• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એ પાકિસ્તાની 'ગોલ્ડ કિંગ', જેણે સોનાના સ્મગલિંગમાં ભારતને પછાડ્યું

By BBC News ગુજરાતી
|

એપ્રિલ 1958માં, લાહોર જતાં એક મુસાફરને કરાચી ઍરપૉર્ટ પર રોકવામાં આવ્યા હતા, એ મુસાફર પાસેથી ત્રણ હજાર એકસો તોલાં સોનું જપ્ત કરાયું. જ્યારે કરાચી કસ્ટમ અધિકારીઓએ પ્રેસ હૅન્ડઆઉટમાં કહ્યું કે તેમણે બે હજાર કિલો સોનું જપ્ત કર્યું છે, તો મુસાફરે ભૂલને સુધારતાં કહ્યું કે આ બે હજાર નહીં પરંતુ ત્રણ હજાર એક સો તોલાં સોનું હતું.

તેઓ જલદી જ જેલમાંથી મુક્ત થયા અને પાંચ મહિના પછી તેઓ પાસેના એક સરહદી ગામમાં જોવા મળ્યા, ત્યાં તેમને અમૃતસર પોલીસથી બચવા માટે 45 સોનાની ઈંટને છોડીને ભાગવું પડ્યું.

છ વર્ષ પછી, આ વ્યક્તિ ફરી વખત સામે આવી, એ વખતે દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો. તે સમયે તેઓ ચાંદની ચોકના મોતીબજારમાં એક વેપારી સાથે સોનાનો સોદો કરી રહ્યા હતા.

આ વ્યક્તિ તો પોલીસથી બચવામાં કામયાબ રહી, પરંતુ તેમના સાથી પકડાઈ ગયા અને પોલીસને તેમની પાસેથી 44 સોનાની ઈંટો પણ મળી આવી.

વર્ષ 1977માં લાહોરથી પ્રકાશિત થનારા એક સમાચારપત્રમાં તે વ્યક્તિ વિશે કંઈક આ પ્રમાણે લખ્યું હતું, “ગોલ્ડન ભાગેડુ, એક અસાધારણ વ્યક્તિ, વેશ બદલવામાં માહેર અને શિયાળ જેવો ચાલાક.”

તે વ્યક્તિનું નામ પાકિસ્તાન અને ઇન્ટરપોલની યાદીમાં સામેલ હતું અને તે હંમેશાં દિલ્હી, દુબઈ અને લંડનનો પ્રવાસ કરતો હતો. આ માણસ બીજા કોઈ નહીં, સેઠ આબિદ હતા.

સેઠ આબિદ, જેમનું મૃત્યુ 85 વર્ષની ઉંમરે થયું, તેમને પાકિસ્તાનમાં 'ગોલ્ડ કિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમની ગણતરી એવા સૌથી અમીર લોકોમાં થાય છે, જેમની સંપત્તિ સોનાની દાણચોરી પર આધારિત હતી.


સોનાના બાદશાહ

દાણચોરીના ધંધામાં જે પણ સોનાનો બાદશાહ બનવા માગે છે તેણે સરહદ પાર પોતાનું નેટવર્ક સ્થાપિત કરવાનું હોય છે. દેશના ઉચ્ચ વર્ગ અને સરકારી અધિકારીઓ સાથે સંબંધ સ્થાપિત કરવાનો હોય છે.

આ સિવાય સમાજમાં પોતાનું સ્થાન સ્થાપિત કરવા માટે, નૈતિક આધારે સદ્ભાવનાની એક વ્યાપક પ્રણાલી સ્થાપિત કરવી પડશે.

સેઠ આબિદનો ઉદય ભારત અને પાકિસ્તાનની સરહદના ગઠનની સાથે જ થયો.

તેમનો જન્મ અને ઉછેર કસૂરના સરહદી વિસ્તારમાં થયા હતા, જ્યાં તેમના કબીલાના લોકો ભારતના વિભાજન પહેલાં કલકત્તામા ચામડાનો વેપાર કરતા હતા.

