જામનગરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય? - Top News
ગુજરાત સરકારના એક અધિકારીએ માહિતી આપતાં કહ્યું હતું કે ગુજરાતના જામનગર જિલ્લામાં પ્રાણી સંગ્રહાલય બનાવાશે. જે વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયો પૈકી એક હશે.
NDTV ડોટ કૉમના એક અહેવાલ અનુસાર શુક્રવારે મુખ્ય મંત્રી કાર્યાલયના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ પ્રાણી સંગ્રહાલય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવવામાં આવશે.
ASSOCHAM ફાઉન્ડેશન વીક અંતર્ગતે એક વર્ચ્યુઅલ કૉન્ફરન્સમાં તેમણે આ જાહેરાત કરી હતી.
તેમણે આ વિશે કહ્યું હતું કે, “જેમ આપણે બધા જાણીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગુજરાતમાં છે. તેમ પ્રાણીઓની સંખ્યા અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ટૂંક સમયમાં જામનગરમાં બનવા જઈ રહ્યું છે.”
સેન્ટ્રલ પ્રાણી સંગ્રહાલય ઑથૉરિટી દ્વારા અપલોડ કરાયેલ વિગતો અનુસાર આ નવા પ્રાણી સંગ્રહાલયનું નામ 'ગ્રીન્સ ઝૂલોજિકલ રેસ્ક્યૂ ઍન્ડ રિહેબિલિટેશન કિંગડમ’ હશે, જે 250.1 એકરમાં ફેલાયેલું હશે.
ગુજરાત : 20 શહેરો અને 612 ગામડાંને પાણી પૂરું પાડતી પાઇપલાઇનના કામનું ઉદ્ઘાટન કરાયું
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શનિવારે બુધેલથી બોરડા સુધીના પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર આ પ્રોજેક્ટ થકી ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથનાં 20 શહેરો અને 612 ગામડાંના 43 લાખ લોકો પાણી પહોંચાડવામાં આવશે.
આ પાઇપલાઇનનું કામ પૂરું થયા બાદ જૂન 2022 સુધીમાં ભાવનગરના તળાજા અને મહુવા, અમરેલીના જાફરાબાદ અને રાજુલા અને ગીર-સોમનાથ જિલ્લાના ઉના અને કોડિનાર તાલુકા વૉટર ગ્રીડ સાથે જોડાઈ જશે.
ભવિષ્યમાં આ વૉટર ગ્રીડ મારફતે સોમનાથ મંદિરમાં શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.
'કોરોનાની રસી માટે 12 દેશોએ ભારતનો સંપર્ક સાધ્યો’
શનિવારે કોવિડ-19 અંગેની હાઇ-લેવલ ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ મિટિંગ દરમિયાન નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલે કહ્યું કે ભારતને કોરોના વાઇરસની રસી માટે 12 દેશો પાસેથી વિનંતી મળી છે.
હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે આ બેઠક દરમિયાન ડૉ. પોલે ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સને ભારતમાં ટ્રાયલ હેઠળ રહેલી રસીઓ, તેમના ઉત્પાદકો, ડોઝની ઉપલબ્ધતા અને સ્ટૉરેજ કંડિશન વિશે માહિતી આપી. આ સિવાય તેમણે રસી ઉપલબ્ધ થઈ જશે ત્યારે કોને પ્રાથમિકતા અપાશે તે અંગે પણ માહિતી આપી.
અહીં નોંધનીય છે કે ડૉ. પૉલના અધ્યક્ષસ્થાને રચાયેલ નૅશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વૅક્સિન ઍડમિનિસ્ટ્રેશ ફોર કોવિડ-19 (NEGVAC)એ રસી ઉપલબ્ધ થાય ત્યારે એક કરોડ હેલ્થકૅર સ્ટાફ, બે કરોડ ફન્ટ લાઇન વર્કરો અને અન્ય માંદગીઓ ધરાવતી 50 વર્ષ કરતાં વધુ વય ધરાવતી વ્યક્તિઓને પ્રથમ અપાશે તેવી ભલામણ કરી છે.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો