• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકા ચૂંટણી પરિણામ: જો બાઇડન અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડે તો શું થાય?

By BBC News ગુજરાતી
|

ઉમેદવારો પરિણામને કઈ રીતે પડકારી શકશે? તથા કેટલાક વોટનું મૂલ્ય બીજા વોટ કરતા શા માટે વધારે હોય છે?

અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી અંગે અહીં કેટલા મહત્ત્વના સવાલોના જવાબ રજૂ કરાયા છે.

ટાઈ થાય તો શું થશે? - ચિંગા, ચીન

અમેરિકાની ચૂંટણીમાં 538 ઇલેક્ટોરલ મત જીતવાના હોય છે. તેમાં દરેક રાજ્યના ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટર્સ હોય છે અને તેનો આધાર લગભગ તે રાજ્યની વસતી પર રહેલો છે.

એટલે કે બંને ઉમેદવારને 269 વોટ મળે તો ટાઈ થશે. જોકે, તેની શક્યતા બહુ ઓછી છે.

ઇલેક્ટોરલ કૉલેજમાં કોઈ પણ ઉમેદવારને બહુમતી નહીં મળે તો યુએસ કૉંગ્રેસે આગળનો નિર્ણય લેવાનો રહેશે.

2020ની ચૂંટણીમાં ચૂંટાયેલા કૉંગ્રેસના સભ્યોએ આ જવાબદારી લેવાની રહેશે.

પ્રતિનિધિ સભા (હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ) રાષ્ટ્રપતિની પસંદગી નક્કી કરવા માટે મતદાન કરશે જેમાં દરેક રાજ્યના ડેલિગેશન પાસે એક વોટ હશે. રાષ્ટ્રપતિ બનવા માટે ઉમેદવારે 26 વોટની બહુમતી મેળવવી પડશે.

સૅનેટ દ્વારા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરાશે જેમાં તમામ 100 સૅનેટર્સના એક-એક મત હશે.

શું ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણીનાં પરિણામોને પડકારવા પ્રયાસ કરશે? - બેસેલ, ઇઝરાયલ

હા. બંને કેમ્પેઇને જણાવ્યું છે કે તેઓ ચૂંટણી પછી કાનૂની લડતનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યા છે.

તેઓ મોટાં ભાગનાં રાજ્યોમાં પુનઃમતગણતરીની માગણી કરવાનો અધિકાર ધરાવે છે, ખાસ કરીને જ્યારે ભારે રસાકસીમાં પરિણામ આવે ત્યારે.

આ વર્ષે પોસ્ટલ વોટિંગમાં વધારો થયો છે. તેથી આ બૅલેટ્સની કાયદેસરતાને કોર્ટમાં પડકારવામાં આવે તેવી શક્યતા છે.

આ કેસ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે જે અમેરિકામાં સર્વોચ્ચ કાનૂની ઑથૉરિટી છે.

વર્ષ 2000માં આવું જ થયું હતું જ્યારે સુપ્રીમ કોર્ટે ફ્લોરિડામાં ફેરમતગણતરી અટકાવી હતી અને રિપબ્લિકન પાર્ટીના જ્યોર્જ ડબલ્યુ બુશની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેઓ રાષ્ટ્રપતિ બન્યા હતા.

આખી દુનિયામાં લગભગ બધા લોકો આ "ઇલેક્ટોરલ કૉલેજ"ના નૉનસેન્સથી ત્રાસી ગયા છે. અમેરિકાની ચૂંટણીમાં માત્ર બહુમતીના વોટને ધ્યાનમાં લઈને ઇલેક્ટોરલ કૉલેજને પડતું મૂકવામાં આવે તે કેટલી હદે શક્ય છે? - જુડી, BC, કૅનેડા

અમેરિકાની ઇલેક્ટોરલ પ્રણાલી તેના બંધારણમાં જ ઘડવામાં આવી છે તેથી તેને બદલવા માટે બંધારણીય સુધારાની જરૂર પડે.

તેના માટે સૅનેટ તથા હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝ (પ્રતિનિધિ સભા) એમ બંને જગ્યાએ બે-તૃતીયાંશ બહુમતીથી અથવા તેટલા જ પ્રમાણમાં સ્ટેટ લેજિસ્લેચર દ્વારા સુધારો મંજૂર કરાવવો પડે. ત્યારપછી તેને ત્રણ-ચતુર્થાંશ અમેરિકન રાજ્યોની મંજૂરી મળવી જોઈએ.

આ સફળ થાય તેવી શક્યતા બહુ ઓછી છે. જોકે, ભૂતકાળમાં આ સિસ્ટમને બદલવા માટે પ્રયાસો થયા હતા.

કેટલાક રાજ્યોમાં પૉપ્યુલર વોટ જીતનારને જ તેમના ઇલેક્ટોરલ વોટ આપવાના પ્રયાસો ચાલુ છે, ભલે પછી ત્યાં ગમે તેનો વિજય થયો હોય. આ એક ઉપાય છે. પરંતુ તેનાથી ઇલેક્ટોરલ કૉલેજ અસરકારક રીતે રદબાતલ થઈ જશે.

ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો કોણ છે?તેમને કઈ રીતે પસંદ કરવામાં આવે છે અને તેઓ તેમની ભૂમિકામાં કેટલા સમય સુધી રહી શકે છે? – પેની રીડ, નૉર્થમ્બરલૅન્ડ, UK

https://www.youtube.com/watch?v=F_WSz3AsNgY

ઇલેક્ટોરલ કૉલેજના સભ્યોને સામાન્ય રીતે રિપબ્લિકન અને ડેમૉક્રેટિક પાર્ટી દ્વારા દરેક ચૂંટણી માટે નામાંકિત કરવામાં આવે છે.

દરેક રાજ્યમાં તેમના નામાંકન માટેના જુદાજુદા નિયમો છે તથા તેમને સત્તાવાર રીતે મતદાનના દિવસે પસંદ કરવામાં આવે છે.

કૉલેજના સભ્યો ઇલેક્ટર્સ તરીકે ઓળખાય છે. ઘણી વખત તેઓ અમેરિકાના રાજકીય પક્ષો સાથે પહેલેથી સંબંધ ધરાવતા હોય છે, જેમ કે કાર્યકરો અથવા ભૂતપૂર્વ રાજકારણીઓ.

બિલ ક્લિન્ટન 2016માં ડેમૉક્રેટિક ઇલેક્ટર હતા અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરને રિપબ્લિકન્સ દ્વારા આગળ કરાયા હતા.

ઇલેક્ટોરલ કૉલેજ દ્વારા કોઈ નિશ્ચિત વિજેતા મેળવી ન શકાય તો રાષ્ટ્રપતિપદ કોણ નક્કી કરશે? – રૉબર્ટ પેલોન, મેરીલૅન્ડ

ઇલેક્ટોરલ કૉલેજ દ્વારા કોઈ નિશ્ચિત વિજેતા નહીં મળે તો તેનો અર્થ એવો થયો કે કુલ પરિણામમાં ટાઈ થઈ છે (ઉપર જણાવ્યું તે મુજબ), અથવા વિવાદાસ્પદ રાજ્યોમાં કાનૂની લડાઈનો ઉકેલ આવ્યો નથી. તેથી તેમના ઇલેક્ટર્સ ચૂંટી શકાય નહીં.

ઇલેક્ટોરલ કૉલેજ, જેનું કામ આગામી રાષ્ટ્રપતિની ઔપચારિક રીતે નિમણૂક કરવાનું હોય છે, તે ચાલુ વર્ષે 14 ડિસેમ્બરે બેઠક યોજશે. ત્યાં સુધીમાં દરેક રાજ્યે તેના વિજેતા ઉમેદવાર માટે ઇલેક્ટર્સને આગળ કરવા જ પડે.

આમ છતાં ચૂંટણીનાં પરિણામ અંગે વિવાદ હોય અને ચોક્કસ રાજ્યો તેમના કયા ઉમેદવારને ઇલેક્ટર આપવા તે અંગે નિર્ણય ન લઈ શકે તો આવી સ્થિતિમાં યુએસ કૉંગ્રેસે દરમિયાનગીરી કરવી પડશે.

અમેરિકાના બંધારણમાં એક અંતિમ ડેડલાઇનની જોગવાઈ છે. તે મુજબ રાષ્ટ્રપતિ (અને ઉપરાષ્ટ્રપતિ)નો કાર્યકાળ 20 જાન્યુઆરીએ બપોરે સમાપ્ત થાય છે.

જો કૉંગ્રેસ ત્યાં સુધીમાં વિજેતાને નક્કી કરી નહીં શકે તો આગળ કોને ઉત્તરાધિકારી બનાવવા તે વિશેના કાયદા છે.

તે પ્રમાણે સૌથી પહેલા હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્ઝના સ્પીકરનો વારો આવે. હાલમાં આ પદ પર નેન્સી પેલોસી છે. ત્યારપછી સૅનેટના બીજા ક્રમના સૌથી ઉચ્ચ હોદ્દેદાર સભ્યને ધ્યાનમાં લેવામાં આવે. હાલમાં ચાર્લ્સ ગ્રેસ્લી આ પદ સંભાળે છે.

અમેરિકાના ઇતિહાસમા અગાઉ આવું ક્યારેય નથી થયું. તેથી આવા અસાધારણ સંજોગોમાં બધું કઈ રીતે કરવામાં આવશે તે અત્યારે અનિશ્ચિત છે.


