બર્ડ ફ્લૂ : ગુજરાત સહિત દેશમાં સ્થિતિ કેટલી ગંભીર છે?
ભારતમાં પાંચ રાજ્યોમાં H5N1 એટલે એવિયન ઈંફ્લૂએન્ઝા વાઇરસ (બર્ડ ફ્લૂ)ના કેસો નોંધાતા રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, કેરલ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં બર્ડ ફ્લૂએ દેખા દેતા રાજ્ય સરકારોને અટકાયતી પગલાં લેવા પડ્યાં છે.
મંગળવારે કર્ણાટકના આરોગ્યમંત્રી ડૉ. કે સુધાકરે આરોગ્ય અધિકારીઓને બર્ડ ફ્લૂના વધતા કેસોને લઈ સજાગ રહેવાની સુચના આપી હતી.
ધ ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર ડૉ. કે સુધાકરે જણાવ્યું કે રાજ્યમાં હજુ સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી પરતું સરહદ વિસ્તારમાં આવેલા જિલ્લાઓમાં આરોગ્ય અધિકારીઓને ઍલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારે પણ પશુપાલન વિભાગને ઍલર્ટ કરી દીધો છે. ધ હિંદુ બિઝનેસલાઇન અનુસાર પશુપાલન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અનુપ કુમારે જણાવ્યું કે સોલાપુર જિલ્લામાં આવેલી ઉજાણી ડેમ સાઇટ, જ્યાં પ્રવાસી પક્ષીઓ આવે છે, ત્યાં સતત નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રમાંથી પક્ષીઓનાં મૃત્યુના સમાચાર છે પરંતુ હજી કોઈ સત્તાવાર કેસ સામે આવ્યો નથી.
બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતા ગુજરાતના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેસો નોંધાતા રાજ્ય સરકાર દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.
"તમામ જગ્યાએ જ્યાં પક્ષીઓ આવે છે ત્યાં જરુરી સુચના આપી દેવામાં આવી છે. વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં જો કોઈ કેસ નોંધાય તો રાજ્ય સરકાર ત્વરિત કાર્યવાહી કરી શકે તે માટે અમે તૈયારીઓ કરી છે. હજુ સુધી રાજ્યમાં બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી."
ભારતમાં શું પરિસ્થિતિ છે?
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલ પૉન્ગ ડેમ લૅકમાં આશરે 1700 વિદેશી પક્ષીઓ મૃત અવસ્થામાં મળી આવતાં વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે.
એનડીટીવીના અહેવાલ અનુસાર ઘટના બાદ લૅકને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને કાંગડા જિલ્લાના અમુક વિસ્તારોમાં મરઘાં, ઈંડા, માછલી અને માંસના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર હરિયાણાના બરવાલામા આવેલ 20 પૉલ્ટ્રી ફાર્મોમાં લાખો મરધીઓનું મૃત્યુ થતાં રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો છે.
રાજ્યનો પશુપાલન અને ડેરી વિભાગ પક્ષીઓનાં મૃત્યુ અંગે તપાસ કરી રહ્યો છે અને 80 નમૂના લઈને વધુ તપાસ માટે જલંધરની લૅબમાં મોકલવમાં આવ્યા છે.
કેરલ સરકારે કોટ્ટાયમ અને અલાપુઝા જિલ્લામાં હાઈ-ઍલર્ટ જાહેર કર્યું છે. એનડીટીવીના અહેવાલ અનુસાર અસરગ્રત વિસ્તારોમાં 12000 બતકો મૃત્યુ પામ્યાં છે અને અંદાજીત 36000 બતકોને આવનારા દિવસોમાં મારી નાંખવામાં આવશે.
રાજસ્થાનમાં ઝાલાવાર, કોટા, બારણ, પાલી, જોધપુર અને જયપુર જિલ્લામાં અનેક કાગડા મૃત અવસ્થામાં મળી આવતા રાજ્ય સરકારે ઍલર્ટ જાહેર કરી છે. ઝાલાવાર જિલ્લાનાં બાલાજી વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ન્યુઝ18.કોમના અહેવાલ અનુસાર મધ્ય પ્રદેશના ઈન્દોર, મંદસોર, અગર-માલવા અને ખરગોન જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં કાગડા મૃત મળી આવતાં પશુપાલન વિભાગે નમૂના એકત્ર કરીને લૅબમાં મોકલ્યા હતા અને 4 નમૂનામાં બર્ડ ફ્લૂ મળી આવ્યો છે.
- એ મુસ્લિમ મહિલા જે હિંદુ દંપતી માટે સરોગેટ માતા બન્યાં
- જૅક મા : ચીનના એ અબજોપતિ બિઝનેસમૅન જે બે મહિનાથી ગાયબ છે
બર્ડ ફ્લૂ માનવીઓ માટે કેટલી જોખમી?
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલુએચઓ) અનુસાર H5N1 એક પ્રકારનો ઈંફ્લૂએન્ઝા વાઇરસ છે જે ખૂબ જ ચેપી છે. H5N1થી સંક્રમિત થયા બાદ 60 ટકા લોકો મૃત્યુ પામે છે.