સેઠ આબિદ 1950માં કરાચી ચાલ્યા ગયા, જ્યારે તેમના પિતા કરાચીના શરાફા બજારમાં સોના અને ચાંદીનો વેપાર શરૂ કર્યો હતો. તેઓ કેટલાક માછીમારને મળ્યા પછી, જેઓ દુબઈથી કરાચી સોનાની દાણચોરી કરતા હતા, શેઠ આબિદે સોનાની દાણચોરીની દુનિયામાં પગ મૂક્યો.

1950ના દાયકાના અંત સુધી, તેમણે એક માછીમાર કાસિમ ભટ્ટીની સાથે મળીને પાકિસ્તાનમાં સોનાની દાણચોરી પર પોતાનો એકાધિકારી સ્થાપિત કર્યો હતો.

સેઠ આબિદની ગણતરી એવા ચોરોમાં થતી હતી, જેઓ પાકિસ્તાનના સંદર્ભમાં સોનાની ચોરી અને ચોરીની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતા.

તેમની તાકાત કરાચી બંદર, પંજાબની સરહદ, સરકારી વહીવટી તંત્ર અને રાજકીય ક્ષેત્રમાં હતી, તેઓ સરહદની બીજી બાજુ તેનાથી પણ આગળના ઘણાં બધાં કામ કરતા હતા.

લંડન, દિલ્હી અને દુબઈમાં સંપર્કની સાથે, સેઠ આબિદે 1950 થી 1980 સુધી સોનાની તસ્કરી પર ભારતમાં એકાધિકારને પૂર્ણ કરી દીધો.


લંડન સુધી નૅટવર્ક

સેઠ આબિદે 1950ના દાયકાના અંત સુધી આ તમામ ક્ષમતાઓ હાંસલ કરી લીધી હતી. જ્યારે તેમના દાણચોરી નેટવર્કે લંડન, દિલ્હી અને કરાચીમાં એજન્ટોનું ધ્યાન આકર્ષિત કર્યું અને તે નેટવર્ક ભારત-પાકિસ્તાનની વચ્ચે પંજાબ સરહદ સુધી ફેલાઈ ગયું હતું.

શરૂઆતમાં, આ નેટવર્ક માત્ર નજીકના સંબંધીઓ સુધી જ સીમિત હતું. તેમના ભાઈ, હાજી અશરફ જેઓ અરબી ભાષામાં વાત કરી શકતા હતા, દુબઈમાં રહેતા હતા. તેમના જમાઈ, ગુલામ સરવર વારંવાર દિલ્હી જતા હતા અને સોનાના દાણચોર હરબંસ લાલને મળતા હતા.

સેઠ આબિદનું નામ પહેલી વખત ભારતીય પ્રેસમાં એ સમયે સામે આવ્યું હતું. જ્યારે વર્ષ 1963માં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ સમાચાર આપ્યા હતા કે પાકિસ્તાનના 'ગોલ્ડ કિંગ’નું ભારતમાં 'કનેક્શન’ અને તેમના બનેવીની દિલ્હીમાં 44 સોનાની ઈંટો સાથે ધરપકડ કરવામાં આવી હતી.

બ્રિટિશ ઍરવેઝ માટે કામ કરનારા ચાર્લ્સ મૈલોનીને બ્રિટનમાં સેઠ આબિદના “ફ્રૅસિલિટેટર” તરીકે નામના આપવામાં આવી હતી. સેઠ આબિદ દર વર્ષે હજ પર જતા હતા અને તે સમયે અરબ શેખ ઑપરેટરોની સાથે સંબંધ સારા બનાવતા હતા.

જ્યારે તેમના દાણચોરીના કારોબારનો વિકાસ થયો, ત્યારે તેમણે પંજાબના સરહદી વિસ્તારના ગામમાં રહેનારા કેટલાંક એજન્ટોને સોનાના સ્મગલિંગની ફ્રેન્ચાઇઝી આપી. તેમાં મુખ્યત્વે ઘરકી દયાલ અને એવાન સમુદાયના લોકો સામેલ હતા.

