• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020 : નરેશ કનોડિયા સહિતના એ જાણીતા ચહેરા, જેમણે દુનિયામાંથી વિદાય લીધી

By BBC News ગુજરાતી
|

વર્ષ 2020 પૂરું થવા જઈ રહ્યું છે. વિશ્વમાં આ વર્ષ ઐતિહાસિક ઘટનાઓ માટે યાદ રહેશે.

એક વાઇરસને કારણે શરૂ થયેલી કોરોના મહામારીને કારણે આખી દુનિયામાં લાખો લોકોનાં મૃત્યુ થયાં છે.

કોરોના વાઇરસની મહામારી સામે હાલમાં પણ ભારત સહિત આખી દુનિયા લડી રહી છે તો આ જ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર આ દુનિયાને અલવિદા કહી દીધી છે.

આ જાણીતા ચહેરોમાં ઇરફાન ખાન, સુશાંતસિંહ રાજપૂત, ઋષિ કપૂર, નરેશ કનોડિયા, મહેશ કનોડિયા વગેરેનો સમાવેશ થાય છે.


નરેશ કનોડિયા-મહેશ કનોડિયા

https://www.youtube.com/watch?v=KK6z2B03nrc

ગુજરાતી ફિલ્મજગતના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું 27 ઑક્ટબર, 2020માં નિધન થયું હતું.

નરેશ કનોડિયાને કોરોના વાઇરસનો ચેપ લાગતા તેમને અમદાવાદની યૂએન મહેતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું હતું.

તો નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાનું પણ લાંબી બીમારી બાદ 25 ઑક્ટોબર, 2020માં નિધન થયું હતું.

ગુજરાતી ફિલ્મજગતમાં મહેશ-નરેશની જોડી ખૂબ જાણીતી હતી અને તેઓએ અનેક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું.

નરેશ કનોડિયાનો જન્મ અમદાવાદમાં થયો હતો. નરેશ કનોડિયાનું મૂળ વતન મહેસાણા જિલ્લાનું કનોડા ગામ.

તેમનો પરિવાર વણાટકામ કરતો હતો, બાદમાં પરિવાર અમદાવાદ આવીને વસ્યો હતો અને પછી મુંબઈમાં સ્થાયી થયો હતો.

નરેશ કનોડિયાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકે ભૂમિકા ભજવી. તેમનો એક જમાનો હતો, તેઓ ચાહકોમાં ઘણા લોકપ્રિય હતા.

નરેશ કનોડિયા જ્યારે છ માસના હતા ત્યારે તેમનાં માતાનું અવસાન થયું હતું.

એક સમયે મુંબઈમાં 'મહેશકુમાર ઍૅન્ડ' પાર્ટી ઘણી લોકપ્રિય હતી. એમાં નરેશ કનોડિયા સ્ટેજ પર આવીને અલગઅલગ કલાકારોની મિમિક્રી કરતા અને લોકોને હસાવતા હતા.

નરેશ કનોડિયા સ્ટેજ પર જૉની વૉકરના ગીત પર નૃત્ય કરતા અને લોકો તેમને 'જૉની જુનિયર' તરીકે ઓળખતા.

નરેશ કનોડિયાની જાણીતી ફિલ્મોમાં 'મેરુમાલણ', 'રાજરાજવણ', 'લાજુલાખણ', 'ભાથીજી મહારાજ', 'મેરુમુળાંદે', 'મોતી વેરાણાં ચોકમાં', 'વણઝારી વાવ', 'ઢોલામારુ', 'કડલાની જોડ', 'રાજરતન' સહિતની અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.

1969થી નરેશ કનોડિયાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ હતી, તેમની પહેલી ફિલ્મ હતી 'વેલીને આવ્યાં ફૂલ.' આ ફિલ્મ બ્લૅક ઍન્ડ વ્હાઇટ હતી.

https://www.youtube.com/watch?v=NrAWgjyXdzA&t=87s

વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં નરેશ કનોડિયા વડોદરાની કરજણ (એસ.સી.) સીટ પરથી ભાજપના ધારાસભ્ય બન્યા હતા.

તો નરેશ કનોડિયાને 'દાદાસાહેબ ફાળકે' ઍવૉર્ડ પણ મળ્યો હતો.

મહેશ કનોડિયાનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામે થયો હતો. બાદમાં તેમનો પરિવાર અમદાવાદમાં આવી વસ્યો હતો.

