સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, CBI તપાસ માટે રાજ્યની મંજૂરી હોવી જરૂરી
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વના ચુકાદામાં કહ્યુ છે કે સીબીઆઈએ કોઈ રાજ્યમાં તપાસ માટે ત્યાંની સરકારની મંજૂરી લેવી જરૂરી રહેશે. બંધારણના સંઘીય ચરિત્ર હેઠળ જોગવાઈ છે જેમાં સીબીઆઈએ રાજ્યની સંમતિ લેવી જોઈએ. અદાલતે કહ્યુ કે કેન્દ્ર પોતાનો અધિકાર ક્ષેત્ર વધારી શકે નહિ. છેલ્લા બે વર્ષમાં આઠ રાજ્યોની સરકારોએ કેન્દ્રીય તપાસ બ્યૂરો(સીબીઆઈ)ને રાજ્યમાં તપાસ માટે આપવામાં આવેલી સામાન્ય સંમતિને પાછી લઈ લીધી છે. આ વિશે રાજ્યો અને કેન્દ્રમાં એક ટકરાવની સ્થિતિ દેખાઈ છે. આને જોતા સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ખૂબ મહત્વનો છે. જસ્ટીસ એએમ ખાનવિલકર અને જસ્ટીસ બીઆર ગવઈની પીઠે ઉત્તર પ્રદેશમાં ફર્ટિકો માર્કેટિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય સામે સીબીઆઈ તરફથી નોંધાયેલ કેસમાં આ ચુકાદો સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે દિલ્લી વિશેષ પોલિસ સ્થાપના અધિનિયમ(ડીએસપીઈ)માં કહેવામાં આવ્યુ છે કે શક્તિઓ અને અધિકાર ક્ષેત્ર માટે સીબીઆઈએ કોઈ પણ કેસની તપાસ પહેલા સંબંધિત રાજ્ય સરકારની સંમતિ લેવી જરૂરી છે. ડીએસપીઈ અધિનિયમની કલમ 5 કેન્દ્ર સરકારને કેન્દ્રશાસિત પ્રદેશોથી પરે સીબીઆઈની શક્તિઓ અને અધિકાર ક્ષેત્રનો વિસ્તાર કરવામાં સક્ષમ બનાવે છે પરંતુ અધિનિયમની કલમ 6 હેઠળ રાજ્ય સંબંધિત ક્ષેત્રની અંદર આ રીતના વિસ્તાર માટે પોતાની સંમતિ ન આપે ત્યાં સુધી એ સ્વીકાર્ય નથી. આ જોગવાઈ બંધારણની પાયાગત સંરચનાઓમાંની એક છે.
આંધ્રપ્રદેશ સરકારે નવેમ્બર, 2018માં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈના મંજૂરી વિના રાજ્યમાં તપાસ માટે આવવા પર રોક લગાવી હતી ત્યારે ચંદ્રબાબુ નાયડુ ત્યાં મુખ્યમંત્રી હતા. નવેમ્બર 2018માં જ પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની સરકારે પણ સીબીઆઈને આપેલી સામાન્ય સંમતિ પાછી લઈ લીધી હતી. ત્યારબાદ રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને કેરળે સીબીઆઈને તપાસ માટે આપેલી સામાન્ય સંમતિ પાછી લીધી. આ મહિને પંજાબ અને ઝારખંડે પણ મંજૂરી વિના સીબીઆઈની એન્ટ્રી પર રોક લગાવી દીધી છે.
ગુજરાતઃ મુસ્લિમ મહિલાએ હિંદુ દંપત્તિને આપ્યુ પુત્ર-સુખ