સેઠ આબિદના અનેક હરીફ હતા. પરંતુ કોઈની ય પાસે તેમના જેટલી આવડત, કનેક્શન અને રકમ ન હતી. તેમના અનેક હરીફની વિરુદ્ધ, સેઠ પર તેમના લાંબી કારકિર્દી દરમિયાન ક્યારેય પણ આરોપ સાબિત ન થઈ શક્યા, જોકે તેમની સામે અનેક એફઆઈઆર નોંધાઈ હતી.


સરકારનું સંરક્ષણ

1950 અને 1960ના દાયકામાં, સેઠ આબિદનો દાણચોરીનો વેપાર દુનિયામાં ફેલાયેલો હતો. એમાં ક્યારેક ક્યારેક તેમને સરકારનું સંરક્ષણ પણ મળતું હતું. લાહોર, કરાચી, દુબઈ અને લંડનમાં રોકાણ અને સંપત્તિના કારણે, તેમને પાકિસ્તાનના સૌથી અમીર લોકોમાં સામેલ કરવામાં આવ્યા હતા.

1970ના દાયકામાં સેઠ આબિદની ચોરીની વ્યાપક કાર્યવાહીને જુલ્ફિકાર અલી ભુટ્ટોની સરકારમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડ્યો અને તેમની કેટલીક સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી.

વર્ષ 1974માં કંઈક એવું થયું જે કોઈએ વિચાર્યું નહીં હોય. લાહોર શહેરમાં સેઠ આબિદના ઘર પર એક મોટા પોલીસ દરોડામાં લગભગ સવા કરોડ રૂપિયાનું પાકિસ્તાનનું ચલણ મળી આવ્યું. આની સાથે જ 40 લાખની કિંમતનું સોનું અને 20 લાખની કિંમતની સ્વિસ ઘડિયાળ જપ્ત કરવામાં આવી.

આ દરોડામાં તેમને લાહોર પોલીસે ત્રણ ગાડીઓ અને એક ડઝન ઘોડાઓને પોતાના કબ્જામાં લીધા જેમને ગેરકાયદેસર રીતે સામાન રાખવા અને લાવવા માટે લઈ જવા માટે ઉપયોગ કર્યા હતા.

સમાચારપત્રોએ આ સમાચારનું મથાળું કંઈક આ પ્રમાણે આપ્યું : 'પાકિસ્તાનના ઇતિહાસનો સ્મગલિંગનો સૌથી મોટો કેસ’ અથવા 'પાકિસ્તાનનો ગોલ્ડ કિંગ’, સેઠ આબિદ પર વૈશ્વિક સ્તરે સ્મગલિંગ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો.

વડા પ્રધાન ભુટ્ટોએ સેઠ આબિદની આંતરરાષ્ટ્રીય દાણચોરી મામલે માટે એક વિશેષ ટ્રિબ્યૂનલની સ્થાપના કરી. આ ટ્રિબ્યૂનલે ડઝન સાક્ષીઓનાં નિવેદન નોંધ્યાં, પરંતુ સેઠ આબિદ અનેક ચેતવણી છતાં ટ્રિબ્યૂનલની સામે હાજર ન રહ્યા.

સેઠની ધરપકડનો મુદ્દો ન માત્ર પાકિસ્તાનીઓની વાતચીતનો ભાગ બની ગયો, પરંતુ ભુટ્ટો સરકાર માટે 'સ્ટેટ રિટ’નો પણ એક ટેસ્ટ કેસ બની ગયો.


પાકિસ્તાનમાં 'મોસ્ટ વૉન્ટેડ’

પાકિસ્તાનમાં મોસ્ટ વૉન્ટેડ વ્યક્તિની શોધ માટે દેશના ઇતિહાસમાં સૌથી મોટું ઑપરેશન લૉન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાન, સૈન્ય, પોલીસ રેન્જર્સ, નેવલ ગાર્ડની રેડની ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.