H5N1થી સંક્રમિત પક્ષીઓ, H5N1ના કારણે મૃત્યુ પામેલા પક્ષીઓનાં સંપર્કમાં આવવાથી અથવા H5N1થી દુષિત વાતાવરણમાં જવાથી મનુષ્યોમાં આ રોગ ફેલાય છે.
ડબલુએચઓ અનુસાર મનુષ્યોમાં આ બીમારી સહેલાઈથી ફેલાતી નથી. પરતું વાઇરસના કારણે વ્યક્તિને ઘણી ગંભીર બીમારી થવાનો ખતરો છે, જેમાં મલ્ટિપલ ઑર્ગન ફેઇલ્યોર અને શ્વાસની ગંભીર બીમારી સામેલ છે.
જો વ્યક્તિ બર્ડ ફ્લૂથી સંક્રમિત થાય તો તીવ્ર તાવ, અસ્વસ્થતા, ઉધરસ, ગળામાં દુઃખાવો અને સ્નાયુઓમાં દુઃખાવાની તકલીફ હોઈ શકે છે. દરદીને પેટ અને છાતીમાં દુઃખાવો થવાની સાથે-સાથે ઝાડા પણ થઈ શકે છે. શ્વાસની બીમારી થવાની સાથે મસ્તિષ્કને લાગતી બીમારી પણ થઈ શકે છે.
મનુષ્યોમાં H5N1 બીમારી ક્યારેક-ક્યારેક જોવા મળે છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સંક્રમણ ફેલાતું નથી.
- નવા વર્ષમાં દુનિયાના કયા કયા દેશોમાં ફરી લૉકડાઉનની નોબત આવી?
- ગુજરાતમાં LRD ભરતીનો વિવાદ ફરી વકર્યો, શું છે સમગ્ર મામલો?
નવાપુરથી ગુજરાત આવ્યો હતો બર્ડ ફ્લુ ફેલાયો હતો
ફેબ્રુઆરી 2006માં ગુજરાતમાં બર્ડ ફ્લૂના સંક્રમણનાં કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે આવેલ નવાપુર વિસ્તારમાં પહેલી વાર આ રોગ દેખાયો હતો.
18 ફેબ્રુઆરી 2006ના રોજ મહારાષ્ટ્રના નંદૂરબાર જિલ્લાના નવાપુર ટાઉન અને તાપી જિલ્લા (ત્યારે સુરત જિલ્લો હતો)નાં ઉચ્ચછલમાં H5N1 સંક્રમણે દેખા દીધી હતી. જે બાદ સરકાર સફાળી જાગી હતી અને સંક્રમણને અટકાવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા.
ધ ઇકૉનોમિક ટાઇમ્સ અનુસાર બર્ડ ફ્લૂને કારણે નવાપુરમાં સ્થિત મરઘાં વ્યવસાયને 26 કરોડ રુપિયાનું નુકસાન થયું હતું.
સંક્રમણના કારણે 12 લાખ મરધાં મારી નાંખવામાં આવ્યા હતા જ્યારે 3.4 લાખ કિલો મરઘાંનો ખોરાક, 7 લાખ ઈંડા અને 93800 ક્વિન્ટલ કાચો માલને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.
ઉચ્ચછલ તાલુકામાં પણ સંક્રમણ ન ફેલાય તે માટે આશરે 73000 મરઘાંને મારી નાંખવામાં આવ્યા હતા અને હજારોની સંખ્યામાં ઈંડા નષ્ટ કરવામાં આવ્યા હતાં.
27 વર્ષના ખેડૂત ગણેશ સોનકર H5N1થી સંક્રમિત થતાં મૃત્યુ પામ્યા હતા.H5N1 વાઇરસ ફેલાઈ જતા ગુજરાતમાં મરઘાંના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
બર્ડ ફ્લૂનો ઇતિહાસ
1996માં આ વાઇરસ સૌપ્રથમ ચીનમાં દેખા દીધી હતી. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન વેબાસાઇટ અનુસાર ચીનમાં એક હંસની અંદર સૌપ્રથમ આ વાઇરસ મળી આવ્યો હતો.
1997માં હૉંગકૉંગમાં મનુષ્યો પણ એશિયન H5N1થી સંક્રમિત થયા હતા. ત્યારબાદ આફ્રિકા, યુરોપ, એશિયા અને મધ્યપૂર્વના 50થી પણ વધુ દેશોમાં આ વાઇરસ મળી આવ્યો.
એશિયન H5N1 વાઇરસને બાંગ્લાદેશ, ચીન, ઇજિપ્ત, ભારત, ઇન્ડોનિશયા અને વિયેતનામમાં સ્થાનિક માનવામાં આવે છે.
2003માં આ વાઇરસે ફરીથી દેખાયો અને અત્યાર સુધી આ વાઇરસના કારણે એશિયા, આફ્રિકા, યુરોપ અને મધ્યપૂર્વમાં 200 મિલિયન મરઘાં કાં તો મૃત્યુ પામ્યા છે અથવા મારી નાખવા આવ્યાં છે. વાઇરસના કારણે 171 વ્યક્તિઓ સંક્રમિત થઈ અને 93 લોકો મૃત્યુ પામ્યાં છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો