કર્ણાટક ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપ એક બીજા પર જવાબી હુમલો કરવાની એક તક નથી છોડી રહ્યા. રવિવારે વડાપ્રધાન પર "રિયર વ્યૂ મિરર" સંબંધી ટિપ્પણી કર્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની તુલના એવા ક્રિકેટર સાથે કરી જે વિકેટ કીપરને જોઇને બોલિંગ કરે છે અને તેને એ વાતની ખબર નથી હોતી કે બોલ કંઇ તરફથી આવી રહી છે. "જન આશીર્વાદ" યાત્રા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદી પર અનેક ચોટદાર ટિપ્પણીઓ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે જો સચિન તેડુંલકર વિકેટ કિપરની તરફ જોઇને બેટિંગ કરે તો શું તે એક રન પણ લઇ શકે? આપણા વડાપ્રધાન તેવા જ ક્રિકેટર છે. જે વિકેટ કિપરની તરફ જોઇને બેટિંગ કરે છે. તેમને ખબર જ નથી કે બોલ ક્યાંથી આવે છે.
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન તમારે કહેવું પડશે કે પાંચ વર્ષમાં શું કર્યું. પાંચ વર્ષ તો હાલ થવા આવ્યા છે અને તમે તમારું ખાતું પણ નથી ખોલાવી શક્યા. સંસદમાં વડાપ્રધાનના ભાષણ પર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું કે ગત દિવસોમાં સંસદમાં મોદીજીએ એક કલાક ભાષણ આપ્યું. જેમાંથી 45 મિનિટનું ભાષણ તેમણે કોંગ્રેસ પર જ આપ્યું. અને દેશની સમસ્યાઓ અને ખેડૂતોના મુદ્દાની તો વાત જ ના કરી. મોદીજી દેશે તમને કોંગ્રેસની વાતો કરવા માટે પીએમ નથી બનાવ્યા. પણ યુવાનોને રોજગાર આપવા, હોસ્પિટલ ખોલવા અને કોલેજ બનાવવા માટે તથા ખેડૂતોની મદદ કરવા માટે પીએમ બનાવ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભષ્ટ્રાચાર મામલે પણ ભાજપને તંજ કસ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકાર ભષ્ટ્રાચારથી સંપૂર્ણપણે મુક્ત છે. જ્યારે કર્ણાટકની ભાજપ સરકારે ભષ્ટ્રાચાર મામલે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે કહ્યું કે અહીં જ્યારે ભાજપનું શાસન હતું ત્યારે એક પછી એક કૌભાંડ થયા છે. અને ગત પાંચ વર્ષમાં અહીં એક પણ કૌભાંડ નથી થયું.