અમેરિકાની એ ભૂલ જેણે તેને અવકાશમાં સુપર પાવર બનતાં રોકી દીધું
ચંદ્ર સુધી પહોંચવા માટે એક ચીની વૈજ્ઞાનિકે એક નહીં પરતું બે મહાસત્તાઓની મદદ કરી છે, પરંતુ આ વૈજ્ઞાનિકને માત્ર એક જ દેશમાં યાદ કરાય છે.
કવિતા પુરી લખે છે, શાંઘાઈમાં એક સંગ્રહાલયમાં 'સામાન્ય જનતાના વૈજ્ઞાનિક - કિયાન જ્યૂસેન'ના જીવન સાથે સંકળાયેલી 70,000 વસ્તુઓ મૂકવામાં આવી છે. આ સંગ્રહાલયમાં સંપૂર્ણપણે આ વસ્તુઓ જ સંગ્રહાયેલી છે.
કિયાન જ્યૂસેનને ચીનના મિસાઇલ અને અવકાશ પ્રોગ્રામના જનક ગણવામાં આવે છે. સંશોધનને પરિણામે ચીન અવકાશમાં પોતાનો પ્રથમ ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવા માટે તેના પ્રક્ષેપણ માટેનું રોકેટ બનાવી શક્યું. સાથે જ ચીનના પરમાણુ બેડામાં સામેલ મિસાઇલ બનાવવામાં તેમનું સંશોધન અગત્યનું પુરવાર થયું. તેમને ચીનમાં રાષ્ટ્રીય નાયક માનવામાં આવે છે.
પરંતુ અન્ય એક મહાસત્તા ગણાતા દેશમાં, જ્યાં તેમણે અભ્યાસ કર્યો અને એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું, ત્યાં તેમના નોંધપાત્ર યોગદાનને લોકો ભાગ્યે જ યાદ કરે છે.
કિયાનનો જન્મ 1911માં થયો હતો, આ એ સમય હતો જ્યારે ચીનના અંતિમ રાજપરિવારની સત્તા ગુમાવવાની જઈ રહ્યો હતો અને ચીન એક રાજાશાહી દેશમાંથી ગણતંત્ર બનવા તરફ અગ્રેસર હતું.
તેમનાં માતાપિતા શિક્ષિત હતાં અને જાપાનમાં નોકરી કર્યા બાદ, તેમના પિતાએ ચીનની રાષ્ટ્રીય શિક્ષણતંત્રની સ્થાપના કરી હતી. નાનપણથી જ સ્પષ્ટ થઈ ગયું હતું કે કિયાન ઘણા પ્રતિભાવાન છે અને તેમણે શાંઘાઈની જિયાઓ ટોંગ યુનિવર્સિટીમાં પ્રથમ આવીને દુર્લભ કહી શકાય એવી અમેરિકાની મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી માટેની શિષ્યવૃત્તિ હાંસલ કરી હતી.
1935ની સાલમાં આ સુઘડ અને વેલ-ડ્રેસ્ડ યુવાન બોસ્ટન આવી પહોંચે છે.
- જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ પહેલી વખત ચંદ્રની ખરબચડી જમીન પર ઊતર્યા
- એ પાઇલટની કહાણી, જેણે પત્નીને મળવા નૅવીનું પ્લેન ચોર્યું
યુનિવર્સિટી ઑફ નોર્થ જ્યોર્જિયામાં ઇતિહાસના પ્રોફેસર ક્રિસ જેસ્પરસેન જણાવે છે કે, એવું બની શકે કે કિયાનને ઝેનોફોબિઆ (પરદેશીઓ વિશે તીવ્ર અણગમો કે ડર) અને વંશવાદનો સામનો કરવો પડ્યો હોય. પરંતુ "એક આશા અને વિશ્વાસની ભાવના પણ હતી કે ચીનમાં મૂળભૂત ફેરફારો થઈ રહ્યા છે." અહીં તેઓ ચોક્કસપણે તેમના જ્ઞાનનું સન્માન કરનાર લોકોની વચ્ચે હતા.
તે સમયના સૌથી પ્રભાવશાળી એરનૉટિકલ એંજિનિયર, હંગેરિયન મૂળના, થિયોડોર વૅન કારમન પાસેથી શિક્ષણ મેળવવા કિયાન MITમાં અભ્યાસ કર્યા બાદ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી (કાલટેક) ગયા.
ત્યાં તેઓ બીજા નામાંકિત વૈજ્ઞાનિક ફ્રેન્ક મલિના સાથે ઑફિસ શૅર કરતા હતા, જેઓ સ્યૂસાઇડ સ્કવૉડ નામના એક નાનકડા સંશોધકસમૂહના મુખ્ય સભ્ય હતા.
એસ્કેપ ફ્રોમ અર્થ : અ સિક્રેટ હિસ્ટ્રી ઑફ ધ સ્પેસ રૉકેટના લેખક ફ્રેસર મૅકડૉનાલ્ડ કહે છે, "કૅમ્પસમાં રોકેટ બનાવવાના તેમના પ્રયાસો અને કેટલાક જ્વલનશીલ રસાયણોના પ્રયોગો ખરાબ થવાને કારણે સમૂહને આ ઉપનામ મળ્યું હતું.
તેઓ ઉમેરે છે કે, "જોકે, આ પ્રયોગોમાં કોઈનું મૃત્યુ નિપજ્યું ન હતું"
ગ્રૂપના અગત્યના સભ્ય બન્યા તે પહેલાં કિયાન મલિના અને ગ્રૂપના અન્ય સભ્યો સાથે એક દિવસ એક જટિલ ગાણિતિક સમસ્યાની ચર્ચામાં જોડાયા, આ ચર્ચામાંથી ઉદ્બવેલ સંશોધન રૉકેટ પ્રોપ્લશનના અભ્યાસમાં અંગે મૂળભૂત સાબિત થયું.
મૅકડૉનાલ્ડ કહે છે, "તે દિવસોમાં રૉકેટ વિજ્ઞાન ધૂની વ્યક્તિઓ અને કલ્પનામાં રહેતા લોકોની વિષયવસ્તુ હતી."
"કોઈ પણ વ્યક્તિ આ વિશે ગંભીર નહોતી અને ગણિતમાં રસ ધરાવતા એંજિનિયરો પણ એ કહેવામાં ખચકાટ અનુભવતા કે રૉકેટ વિજ્ઞાન એ જ ભવિષ્ય છે."
પરંતુ, દ્વિતિય વિશ્વ યુદ્ધની શરૂઆત સાથે આ વાત ઝડપથી બદલાઈ ગઈ.
અમેરિકન સૈન્યનું ધ્યાન સ્યૂસાઇડ સ્કવૉડ પર પડ્યું, જેમણે જેટની મદદથી ટૅક-ઑફના સંશોધન માટે નાણાં આપ્યાં. આ તકનીકમાં વિમાનની પાંખમાં બુસ્ટર લગાડવામાં આવતાં હતાં, જેથી તે ટૂંકા રનવેથી પણ હવામાં જઈ શકે.
સૈન્ય દ્વારા મળતી નાણાકીય મદદથી થિયોડોર વૅન કારમનના વડપણ હેઠળ 1943માં જેટ પ્રોપ્લશન લૅબની સ્થાપના કરવામાં આવી. કિયાન અને ફ્રેન્ક મલિના આ પ્રોજેક્ટની મુખ્ય વ્યક્તિ હતા.
ફ્રેસર મૅકડૉનાલ્ડ કહે છે, "કિયાન ચીની નાગરિક હતા, પરંતુ રિપબ્લિક ઑફ ચાઈના અમેરિકાનું મિત્ર હતું અને એટલા માટે અમેરિકન અવકાશકાર્યક્રમમાં એક ચીની વૈજ્ઞાનિકના કામ કરવા અંગે કોઈ શંકાશીલ નહોતું. કિયાનને વર્ગીકૃત હથિયારોના સંશોધન પર કામ કરવા માટેની સુરક્ષામંજૂરી આપવામાં આવી હતી અને અમેરિકન સરકારના વિજ્ઞાન સલાહકાર બૉર્ડમાં પણ તેમણે કામ કર્યું હતું."
યુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધીમાં તો તેઓ જેટ પ્રોપલ્શનના વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક બની ગયા હતા. તેમને થિયોડોર વૅન કારમન સાથે એક અસાધારણ મિશન પર જર્મની મોકલવામાં આવ્યા અને મિશન માટે તેમને લેફ્ટનન્ટ કર્નલની અસ્થાયી પદવી આપવામાં આવી હતી.