કરાચીમાં સેઠ આબિદના ઘરે પણ છાપો મારવામાં આવ્યો. ત્યાંથી મોટા પ્રમાણમાં વિદેશી મુદ્રા અને સોનાની ઈંટ જપ્ત થઈ. વર્ષ 1977માં, જ્યારે કરાચી કોસ્ટ ગાર્ડને એ સૂચના મળી કે સેઠ આબિદ ઉત્તરી નાઝિમાબાદમાં પોતાની 'પ્રેમિકા’ને મળવા જઈ રહ્યા છે, તો ત્યાં દરોડો પાડવામાં આવ્યો, પરંતુ આ પહેલાં જ સેઠ આબિદ ત્યાંથી નીકળી ગયા હતા.

સપ્ટેમ્બર 1977માં, સેઠ આબિદે પોતાની મરજીથી ઝિયાની સૈન્ય સરકાર સામે “સ્વેચ્છાએ” આત્મસમર્પણ કર્યું અને પોતાની જપ્ત કરાયેલી સંપત્તિ પરત મેળવવા માટે ચર્ચા કરી.

આ જ વર્ષે ડિસેમ્બરમાં, સૈન્ય સરકારની પ્રેસે કહ્યું કે સેઠે જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર હૉસ્પિટલ (જેપીએમસી)ના નિર્માણની પરિયોજના અને અબ્બાસી શહીદ હૉસ્પિટલના બર્ન વૉર્ડ માટે લેફ્ટેનન્ટ જનરલ જહાંનઝેબ અરબાબને એક લાખ 51 હજાર રૂપિયાનું રોકડું દાન આપ્યું હતું.

સેઠ હવે એક વ્યવસાયિક અપરાધી ન હતા, પરંતુ એક પાક્કા 'દેશ ભક્ત’ બની ગયા હતા, જે આખા દેશ અને સમાજની ભલાઈ માટે ઉદારતાથી દાન આપી રહ્યા હતા.

તેમની આ પ્રસિદ્ધિ ત્યારે વધારે વધી ગઈ જ્યારે તેમનું નામ દેશના 'પરમાણુ કાર્યક્રમ’માં સામે આવ્યું.

'સેઠ આબિદ ઇન્ટરનૅશનલ સ્મગલિંગ કેસ’ ઉપર વર્ષ 1985-86માં પાકિસ્તાનની સંસદમાં ચર્ચા શરૂ થઈ અને આ પછી ચૌધરી નિસાર અલીના અધ્યક્ષ સ્થાને નૅશનલ ઍસેમ્બલીની વિશેષ સમિતિએ આ કેસની જવાબદારી ઉઠાવી.

વર્ષ 1986માં પાકિસ્તાન સેન્ટ્રલ બૉર્ડ ઑફ રેવન્યૂએ ત્રણ હજાર એક સો તોલાં સોનાને પરત કરવાની પરવાનગી આપી. જેને વર્ષ 1958માં કરાચીના ઍરપૉર્ટ પરથી સેઠ આબિદ પાસેથી કસ્ટમ અધિકારીઓએ જપ્ત કર્યું હતું.


સમાજકલ્યાણનું કામ

ઇતિહાસકાર તે સમયે જ એરિક હૉબ્સ બૉમના “સામાજિક ડાકુ” શબ્દની ટીકા કરતા આવ્યા છે. જ્યારે તેમણે આ વાત પર તર્ક આપ્યો હતો, કે અપરાધના ઇતિહાસમાં કેટલાક લોકો આરોપીની હેસિયતથી વધીને નાગરિકનાયક બની શકે છે.

પાકિસ્તાનના સંદર્ભમાં સેઠ આબિદને વ્યાપક રીતે એક એવી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, જેમણે પાકિસ્તાનના “પરમાણુ કાર્યક્રમ”ને વિક્સિત કરવામાં મદદ કરી એક ચોરની ઓળખને લિજેન્ડના રૂપમાં બદલી.

બહેરાં અને મૂંગાં બાળકો માટે કામ કરનારા હમઝા ફાઉન્ડેશન જેવા માનવીય સંગઠનોની સ્થાપ્ના સિવાય, સેઠ આબિદે લાહોરના શૌકત ખાનમ કૅન્સર હૉસ્પિટલ સહિત ઘણી કલ્યાણકારી સંસ્થાઓને આર્થિક મદદ કરી.

