સીરમ ઈન્સ્ટીટ્યુટે વૉલંટીયરના આરોપોને ફગાવી કહ્યુ - કોવિશીલ્ડ વેક્સીન સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક
નવી દિલ્લીઃ સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાએ સંભવિત કોરોના વાયરસ વેક્સીન કોવિશીલ્ડના પરીક્ષણમાં શામેલ થનાર વૉલંટીયરના આરોપોને એક વાર ફરીથી ફગાવી દીધા છે. કંપનીનુ કહેવુ છે કે કોવિશીલ્ડ એકદમ સુરક્ષિત અને ઈમ્યુનોજેનિક છે. ચેન્નાઈના વાલંટીયર સાથે જે કંઈ થયુ તે વેક્સીનના કારણે નથી થયુ. પરીક્ષણમાં બધા વિનિયામક, નૈતિક પ્રક્રિયાઓ અને દિશા-નિર્દેશોનુ પાલન કરવામાં આવ્યુ છે. ડીએસએમબી અને એથિક્સ કમિટીના પ્રિન્સિપલ ઈન્ટવેસ્ટીગેટરે પણ કહ્યુ છે કે આ મામલો વેક્સીન પરીક્ષણ સાથે સંબંધિત નથી.
કંપની તરફથી આગળ કહેવામાં આવ્યુ છે કે કંપનીની પ્રતિષ્ઠાને સુરક્ષિત રાખવા માટે કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. પ્રતિષ્ઠાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી હતી. તમને જણાવી દઈએ કે કોવિડ-19ની સંભવિત વેક્સીન કોવિશીલ્ડના પરીક્ષણમાં શામેલ થનાર એક વ્યક્તિએ કંપની પર આરોપ લગાવીને કહ્યુ હતુ કે તેને વેક્સીનના કારણે ગંભીર પરિણામ ભોગવવા પડી રહ્યા છે. આનાથી તેના ગંભીર ન્યૂરોલોજિકલ સમસ્યા અને જ્ઞાનેન્દ્રી સંબંધી સમસ્યા સહિત અન્ય મુશ્કેલીઓ થઈ રહી છે. આ આરોપોને કંપનીએ રવિવારે ફગાવી દીધા હતા. સાથે જ કંપનીએ કહ્યુ કે આ આરોપો ખોટા છે અને કંપનીએ ભારે ભરખમ દંડ લગાવવા સુધીની ધમકી પણ આપી દીધી.
40 વર્ષના વૉલંટીયરે સીરમ ઈન્સ્ટીટ્યુટ અને અન્ય પાસે ક્ષતિપૂર્તિ માટે પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા. સાથે જ માંગ કરી હતી કે પરીક્ષણને રોકી દેવામાં આવે. કંપનીએ કહ્યુ કે તે આવા આરોપોથી બચાવ કરશે અને આના માટે 100 કરોડ રૂપિયા સુધીનો માનહાનિનો દાવો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે દુનિયાભરમાં ઘણી કંપનીઓ વેક્સીન વિકસીત કરવાનુ કામ કરી રહી છે. પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા પણ ઑક્સફૉર્ડ યુનિવર્સિટી અને ફાર્માસ્યુટીકલ કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને વેક્સીન પર કામ કરી રહી છે. આ વેક્સીનનુ ભારતમાં પરીક્ષણ થઈ રહ્યુ છે.