તેમનું લક્ષ્ય નાઝી એંજિનિયરોનું ઇન્ટરવ્યૂ કરવાનું હતું, જેમાં જર્મનીના પ્રખ્યાત રૉકેટ વિજ્ઞાની વર્નહર વૉન બ્રોન પણ સામેલ હતા. અમેરિકા એ જાણવા માગતું હતું કે જર્મન લોકો ખરેખર કેટલું જાણે છે.
પરંતુ દાયકાના અંતમાં અમેરિકામાં કિયાનની ઝળઝળતી કારકિર્દીમાં અચાનક અવરોધ આવી ગયો અને તેમના જીવન વિશેની માહિતી લોકો સમક્ષ બહાર આવવા લાગી.
ક્રિસ જેસ્પર્સન કહે છે, "ચીનમાં 1949ની સાલમાં, ચૅરમૅન માઓ દ્વારા સામ્યવાદી પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઈનાની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી અને બહુ ઝડપથી અમેરિકન ચીની લોકોને "દુષ્ટ લોકો" તરીકે જોતા થઈ ગયા."
"અમે અમેરિકામાં એવા સમયગાળામાંથી પસાર થયા, જ્યાં અમને ચીન પ્રત્યે મોહ હતો, પછી કંઈક થાય છે અને આપણે ચીનને બદનામ કરવા લાગીએ છીએ."
આ દરમિયાન JPLના એક નવા ડિરેક્ટરને લાગ્યું કે લૅબમાં જાસૂસી વર્તુળ કામ કરી રહ્યું છે અને તેમણે પોતાની શંકા FBIના સ્ટાફના લોકોને જણાવી.
ફ્રેસર મૅકડૉનાલ્ડ કહે છે, "મારી નોંધ પ્રમાણે તે બધા ચીની અથવા યહૂદી છે."
શીત યુદ્ધ ચાલી રહ્યું હતું અને સાથે જ મૅકકાર્થી યુગની એન્ટિ- કૉમ્યુનિસ્ટ ઝુંબેશ ચાલી રહી હતી. આવા વાતાવરણમાં FBIએ કિયાન, ફ્રેન્ક મલિના અને અન્ય પર સામ્યવાદી હોવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનો આરોપ લગાવ્યો હતો.
US કૉમ્યુનિસ્ટ પાર્ટીના 1938નાં કાગળોના આધારે કિયાન પર આરોપ મૂકવામાં આવ્યા હતા, જેમાં એ દર્શાવવામાં આવ્યું હતું કે તેમણે એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જે એફબીઆઈ મુજબ પસાડેના કૉમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક હતી. જોકે, કિયાને આ પક્ષના સભ્ય હોવાની વાતનો ઇનકાર કર્યો હતો.
પરંતુ નવા સંશોધન પ્રમાણે તેઓ પણ ફ્રેન્ક મલિનાની જેમ વર્ષ 1938માં પક્ષમાં જોડાયા હતા.
ફ્રેઝર મૅકડૉનાલ્ડ કહે છે કે આટલા માત્રથી તેઓ માર્ક્સવાદી બની જતા નથી. એ સમયે સામ્યવાદનો અર્થ જાતિવાદના વિરોધી, એવો પણ થતો હતો.
તેઓ જણાવે છે કે, "આ જૂથ ફાસીવાદના જોખમ સાથોસાથ અમેરિકામાં વંશવાદની ભયાનકતાને પણ લોકો સામે લાવવા માગતું હતું. દાખલા તરીકે, તેઓ સ્થાનિક પાસાડેના સ્વિમિંગ પૂલમાં વિભાગીકરણ સામે સામે ઝુંબેશ ચલાવી રહ્યા હતા, તેઓ કૉમ્યુનિસ્ટ મિટિંગોમાં આ મુદ્દે ચર્ચા કરતા હતા.
કેલિફોર્નિયા સ્ટેટ પોલિટૅક્નિક યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર ઝ્યુયે વાંગ કહે છે કે, "કિયાન ચીન માટે જાસૂસી કરી હોય અથવા તો અમેરિકામાં ગુપ્તચર એજન્ટ તરીકે કામ કર્યું હોય, તે વાતના કોઈ પુરાવા નથી."
જોકે, તેમની સુરક્ષામંજૂરી પાછી ખેંચી લેવાઈ હતી અને તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. થિયોડોર વૉન કરમન સહિતના કેલટેકના સભ્યોએ કિયાનને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા માટે સરકારને વિનંતી કરી, પરંતુ આ પ્રયાસ વ્યર્થ ગયો.
1955માં જ્યારે કિયાને પાંચ વર્ષ નજરકેદમાં પસાર કરી લીધા, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ આઈસેનહાવરે નક્કી કર્યું કે તેમને ચીન મોકલી આપવામાં આવશે. વૈજ્ઞાનિક, તેમનાં પત્ની અને અમેરિકામાં જન્મેલાં બે બાળકો સાથે સમુદ્ર માર્ગે રવાના થયા અને જતી વખતે પત્રકારોને કહ્યું કે તેઓ ફરી ક્યારેય અમેરિકામાં પગ નહીં મૂકે. તેમણે પોતાનું વચન પાળ્યું.
પત્રકાર અને લેખક ટિયાન્યુ ફેંગ કહે છે, "તેઓ અમેરિકાના સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિકો પૈકી એક હતા. તેમણે ઘણું યોગદાન આપ્યું છે અને વધુ યોગદાન આપી શક્યા હોત. અને તેથી તેમની સાથે થયેલું વર્તન માત્ર અપમાન જ નહીં પરંતુ વિશ્વાસઘાત પણ હતો."
કિયાન ચીનમાં હીરો તરીકે પહોંચ્યા, પરંતુ તેમને ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં તરત પ્રવેશ ન અપાયો. તેમનો રેકૉર્ડ દોષરહિત ન હતો. તેમનાં પત્ની રાષ્ટ્રવાદી નેતાનાં કુલીન પુત્રી હતાં અને કિયાનના દેશનિકાલ સુધી તેઓ અમેરિકામાં આરામથી જીવન જીવી રહ્યાં હતાં. તેમણે અમેરિકન નાગરિકત્વ મેળવવા માટેની અરજી પણ કરી હતી.
1958માં જ્યારે તેઓ પક્ષના સભ્ય બન્યા ત્યારે તેમણે આ વાતને સ્વીકારી અને કાયમ શાસનની પડખે રહેવાનો પ્રયત્ન કર્યો. તેઓ સાંસ્કૃતિક ક્રાંતિથી બચી ગયા અને આ રીતે અસાધારણ કારકિર્દી બનાવવામાં સફળ થયા.
જ્યારે તેઓ ચીન પહોંચ્યા ત્યારે રૉકેટ વિજ્ઞાન વિશે ઓછી સમજ હતી, પરંતુ 15 વર્ષ પછી તેમની દેખરેખ હેઠળ ચીનને પ્રથમ ઉપગ્રહને અવકાશમાં તરતો મૂક્યો હતો. દાયકાઓ સુધી તેમણે વૈજ્ઞાનિકોની નવી પેઢીને તાલીમ આપી છે અને ચીનના ચંદ્ર સંશોધનકાર્યક્રમનો પાયો નાખ્યો છે.
ફ્રેઝર મૅકડૉનાલ્ડ કહે છે, "મજાની વાત એ છે કે કિયાને ચીનમાં મિસાઇલ પ્રોગ્રામનો વિકાસ કર્યો તેનો ઉપયોગ અમેરિકા સામે કરવામાં આવ્યો હતો. 1991ના ખાડી યુદ્ધમાં અમેરિકા સામે અને વર્ષ 2016માં USS મેસન સામે કિયાનની સિલ્ક વોર્મ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો "
"આ એક વિચિત્ર વર્તુળ છે. અમેરિકાએ આ કુશળ વૈજ્ઞાનિકને કાઢી મૂક્યો અને તેમનું આ પગલું તેમને કરડવા પાછળ આવી ગયું."
તેઓ જણાવે છે કે, ઘરેલુ સામ્યવાદ વિરુદ્ધ કડક વલણ અખત્યાર કરવા માટે અમેરિકાએ પોતાના મુખ્ય સામ્યવાદી હરીફને મિસાઇલો અને અવકાશ કાર્યક્રમ વિકસાવવા માટે માર્ગ મોકળો કરી આપ્યો - આ એક અસાધારણ જિયો-પૉલિટિકલ ભૂલ હતી."
નૌકાદળના ભૂતપૂર્વ US સેક્રેટરી, ડેન કિમબલ, જેઓ બાદમાં રૉકેટ પ્રૉપલ્શન કંપનીના ઍરોજેટના વડા બન્યા. તેમણે એકવાર કહ્યું હતું કે "આ દેશે કરેલું સૌથી મૂર્ખતાભર્યું કાર્ય" હતું.