જોકે સેઠ પોતાના જીવનમાં પ્રચારથી દૂર રહ્યા, પરંતુ તેમને ઘણી શોહરત મળી. તેમનું નામ રાષ્ટ્રીય સ્તરે તે સમયે મશહૂર થયું. જ્યારે તેમણે એક ટીવી શોમાં હરાજી દરમિયાન પોતાના દીકરા માટે પાંચ લાખનું બૅટ ખરીદ્યું. આ બૅટ જાવેદ મિયાદાદનું હતું, જે તેમણે શારજહાંની ઇનિંગ્સમાં ઉપયોગમાં લીધું હતું.

પછીના જીવનમાં, સમાચાર તેમની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે ન બન્યા. પરંતુ લાહોરમાં તેમના સ્વામિત્વવાળી ઍરલાઇન હાઉસિંગ સોસાયટીમાં, તેમના દીકરા સેઠ હાફિઝ અયાઝ સહમદની હત્યાના કારણે, એક વખત ફરીથી તેઓ સમાચારમાં આવ્યા.

પાકિસ્તાનમાં કોઈ પણ દેશના ઇતિહાસના શરૂઆતના ભાગમાં સેઠ આબિદની જેમ કોઈએ ખોટી રીતે ધન એકઠું નહોતું કર્યું.

પોતાની ગેરકાયદેસર વેપારી કારકિર્દી દરમિયાન, તેમની અનેક ભૂમિકા હતી : ચોર, સોનાના વેપારી, સ્ટૉક માર્કેટ એક્સચેન્જર, પરોપકારી અને સૌથી વધારે, રિયલ એસ્ટેટનું એક મોટું નામ.


અનેક કંપનીઓના માલિક

1990ના દાયકાઓ સુધી, તેઓ લાહોરના વિભિન્ન ક્ષેત્રમાં ઘણી બધી પ્રોપર્ટી રાખવાના કારણે શહેરના સૌથી વધારે સંશાધન રાખનારા પ્રોપર્ટી ડેવલપર તરીકે સામે આવ્યા.

કરાચીમાં તેમની અનેક સંપત્તિ હતી અને પનામા લૅકમાં નામ આવ્યા પછી તેમણે પોતાની સંપત્તિ બ્રિટિશ વર્જિન આઇલૅન્ડમાં ટ્રાન્સફર કરી દીધી.

ચોરીની દુનિયામાં તેમનાં કારનામાં વિશે ઘણી બધી કહાણી મોજૂદ છે. સમાચારપત્ર અને સોશિયલ મીડિયા આજે પણ સેઠ આબિદનું રૉમેન્ટિક સ્વરૂપમાં વર્ણન કરે છે અને તેમના ભાગવા અને ગ્લેમરસ જીવન વિશે વાત કરે છે.

જ્યારે સમાચારપત્રોએ તેમને “જાણીતા પાકિસ્તાની ગોલ્ડ કિંગ દાણચોર” તરીકે રજૂ કર્યા ત્યારે, સેઠે તેનો વિરોધ કર્યો. અને પોતાને એવી વ્યક્તિ તરીકે રજૂ કર્યો જેણે સોનાને સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવ્યું.

સેઠ આબિદે લાહોરના એક છાપાના સંપાદકને કહ્યું હતું. : “મને જાણીતો સોનાનો દાણચોર કેમ કહેવામાં આવે છે? હું મારી બહેન અને દીકરીઓનાં લગ્ન માટે સસ્તું સોનું ઉપલબ્ધ કરાવી રહ્યો છું. હું સમાજ અને દેશ માટે સેવા કરી રહ્યો છું. પ્રશંસા અને માન્યતા મળવાની જગ્યાએ બદનામી મળી.”

સેઠ આબિદનું હવે મૃત્યુ થઈ ગયું છે. પરંતુ તેમનું વ્યક્તિત્વ આવનારા દિવસોમાં અનેક રૂપ અને અર્થમાં જીવિત રહી શકે છે.



https://www.youtube.com/watch?v=oj2ISQiV_i0

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The 'Gold King' of Pakistan, who beat India in gold smuggling
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X