100થી વધુ ગામોના આદિવાસીઓ રસ્તા પર કેમ ઊતરી આવ્યા છે?
છત્તીસગઢના માઓવાદી પ્રભાવિત કાંકેર જિલ્લામાં સીમા સુરક્ષાદળ (બીએસએફ)ના બે કૅમ્પને હઠાવવાની માગને લઈને આદિવાસીઓનો વિરોધ દિવસે-દિવસે વધી રહ્યો છે. પખાંજૂરમાં 100 કરતાં વધુ ગામોના આદિવાસીઓ છેલ્લા છ દિવસથી દેખાવો કરી રહ્યા છે.
'સર્વ આદિવાસી સમાજ'ના આ આંદોલનના સમર્થનમાં 56થી વધુ જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચોએ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે.
આ પંચાયતના પ્રતિનિધિઓનો દાવો કરી રહ્યા છે કે જો સરકાર દ્વારા આ કૅમ્પને નહીં ખસેડવામાં આવે તો જિલ્લાનાં બધા સરપંચ રાજીનામું ધરી દેશે.
પ્રદર્શન કરી રહેલા આદિવાસીઓનો આક્ષેપ છે કે કાંકેર જિલ્લાના કરકાઘાટ અને તુમીરઘાટ પર આવેલાં તેમના ધાર્મિક સ્થળને તોડીને બીએસએફ કૅમ્પ બનાવવામાં આવ્યા છે. આદિવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેમની ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ પર થનારા કોઈ પણ હુમલાનો તેઓ પૂરી તાકાતથી વિરોધ કરશે.
જોકે સરકારી અધિકારીઓનું કહેવું છે કે માઓવાદીઓના દબાણ હેઠળ આવીને આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે.
બીબીસી સાથે વાત કરતાં જિલ્લા પોલીસના અધિક્ષક એમ.આર. આહિરે કહે છે કે, "માઓવાદીઓના દબાણના કારણે લોકો વિરોધ કરવા માટે આવ્યા છે. કાંકેર જ નહીં પરંતુ સમગ્ર બસ્તરમાં આવી જ સ્થિતિ ચાલી રહી છે. ફોર્સને તો રસ્તા, નાના-મોટા પુલના બાંધકામ અને વિકાસકાર્યો માટે ત્યાં મૂકવામાં આવી છે."
સુરક્ષાદળોના કૅમ્પ
માઓવાદી પ્રભાવિત બસ્તરમાં સીઆરપીએફ, બીએસએફ, સીએફ અને આઇટીબીપી જેવાં સુરક્ષાદળોના લગભગ 70 હજાર જવાનો તૈનાત છે. આ સૈનિકોને રહેવા માટે જુદાં-જુદાં વિસ્તારોમાં મોટા કૅમ્પ બનાવવામાં આવ્યા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી કૅમ્પની સંખ્યા સતત વધતી જાય છે.
બસ્તરના આઈજી પોલીસ સુંદરરાજ પી. કહે છે, "આ વર્ષે બસ્તરમાં 16 નવા પોલીસ બેઝ કૅમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ કૅમ્પ એવી જગ્યાઓમાં છે, જે માઓવાદથી પ્રભાવિત છે."
સુંદરરાજ પી. દાવો કરી રહ્યા છે કે આ કૅમ્પ શરૂ થવાથી આદિવાસીઓ પર માઓવાદીઓના દબાણમાં ઘટાડો આવ્યો છે.
પરંતુ આદિવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ કૅમ્પ શરૂ થવાથી આદિવાસીઓની રક્ષા કરી શકાતી નથી. ઉલટાનું માઓવાદીના નામે ગામમાં રહેતા લોકોને ત્રાસ આપવામાં આવે છે. આ જ કારણ છે કે આદિવાસીઓ આ કૅમ્પનો વિરોધ કરી રહ્યા છે.
સુરક્ષાદળોના કૅમ્પ હઠાવવાની માગણી સાથે દંતેવાડાની પોટાલીમાં ગયા વર્ષે આદિવાસીઓએ ઘણા દિવસો સુધી દેખાવો કર્યા હતા.
ધાર્મિક આસ્થા
આ જ વર્ષે બીજાપુરના ગંગાલૂરમાં પણ આદિવાસીઓએ કૅમ્પ સામે મોટાપાયે વિરોધ કર્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં દંતેવાડાના ગુમિયાપાલ અલનારમાં હજારો આદિવાસીઓએ કૅમ્પનો વિરોધ કરતા દેખાવો કર્યા હતા.
હાલમાં કરકાઘાટ અને તુમીરઘાટના જે કૅમ્પનો આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે, તેના વિશે આદિવાસીઓનું કહેવું છે કે આ કૅમ્પ તેમનાં ધાર્મિક સ્થળોને તોડીને બનાવવામાં આવ્યા છે.
આદિવાસી નેતા લચ્છૂ ગાવડે કહે છે, "કરકાઘાટ અને તુમીરઘાટની જે જગ્યા પર કૅમ્પ બનાવવામાં આવ્યા છે ત્યાં ઘણા આદિવાસી સમાજના લોકો પૂજા કરતા આવ્યા છે."
