દેશની સરકારી બેંક પંજાબ નેશનલ બેંકમાં 11,500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. આ કૌભાંડ બાદ તપાસ એજન્સીઓ એક્શનમાં આવી ગઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડીની ટીમે નિરવ મોદીના મુંબઇના કાલા ઘોડા સ્થિત શો રૂમ સમેત ઓફિસ અને દિલ્હીની ઓફિસમાં પણ રેડ પાડી છે. ઇડીની ટીમ વધુમાં સુરતમાં પણ તેની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. ઇડીની ટીમે મુંબઇમાં 7 જગ્યાએ અને દિલ્હી ચાણક્યપુરી તથા ડિફેન્સ કોલનીમાં પણ દરોડો પાડી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પીએનબી સમેત નિરવ મોદી પર 280 કરોડની છેતરપીંડીનો મામલો પણ ચાલી રહ્યો છે જેમાં સીબીઆઇ તપાસ ચાલે છે. ત્યારે મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઇડીએ સીબીઆઇની એફઆઇઆર હેઠળ કેસ દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીમાં 1.77 બિલિયન ડોલર એટલે કે લગભગ 11,500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ કૌભાંડ મુંબઇ સ્થિત બેંકની બ્રાન્ચમાં થયું છે. અને આ અંગે પંજાબ નેશનલ બેંકે એક જાહેરાત કરી જાણકારી આપી છે. પંજાબ નેશનલ બેંક ભારતની બીજી સૌથી મોટી સરકારી બેંક છે. બેંકે તેના સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ વિસ્તારમાં આવેલ પંજાબ નેશનલ બેંકમાં આ કૌભાંડ થયું છે. જેમાં નિરવ મોદીનું નામ પણ સંડોવાયેલું છે. ઉલ્લેખનીય છે કે નિરવ મોદી જાણીતા જ્વેલરી ડિઝાઇનર છે. અને અનેક લોકો જાડે તેમની ઓળખ છે. બોલીવૂડ અને હોલીવૂડની જાણીતી હસ્તીઓ તેમના બનાવેલી જ્વેલરી પહેરે છે. ત્યારે બે અલગ અલગ કેસમાં તેમના નામની સંડોવણી હોવાની વાત બહાર આવતા ઇડીએ હવે તેમની ઓફિસ તથા શો રૂમમાં દરોડા પાડીને વિવિધ જાણકારી હાથ લેવાની શરૂઆત કરી છે.