મહેશ કનોડિયાને નાનપણથી સંગીત સાંભળવાનો અને ગાવાનો શોખ હતો.

અમદાવાદથી તેઓ મુંબઈ પહોંચ્યા હતા અને સંગીતની સફર શરૂ કરી હતી. તેઓ જાણીતાં ગાયિકા લતા મંગેશકર સહિત અનેક ગાયકોના અવાજ કાઢી શકતા હતા.

મહેશ કનોડિયાએ મહેશકુમાર ઍન્ડ પાર્ટીની શરૂઆત કરી હતી. જેના દેશવિદેશમાં 15000થી વધુ શો થયા હતા.


આશિષ કક્કડ

ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક, નાટ્યકાર, લેખક અને અભિનેતા આશિષ કક્કડનું 2 નવેમ્બર, 2020માં કોલકાતામાં નિધન થયું છે.

આશિષ કક્કડને ઊંઘમાં હાર્ટ-ઍટેક આવ્યો હતો. તેઓ પોતાના પુત્રનો જન્મદિન ઉજવવા માટે આશિષ કોલકાતામાં હતા.

અર્બન ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કરવાનું શ્રેય આશિષ કક્કડને જાય છે.

તેમણે અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલ અને નેહા મહેતાને લઈને બનાવેલી 'બૅટર હાફ' ગુજરાતી ફિલ્મોમાં મૉર્ડન ફિલ્મોની આબોહવા ઊભી કરનારી ફિલ્મ ગણાય છે. તેમણે 'મિશન મમ્મી' નામની ગુજરાતી ફિલ્મ પણ બનાવી હતી.

આશિષ કક્કડ વૉઇસ આર્ટિસ્ટ પણ હતા અને તેમણે કેટલીક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. હિંદી ફિલ્મ 'કાઇપો છે'માં પણ તેમણે ભૂમિકા ભજવી હતી.

બીસીસી હિન્દી માટે લખેલા લેખમાં સુપ્રિયા સોગલેએ દેશના અન્ય કેટલાક સેલિબ્રિટીઝ અંગે વાત કરી, જેણે આ દુનિયામાં વિદાય લીધી હતી.


ઇરફાન ખાન

પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ઇરફાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોમાંના એક હતા.

વર્ષ 1988માં "સલામ બૉમ્બે"થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનારા ઇરફાન ખાને પોતાની કાબેલિયતના દમ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હૉલીવૂડમાં એક અલગ મુકામ હાંસલ કર્યો હતો.

ઘણા યુવાકલાકારો માટે તેઓ પ્રેરણાસ્રોત પણ બન્યા. વર્ષ 2018માં ઇરફાન ખાને ટ્વિટરના માધ્યમથી જણાવ્યું કે તેમને ન્યૂરોએડોક્રિન ટ્યુમર છે.

તેઓ સારવાર માટે એક વર્ષ યૂકે પણ ગયા હતા. પરત ફરીને તેમણે ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં કામ પણ કર્યું હતું.

કોરોના લૉકડાઉન દરમિયાન તેઓ 28 એપ્રિલ, 2020માં કોલન ઇન્ફેક્શનને કારણે હૉસ્પિટલમાં ભરતી થયા હતા અને બીજા દિવસે 29 એપ્રિલે 53 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી.

માત્ર ચાર દિવસ પહેલાં તેમનાં માતા સઇદા બેગમનું જયપુરમાં નિધન થયું હતું.

ઇરફાને કરેલી યાદગાર ફિલ્મોમાં 'લાઇફ ઑફ પાઇ', 'નેમસેક', 'પાનસિંહ તોમર', 'મકબૂલ', 'ધ લંચબૉક્સ', 'સ્લમ ડૉગ મિલિયોનેર', ''ઇન્ફર્નો', 'હાસિલ', 'પીકુ', 'હિન્દી મીડિયમ', 'તલવાર' વગેરેનો સમાવેશ થાય છે.


ઋષિ કપૂર

ફિલ્મપ્રેમીઓ અભિનેતા ઇરફાન ખાનના નિધનથી દુખી હતા અને બીજા દિવસે 30 એપ્રિલે જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું કૅન્સરને કારણે નિધન થયું.

