દ્વારા કરવામાં આવ્યો- આ બધી વાતો છે. મુંબઈ પોલીસનું આરોપનામું એક હજાર પાનાંનું છે અને અમે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. અમે તેના પર વિસ્તારથી પ્રેસ-કૉન્ફરન્સ કરીશું."
તો પૂર્વ સૂચના અને પ્રસારણમંત્રી મનીષ તિવારીએ આખા મામલાની તપાસ જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિથી કરાવવાની માગ કરી છે.
મનીષ તિવારીએ કહ્યું કે જો મીડિયા રિપોર્ટિંગમાં આવતી વાતો સાચી હોય તો બાલાકોટ ઍર સ્ટ્રાઇક અને 2019ની લોકસભા ચૂંટણી વચ્ચે ચોક્કસ કોઈ સંબંધ છે.
- નિધિ રાઝદાન : ફિશિંગ શું છે અને ઑનલાઇન છેતરપિંડીથી કેવી રીતે બચવું?
- ટ્રમ્પના હાથમાં પરમાણુ બૉમ્બનું બટન ચિંતાનો વિષય કેમ બન્યું છે?
રિપબ્લિક ટીવીનો જવાબ
શુક્રવારે વૉટ્સઍપ ચૅટ્સ લીક થયા બાદ તેના પર કોઈ પ્રતિક્રિયા ન આપનાર રિપબ્લિક ટીવી મીડિયાએ પાકિસ્તાન તરફથી આવેલા નિવેદન બાદ પોતાનું એક વિસ્તૃત નિવેદન રવિવારે જાહેર કર્યું છે.
રિપબ્લિક ટીવીએ પાકિસ્તાનના આરોપ ફગાવી દીધા અને કહ્યું કે "રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર-ઈન-ચીફ અર્ણવ ગોસ્વામીએ છેલ્લાં 15 વર્ષથી પાકિસ્તાન અને આઈએસઆઈનાં કાવતરાંનો પર્દાફાશ કર્યો છે."
"પુલવામા હુમલા બાદ સૌથી પહેલા પાકિસ્તાનનો પર્દાફાશ કરનારાઓમાં ગોસ્વામી ખુદ અને રિપબ્લિક મીડિયા હતું. ગોસ્વામી અને રિપબ્લિક મીડિયાએ પોતાના રિપોર્ટ્સ, સ્ટિંગ ઑપરેશન અને તથ્યાત્મક જાણકારી સાથે આખી દુનિયા સામે એ સ્પષ્ટ કરી દીધું હતું કે પાકિસ્તાન આંતકી સમૂહોને સ્પૉન્સર, મદદ અને આશ્રય આપે છે."
આ નિવેદનના અંતમાં રિપબ્લિક મીડિયા નેટવર્કે કૉંગ્રેસ પાર્ટીની પણ આલોચના કરી અને કહ્યું કે કૉંગ્રેસે જાણ્યેઅજાણ્યે પાકિસ્તાન સરકારની જેમ કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને ભારતનાં હિતો સામે જૂઠ ફેલાવવાનું બંધ કરવું જોઈએ.
નિવેદનના અંતમાં 'સત્યમેવ જયતે', 'ભારતમાતા કી જય' અને 'જય હિન્દ' લખેલું છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=-VnNvkznxis
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો