ભાજપે ખ્રિસ્તીઓ માટે યરૂશાલેમનની યાત્રા મફત કરવાનો વાયદો કર્યો છે. પાર્ટી તરફથી આ જાહેરાત નાગાલેન્ડમાં કરવામાં આવી છે. જ્યાં હાલ ચૂંટણીનો માહોલ છે. જો કે હાલ તે વાત સાફ નથી થઇ કે મફત યરૂશાલેમની યાત્રા ખાલી નાગાલેન્ડના ખ્રિસ્તીઓ માટે કરવામાં આવી છે કે પછી સમગ્ર દેશના ખ્રિસ્તી ભાઇઓ બહેનો માટે. વધુમાં ભાજપનો ચૂંટણી વાયદો એટલા માટે પણ ચર્ચાનું કારણ બન્યો છે કેમ કે એક મહિના પહેલા જ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે મુસ્લિમોની હજ સબસીડીને બંધ કરી છે. ઉલ્લેખનીય છે કે નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેધાલય અને નાગાલેન્ડમાં 18 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી છે. મેધાલયમાં 70 ટકા તો નાગાલેન્ડમાં 85 ટકાથી વધુ ખ્રિસ્તી આબાદી છે.
કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ આ જાહેરાત ખાલી નાગાલેન્ડના વાસીઓ માટે જ છે. જ્યાં 85 ટકા ખ્રિસ્તી વસ્તી છે. અહીં ભાજપની સરકાર બની તો સરકાર દ્વારા ખ્રિસ્તીઓને યરૂશાલેમની મફત યાત્રાની સુવિધા આપવામાં આવશે. બીજી તરફ આ વાત મીડિયામાં ફેલાત એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યું છે કે "ભાજપ ખ્રિસ્તીઓને મફતમાં યાત્રા કરવાનો વાયદો કરી રહી છે. ભાજપના હિસાબે શું આજે 'ઇન્ડિયા ફસ્ટ'નો મતલબ છે" જો કે રીતે નાગાલેન્ડમાં ચૂંટણી પહેલા ભાજપે આ મફત યરૂશાલેમની યાત્રાની જાહેર કરી છે તે પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત કરવા માટે કટિબદ્ધ છે. અને આવનારી ચૂંટણીમાં તેને વધુમાં વધુ રાજ્યો તરફથી ફૂલ સપોર્ટ મળે અને કેસરિયા ભારત ભરમાં લહેરાય તે માટે નીતનવા પેંતરા પાર્ટી દ્વારા અજમાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું તે રહે છે કે ભાજપની આ જાહેરાતથી આવનારા સમયમાં ભાજપને કેટલો ફાયદો અને કેટલું નુક્શાન થાય છે?