વર્ષ 2018માં તેઓને લ્યુકેમિયાનું નિદાન થયું હતું અને તેઓ સારવાર માટે ન્યૂયૉર્ક પણ ગયા હતા.

એક વર્ષની સફળ સારવાર કરાવી આવેલા ઋષિ કપૂરને 29 એપ્રિલે શ્વાસ લેવામાં તકલીફ થતા હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજી દિવસે તેઓએ 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શોમૅન કહેવાતા રાજ કપૂરના બીજા પુત્ર ઋષિ કપૂરે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત બાળકલાકારના રૂપમાં કરી હતી.

હીરો તરીકે તેઓ 1973માં ફિલ્મ 'બૉબી'થી લૉન્ચ થયા હતા, જેણે તેમને રોમૅન્ટિક હીરોનો દરજ્જો અપાવ્યો હતો અને આ છબિ તેમની ત્રણ દશક સુધી જળવાઈ રહી હતી.

આ ઇમેજને વર્ષ 2012માં બનેલી ફિલ્મ અગ્નિપથે તોડી, જેમાં તેઓ પહેલી વાર નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા હતા.

પચાસ વર્ષની ફિલ્મ કારકિર્દીમાં ઋષિ કપૂરે અનેક રોલ અદા કર્યા, જેમાં 'અમર અકબર ઍન્થોની', પ્રેમરોગ', 'કર્ઝ, 'સાગર', 'ચાંદની', 'હિના', 'દીવાના', 'બોલ રાધા બોલ', 'દામિની', 'લક બાય ચાન્સ', 'લવ આજકાલ', 'દો દૂની ચાર', 'ડી કે', 'કપૂર ઍન્ડ સન્સ', '102 નૉટઆઉટ' અને 'મુલ્ક' સામેલ છે.


સુશાંતસિંહ રાજપૂત

નાના શહેરથી બોલીવૂડનું સપનું લઈને મુંબઈ આવેલા સુશાંતસિંહ રાજપૂતને એકતા કપૂરની 2010માં સિરિયલ 'પવિત્ર રિશ્તા'થી કલાકાર તરીકે પ્રસિદ્ધિ મળી.

2013માં ફિલ્મ 'કાઈ પો છે'થી તેઓએ પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે નીરજ પાંડેની બાયૉપિક ફિલ્મ 'એમએસ ધોની : ધ અનટૉલ્ડ સ્ટોરી'એ તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ અપાવ્યું.

પોતાની સાત વર્ષની ફિલ્મી કારકિર્દીમાં સુશાંતસિંહ રાજપૂતે પોતાની અભિનયક્ષમતનો દર્શકોને પરિચય કરાવ્યો, જેમાં 'છિછોરે', 'સોનચિરૈયા', 'કેદારનાથ', 'ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી', 'પીકે' સામેલ છે.

14 જૂન, 2020માં સુશાંતસિંહ પોતાના ઘરે પંખા પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા.

34 વર્ષની વયે તેમના અકાળે થયેલા મૃત્યુએ આખા દેશમાં આત્મહત્યા કે મર્ડરની ચર્ચા છેડી દીધી હતી. હાલમાં આ મામલો સીબીઆઈ પાસે છે અને તેનો અંતિમ રિપોર્ટ આવ્યો નથી.

જોકે AIIMSએ સુશાંતસિંહ રાજપૂત કેસને આત્મહત્યા જાહેર કરી દીધો છે. તેમના મૃત્યુ પછી તેમની ફિલ્મ 'દિલ બેચારા' રિલીઝ થઈ હતી.


રાહત ઇન્દોરી

કોરોનાની લડત દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા ઉર્દૂના મશહૂર કવિ અને બોલીવૂડ ગીતકાર રાહત ઇન્દોરીનું 11 ઑગસ્ટ, 2020માં નિધન થયું હતું. તેઓ 70 વર્ષના હતા.

રાહત ઇન્દોરીનો જન્મ 1 જાન્યુઆરી, 1950માં થયો હતો.

તેઓએ ઇન્દોરની નૂતન સ્કૂલમાંથી હાયર સેકેન્ડરીનો અભ્યાસ કર્યો હતો.

ઇન્દોરની ઇસ્લામિયા કરીમિયા કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓએ બરકતુલ્લાહ વિશ્વવિદ્યાલયમાંથી એમએ કર્યું હતું.

છેલ્લાં 40-50 વર્ષથી તેઓ મુશાયરા અને કવિ સંમેલનોમાં શાયરીઓ વાંચતા હતા.