"તે અમારું દેવીસ્થળ હતું. એ જગ્યાની આજુ-બાજુ માઝી-મુખીનો મઠ હતો, જેને પણ તોડી પાડવામાં આવ્યો છે. જો કોઈનું મંદિર અથવા મસ્જીદ તોડી પાડવામાં આવી હોત તો શું થાત? અમે આદિવાસી લોકો પ્રકૃતિની પૂજા કરીએ છીએ. અમારા પૂજાસ્થળને તોડી પાડવામાં આવ્યું છે અને એટલા માટે આદિવાસીઓ કૅમ્પનો વિરોધ કરી રહ્યા છે."
શરૂઆતમાં થોડા દિવસો માટે આદિવાસીઓએ આ કૅમ્પ સામે દેખાવો કર્યા અને જ્યારે કોઈએ તેમની વાત ન સાંભળી ત્યારે તેઓ અનાજ-પાણી લઈને પખાંજૂર વિસ્તારમાં આવી ગયા.
છેલ્લા 6 દિવસથી 100થી વધુ ગામના અસંખ્ય આદિવાસી સ્ત્રીઓ - પુરુષો રસ્તા પર બેઠા છે.
પેસા (PESA) કાયદો
આદિવાસી બહુમતિ ધરાવતો સમગ્ર બસ્તર વિસ્તાર બંધારણના પાંચમાં પરિશિષ્ટનો વિસ્તાર છે. આ વિસ્તારમાં 1996માં બનેલા 'પંચાયત ઍક્સ્ટેન્શન ઈન શિડ્યૂલ ઍરિયા' (PESA) કાયદો લાગુ પડે છે, જ્યાં ગ્રામસભાની પરવાનગી વગર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી ન શકાય.
આ જ કારણસર આદિવાસીઓની માગણી પર પગલા લેવામાં ન આવ્યા ત્યારે જિલ્લાપંચાયતના એક સભ્ય, ગ્રામપંચાયતના સાત સભ્ય અને 46 સરપંચોએ પોતાનાં પદોથી રાજીનામાં આપી દીધાં.
ગોંડવાના ગણતંત્રપાર્ટીના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જિલ્લાપંચાયતના સભ્ય હેમલાલ મરકામ કહે છે, "જે નવા કૅમ્પ બાંધવામાં આવ્યા છે, તે વિસ્તારની પંચાયતવ્યવસ્થા સાથે સંકળાયેલી વ્યક્તિઓ, માંઝી, પ્રમુખ, ગાયતા અથવા પટેલ જેવા પારંપરિક પ્રતિનિધીઓ સાથે આ કૅમ્પો સ્થાપતા પહેલાં કોઈ માહિતી આપવામાં આવી નહોતી."
હેમલાલ મરકામ કહે છે, "મુખ્ય મુદ્દો અમારા બંધારણીય હક સાથે જોડાયેલો છે. બંધારણ કહે છે કે પાંચમાં અને છઠ્ઠા પરિશિષ્ટનો વિસ્તાર એક પ્રતિબંધિત અને આંશિક પ્રતિબંધિત વિસ્તાર છે. અનુચ્છેદ 13-3 ક અમારી ચાલી આવતી પ્રથાને સુરક્ષિત કરવાનો અધિકાર આપે છે. શું તેનું પાલન થઈ રહ્યું છે? જણાઈ આવશે કે અમારા હકોનું ઉલ્લંધન થઈ રહ્યું છે. અમારાં પૂજાસ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે."
પરતું જિલ્લા પોલીસઅધિક્ષક એમ. આર. અહિરેનું કહેવું છે કે જે વિસ્તારમાં કૅમ્પ શરુ કરવામાં આવી રહ્યા છે, ત્યાંના આદિવાસીઓ ખુશ છે કારણકે તેનાથી તેમને મૂળભૂત સુવિધાઓ મળશે. તેમણે દાવો કર્યો હતો કે આદિવાસીઓનાં પૂજાસ્થળોને ક્યાંય પણ હાથ લગાવવામાં આવ્યો નથી.
બીજી બાજુ રાજ્યમાં કૉંગ્રેસ પક્ષના પ્રવક્તા સુશીલ આનંદ શુક્લા કહે છે કે, "જો કોઈ કારણોસર આદિવાસી સમાજની ધાર્મિક લાગણી દુભાઈ હોય અથવા સરકાર અને આદિવાસીઓ વચ્ચે કોઈ સંવાદહીનતાની સ્થિતિ ઉદ્ભવી હોય તો તે અમે જોઈશું."
તેમણે કહ્યું કે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આદિવાસી સમાજની આસ્થા સાથે કોઈ પણ પ્રકારની રમત ન રમવામાં આવે.
જોકે વિરોધ કરી રહેલ આદિવાસીઓ અને અધિકારીઓ વચ્ચે બે-ત્રણ રાઉન્ડની વાતચીત થઈ છે, પરંતુ આદિવાસીઓ કૅમ્પ હઠાવવા સિવાય કોઈ વાતે માનવા તૈયાર નથી.
બીજી બાજુ પંચાયતના પ્રતિનિધિઓનાં રાજીનામાંના કારણે વિરોધને બળ મળ્યું છે.
બીજા જિલ્લાઓ અને અન્ય રાજ્યોથી પણ લોકો પ્રદર્શનસ્થળ પર આવી રહ્યા છે. આવામાં માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં આદિવાસીઓનો આ વિરોધ વધુ તીવ્ર બનશે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=mKf5IaljoWU
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો