મુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી, શ્લોકા અંબાણીએ આપ્યો પુત્રને જન્મ
મુંબઈઃ દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા-દાદી બન્યા છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકાના ઘરે દીકરાનો જન્મ થયો છે. મળતી માહિતી મુજબ આજે સવારે 11 વાગે શ્લોકા અંબાણીએ પુત્રને જન્મ આપ્યો છે. અંબાણી પરિવારની વહુ શ્લોકાએ પુત્રને જન્મ આપતા અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 9 માર્ચ, 2019ના રોજ આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમના લગ્નની ઉજવણીની દેશ સહિત દુનિયાભરમાં નોંધ લેવાઈ હતી. જો કે શ્લોકા તેની ગર્ભાવસ્થા દરમિયાન લાઈમલાઈટથી દૂર જ રહી હતી.

પરિવારમાં ખુશીનો માહોલ
અંબાણી પરિવારની પ્રવકતાએ એક નિવેદનમાં જણાવ્યુ કે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણીના ઘરે પુત્રનો જન્મ થયો છે. માતા અને બાળક બંનેની તબિયત સારી છે. નવા મહેમાનના આગમનથી અંબાણી અને મહેતા પરિવારમાં ખુશીનો માહોલ છે.

9 માર્ચ, 2019માં થયા હતા આકાશ-શ્લોકાના લગ્ન
મહત્વનુ છે કે જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન હીરાના વેપારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે 9 માર્ચના રોજ થયા હતા. આ લગ્નમાં દેશ-વિદેશના મહેમાનો શામેલ થયા હતા. આકાશ-શ્લોકાના લગ્નમાં ઉદ્યોગજગત, બૉલિવુડ, રાજનેતાઓ તેમજ રમતગમત જગતની નામાંકિત હસ્તીઓ પણ લગ્નમાં હાજર રહી હતી. આકાશ અંબાણીના લગ્ન ગુજરાતી રીતિ રિવાજ મુજબ થયા હતા. આકાશ અને શ્લોકાના લગ્નની ચર્ચા આખી દુનિયામાં થઈ હતી.

સોશિયલ મીડિયામાં લોકોએ મજાક કરી હતી કે..
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે 620 કરોડમાં બ્રિટનની રમકડાંની બ્રાન્ડ હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્ઝ લિમિટેડ હસ્તગત કરી હતી એ વખતે સોશિયલ મીડિયામાં લોકો એવી મજાક કરતા હતા કે મુકેશ અંબાણી તેમના આવનારા પૌત્ર કે પૌત્રી માટે રમકડાં ભેગા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ નવા સંસદ ભવનનુ કર્યુ ભૂમિ પૂજન