તેઓ યુવાઓમાં પણ ખાસ્સા લોકપ્રિય હતા. તેમની અનેક કવિતાઓ સોશિયલ મીડિયામાં પર એ સમયે વાઇરલ થઈ હતી.

તેઓએ 'સર', 'ખુદ્દાર', 'મર્ડર', 'યારાના', 'હમેશા', 'મુન્નાભાઈ એમબીબીએસ', 'મીનાક્ષી', 'કરીબ', 'મિશન કાશ્મીર' જેવી ફિલ્મોમાં ગીત લખ્યાં હતાં.


એસપી બાલાસુબ્રમણ્યમ

74 વર્ષની વયે પદ્મભૂષણથી સન્માનિત ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું હતું.

પોસ્ટ કોરોનાની જટિલતાઓને કારણે તેઓએ 25 સપ્ટેમ્બર, 2020માં અંતિમ શ્વાસ લીધા હતા.

સંગીતજગતમાં સૌથી જાણીતા ગાયકોની સૂચિમાં સામેલ બાલાસુબ્રમણ્યમે 40 હજારથી વધુ ગીતો ગાયાં હતાં.

તેઓએ તામિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષામાં ગીતો ગાયાં હતાં.

એક સમયે તેઓ સલમાન ખાન પર ફિલ્માવાયેલાં બધાં ગીત ગાતાં હતાં, તેઓ સલમાન ખાનના અવાજ તરીકે પણ જાણીતા હતા.

બાલાસુબ્રમણ્યમને છ વાર રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

તેમનાં હિન્દી હિટ ગીતોમાં ફિલ્મ 'મૈને પ્યાર કિયા'નાં ગીતા અને ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'નાં ગીત સહિત સાજન ફિલ્મનાં 'દેખા હૈ પહલી બાર' અને 'બહુત પ્યાર કરતે હૈ તુમકો સનમ' સામેલ છે.

તેમનાં ગીતોમાં 'યે હસીન વાદિયાં' અને 'સાથિયા તૂને ક્યા' પણ ઘણાં લોકપ્રિય થયાં હતાં.


બાસુ ચેટરજી

93 વર્ષના જાણીતા ફિલ્મ નિર્દેશક બાસુ ચેટરજીનું 4 જૂન, 2020માં નિધન થયું હતું.

બે વાર રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારા બાસુ ચેટરજીએ 70 અને 80ના દશકમાં મધ્યમ પરિવારને કેન્દ્રમાં રાખીને ખૂબસૂરત કહાણીઓ દર્શકો સામે મૂકી હતી.

તેમાં 'રજનીગંધા', 'પિયા કા ઘર', 'ચિતચોર', 'છોટી સી બાત', 'સ્વામી', 'ખટ્ટા-મીઠા', 'બાતોં-બાતોં મેં', 'ચમેલી કી શાદી', 'મનપસંદ', 'અપને-પરાયે' જેવી ફિલ્મો સામેલ છે.


જગદીપ

જાણીતી ફિલ્મ 'શોલે'માં મશહૂર 'સૂરમા ભોપાલી'નું પાત્ર ભજવનારા પ્રસિદ્ધ કલાકાર જગદીપનું 81 વર્ષની વયે 8 જુલાઈએ નિધન થયું હતું.

અંદાજે 70 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં જગદીપે ઘણાં યાદગાર પાત્ર ભજવ્યાં હતાં. પણ શોલે ફિલ્મના સૂરમા ભોપાલી માટે તેમને વર્ષો સુધી યાદ રખાશે.

તેઓ એક હાસ્ય કલાકાર તરીકે ઓળખાતા હતા.

તેઓએ અંદાજે 400 ફિલ્મોમાં કામ કર્યું, જેમાં 'મુન્ના', 'આર-પાર', 'દો બીઘા જમીન', 'બ્રહ્મચારી', 'ભાભી', 'દો ભાઈ', 'ખિલૌના', 'રોટી', 'અપના દેશ', 'તુફાન', 'કુરબાની', 'ફૂલ ઔર કાંટે', 'જમાઈ રાજા' અને 'અંદાજ' સામેલ છે.



https://www.youtube.com/watch?v=Gzq3Akg3FCU

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
2020: Famous faces, including Naresh Kanodia, who passed away
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X