ઇલેક્ટોરલ કૉલેજ કઈ રીતે વોટ આપશે તેના પર રાષ્ટ્રીય વોટનો કેવો પ્રભાવ હોય છે? – કેરોલિન બોનવિટ, ગ્લોસેસ્ટરશાયર, UK

https://www.youtube.com/watch?v=b2FyDc0e-RY

અમેરિકન રાષ્ટ્રપતિનો નિર્ણય રાષ્ટ્રીય લોકપ્રિય વોટ દ્વારા નહીં, પરંતુ પૂરતી સંખ્યામાં રાજ્યોમાં જીતના આધારે લેવાય છે.

દરેક રાજ્યમાં વિજેતાને તેની વસતીના પ્રમાણમાં ઇલેક્ટર્સની સંખ્યાનો ટેકો મળે છે.

આ ઇલેક્ટર્સ મતદાનના અમુક સપ્તાહ પછી મળે છે, તેઓ ઇલેક્ટોરલ કૉલેજ રચે છે અને આગામી રાષ્ટ્રપતિની સત્તાવાર પસંદગી માટે વોટ આપે છે.

વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ તરીકે પ્રવેશવા 270 ઇલેક્ટોરલ વોટની જરૂર પડે છે.


કેટલાક રાજ્યોના વોટનું મૂલ્ય બીજા રાજ્યો કરતા વધુ કેમ હોય છે? – એસ. રૉબર્ટસન, સસેક્સ, UK

https://www.youtube.com/watch?v=yVrNluY7MOg

ઉમેદવારો એવા રાજ્યોમાં ચૂંટણીપ્રચાર કરતા હોય છે જ્યાં પરિણામો અનિશ્ચિત હોય. તેથી લોકો કહે છે કે આ રાજ્યોના "મતનું વધારે મૂલ્ય" હોય છે.

આ સ્થળોને યુદ્ધભૂમિ અથવા સ્વિંગ સ્ટેટ્સ તરીકે ઓળખવામાં આવે છે.

અમેરિકાની ઇલેક્ટોરલ સિસ્ટમનો અર્થ એ થયો કે બે રાજ્યોને બાદ કરતા તમામ રાજ્યોમાં વિજયના માર્જિનનો કોઈ મતલબ નથી. કારણ કે તે રાજ્યોમાં જેને વધારે વોટ મળશે તે તમામ ઇલેક્ટોરલ વોટ્સ પણ જીતશે.

જે રાજ્યો લગભગ ચોક્કસ રીતે જ વોટ આપતા હોય છે ત્યાં ઉમેદવારોને પ્રચાર કરવામાં કોઈ ફાયદો હોતો નથી. જેમ કે ડેમૉક્રેટ્સ માટે કેલિફોર્નિયા અને રિપબ્લિકન્સ માટે એલાબામા ગઢ ગણાય છે.

તેઓ એવાં રાજ્યોમાં પૂરી તાકાત લગાવશે જ્યાં રસાકસીની શક્યતા હોય. જેમ કે ફ્લોરિડા અને પેન્સિલ્વેનિયા.


જેની ગણતરી ઘણા દિવસો સુધી ચાલતી હોય છે તે પોસ્ટલ વોટના કારણે આગળ જતા ટ્રમ્પ કે બાઇડનના અંતિમ વોટની સંખ્યામાં ફેરફાર થાય તો વિજેતાની પુનઃજાહેરાત કરવા માટેના શું નિયમો છે? – ચાર્લી ઇથરિઝ, કેન્ટ, UK

ચૂંટણીની રાતે વિજેતાને જાહેર કરવાની કોઈ કાયદાકીય જરૂરિયાત નથી. આ કામ અમેરિકાનાં મોટાં મીડિયાજૂથો દ્વારા પ્રોજેક્શન તરીકે કરવામાં આવે છે.

ચૂંટણીની રાતે જ બધા મતની ગણતરી ક્યારેય પૂરી થતી નથી. પરંતુ વિજેતા નક્કી થઈ શકે તેટલી સંખ્યામાં મત ગણાઈ જતા હોય છે.

આ બિનસત્તાવાર પરિણામો હોય છે જેને થોડા સપ્તાહો પછી રાજ્યના અધિકારીઓ દ્વારા પુષ્ટિ અપાય ત્યારે સત્તાવાર રીતે પ્રમાણિત કરવામાં આવે છે.

ચાલુ વર્ષે અમેરિકન મીડિયા કોઈ વિજેતાનું નામ જાહેર કરવામાં વધુ સાવધાની રાખે તેવી શક્યતા છે, કારણ કે પોસ્ટલ વોટની સંખ્યા મોટી છે અને તેની ગણતરીમાં વધુ સમય લાગશે.

તેનો અર્થ એવો થયો કે કેટલાક રાજ્યોમાં ચૂંટણીની રાતે જે ઉમેદવાર આગળ ચાલતા હશે તે પોસ્ટલ વોટ સહિતના તમામ વોટની ગણતરી થઈ જાય ત્યારપછી કદાચ હારી પણ શકે.


https://www.youtube.com/watch?v=2lQsSfTnbSU

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
US election results: What if there is a tie between Biden and Trump?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X