ચીન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત તણાવ વધ્યો છે. જોકે આ વખત વિચારધારાના કારણે નહીં પરતું વેપાર, ટૅક સિક્યૉરિટી અંગેની ચિંતાઓ અને જેમ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે તેમ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં ચીનની નિષ્ફળતાને કારણે છે.
મોટાભાગના અમેરિકન લોકોને કિયાન અને અમેરિકાના અંતરિક્ષકાર્યક્રમમાં તેમની ભૂમિકા વિશે કોઈ માહિતી નથી.
ફેંગ કહે છે કે અમેરિકામાં ઘણા ચાઇનીઝ અમેરિકનો અને ચીની વિદ્યાર્થીઓ તેમના વિશે અને તેમણે દેશ કેમ છોડવો પડ્યો તે અંગે જાણે છે. તેઓ હાલના સમયને સમાંતરપણે જુએ છે.
તેઓ કહે છે કે, "અમેરિકા અને ચીનના સંબંધો એટલા બગડી ગયા છે કે આ લોકો જાણે છે કે તેમના પર પણ પણ કિયાનની પેઢીની જેમ જ શંકા કરવામાં આવશે."
https://www.youtube.com/watch?v=9S49FMJOsmY
મૅકડૉનાલ્ડ મુજબ કિયાનની વાર્તા એક ચેતવણી છે જે જણાવે છે કે જ્યારે તમે જ્ઞાનને બહાર કાઢી મૂકો છો ત્યારે શું થાય છે.
"અમેરિકન વિજ્ઞાનની સમગ્ર વાર્તા એ છે કે તે બહારથી આવેલ લોકો દ્વારા ચલાવવામાં આવે છે. પરંતુ આજના રૂઢિ ચુસ્ત સમયમાં આ વાતની ઉજવણી કરવાનું મુશ્કેલ બની જાય છે."
તેમનું માનવું છે કે US સ્પૅસ પ્રોગ્રામમાં JPLનું જે યોગદાન છે તેની વર્નહર વૉન બ્રોન અને અન્ય જર્મન વૈજ્ઞાનિકોની સરખામણીમાં અવગણના કરવામાં આવી છે. આ વૈજ્ઞાનિકોને વૉન કારમન અને કિયાન દ્વારા લેવાયેલા મુલાકાત બાદ બાદ તરત જ US સિક્રેટમાં લઈ લેવામાં આવ્યા હતા.
મૅકડૉનાલ્ડ કહે છે કે બ્રોન નાઝી હતા અને તેમ છતાં તેમની સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી છે જ્યારે કિયાન અને તે અન્ય લોકોની એ પ્રકારે માન આપવામાં આવ્યું નથી. તેઓ વધુમાં જણાવે છે, "એ વિચાર કે અમેરિકાનો પ્રથમ સફળ અવકાશકાર્યક્રમ દેશના સમાજવાદીઓ, ભલે તે યહુદી હોય કે ચીની, દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, આ વાત સાંભળવું અમેરિકાને ગમતું નથી.".
કિયાન લગભગ એક સદી સુધી જીવ્યા.
હવે ખરાબ આર્થિક સ્થિતિ ધરવાતું ચીન પૃથ્વી અને અવકાશમાં એક મહાસત્તા બની ગયું છે.
કિયાન આ પરિવર્તનનો એક ભાગ હતા. પરંતુ તેમની વાર્તા એક મહાન અમેરિકન ગાથા પણ બની શકે - જ્યાં પણ પ્રતિભા દેખાય, જ્યારે પણ દેખાય, ત્યાં તે ખીલી શકે.
ગયા વર્ષે, ચીને ઇતિહાસ રચ્યો જ્યારે તેમણે ચંદ્રની દૂર તરફ આવેલા વૉન કારમન ક્રેટર પર ઉતરાણ કર્યું. જેનું નામ કિયાનના માર્ગદર્શક એવા ઍરોનોટિકલ એંજિનિયરના નામ પરથી આપવામાં આવ્યું હતું. અમેરિકન સામ્યવાદવિરોધી સામ્રાજ્યવાદે ચીનને અવકાશમાં આગળ વધારવામાં મદદ કરી તે હકીકત સ્વીકારવી રહી.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=nDQV_dea0EE
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો