પક્ષને વધુ સારી સ્થિતિમાં લાવવા માટે કોંગ્રેસે 4 રાજ્યોમાં શરૂ કર્યા ફેરફાર
નવી દિલ્લીઃ કોંગ્રેસમાં ચાલી રહેલ આંતરિક કલેશ વચ્ચે નવા કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની તૈયારી થઈ રહી છે. આવતા વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને પાર્ટીને વધુ સારી સ્થિતિમાં લાવવા માટે કોંગ્રેસ ઘણા મોટા ફેરફાર કરી રહી છે. આ ક્રમમાં પાર્ટી ચાર રાજ્યો - તેલંગાના, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ફેરફાર કરવા જઈ રહી છે. આને જોતા તેલંગાના કોંગ્રેસ અધ્યક્ષ ઉત્તમ કુમાર રેડ્ડીએ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં પાર્ટીની હાર અને ખરાબ પ્રદર્શનની જવાબદારી લઈને પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે.
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પણ પેટા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લઈને પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, જે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે અને કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પણ છે અને જેમણે પાર્ટીના 23 અસંતુષ્ટ નેતાઓ સાથે મોટા નેતૃત્વની બેઠક કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે, તેમના પર પણ પદ છોડવાનુ દબાણ કરવામાં આવ્યુ છે.
શનિવારે કોંગ્રેસે મુંબઈ સ્થાનિક કોંગ્રેસ કમિટીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. લગભગ દોઢ વર્ષ બાદ અશોક અર્જૂન રાવ જગતાપને કોંગ્રેસના મુંબઈ એકમના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. બાલાસાહેબ થોરાટની આગેવાનીમાં મુંબઈ કોંગ્રેસ માટે સ્ક્રીનિંગ તેમજ રણનીતિ સમિતિ પણ બનાવવામાં આવી છે. બાલાસાહેબ થોરાટ હાલમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ છે અને મહારાષ્ટ્ર કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પણ છે.
ક્યારે થશે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી?
કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલના જણાવ્યા મુજબ પાર્ટી જલ્દી એક નવા અધ્યક્ષની ચૂંટણી કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આ ચૂંટણી પ્રક્રિયામાં AICC, કોંગ્રેસના ઈલેક્ટોરલ કૉલેજ, સભ્ય અને કાર્યકર્તા શામેલ થશે. અત્યારે પાર્ટીના 99.9 ટકા સભ્ય રાહુલ ગાંધીને અધ્યક્ષ તરીકે જોવા માંગે છે. જો કે તેમણે ચૂંટણીની તારીખ વિશે કંઈ કહ્યુ નથી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પશ્ચિમ બંગાળ, અસમ અને તમિલનાડુની ચૂંટણી પહેલા કોંગ્રેસને નવા અધ્યક્ષ મળી જશે.
ખેડૂતોની આજથી ભૂખ હડતાળ, સરકારે મોકલ્યુ વાતચીતનુ આમંત્રણ